પી. પૂનકોડી
માછીમાર મહિલા
સેરુતુર, નાગપટ્ટિનમ, તમિળનાડુ
મારા લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. ત્યારથી ક્યારેય હું મારા પોતાના વતનના દરિયા કિનારે ગઈ નથી. પણ મારો કેમેરા મને દરિયામાં લઈ ગયો. દરિયામાં બોટ કેવી રીતે ધકેલવામાં આવે છે, માછીમારીની પ્રક્રિયા અને આ સમુદાયમાં મહિલાઓના યોગદાન એ બધાનું મેં દસ્તાવેજીકરણ કર્યું.
કોઈને ફક્ત તસવીરો લેવા માટેની તાલીમ આપવી સરળ છે, પરંતુ તસવીરકારને તસવીરો દ્વારા વાર્તા કહેવાની તાલીમ આપવી એ કોઈ નાનીસૂની વાત નથી; પલની અમારે માટે એ કરે છે. તેમણે અમારી તાલીમમાં અમને સમજાવ્યું કે લોકોનો ફોટો પાડતા પહેલા અમારે તેમની સાથે કેવી રીતે ઘરોબો કેળવવો જોઈએ. એનાથી મારામાં લોકોના ફોટા પાડવાનો વિશ્વાસ આવી ગયો.
મેં માછીમારી સમુદાયના વિવિધ વ્યવસાયો - માછલીનું વેચાણ, સફાઈ અને હરાજી - નું દસ્તાવેજીકરણ કર્યું. આ તકે મને (માછલી વેચનાર) ફેરિયા તરીકે કામ કરતી સમુદાયની મહિલાઓની જીવનશૈલીને નજીકથી જોવા અને સમજવામાં પણ મદદ કરી. આ કામ માટે તેમણે તેમના માથા પર માછલીથી ભરેલી ભારે ટોપલીઓને સંતુલિત કરવી પડે છે.
કુપ્પુસ્વામી પરની મારી ફોટોસ્ટોરીમાં મેં તેમના જીવન વિશે જાણ્યું – તેઓ સરહદો પર માછીમારી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકાના નૌકાદળ દ્વારા સમુદ્રમાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી. પરિણામે તેમણે તેમના હાથ-પગ અને તેમનો અવાજ પણ ગુમાવી દીધા હતા.
હું તેમને મળી અને તેઓ કપડાં ધોવા, બાગકામ અને સફાઈ કરવા જેવા પોતાના રોજિંદા કામો કરતા હતા ત્યારે હું તેમને અનુસરી. તેઓ પોતાના હાથ-પગ પર ભરોસો રાખી શકે તેમ ન હોવાને કારણે તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તે હું સમજી શકી. તેમણે મને બતાવ્યું કે આ નાના-નાના કામ કરવામાં તેમને ખૂબ ખુશી મળતી હતી. તેમની વિકલાંગતાને કારણે તેઓ બહારની દુનિયાથી દૂર થઈ ગયા છે એની તેમને ચિતા નહોતી, પરંતુ કેટલીકવાર તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે જેને કારણે તેમને મરી જવાની ઈચ્છા થઈ જાય છે.
મેં સારડીન પકડતા માછીમારો પર તસવીરોની શૃંખલા (ફોટો સિરીઝ) કરી. સારડીન સામાન્ય રીતે સેંકડોની સંખ્યામાં પકડાય છે અને તેથી તેમને સાંભળવી (દરિયામાંથી બહાર કિનારે લાવીને જાળમાંથી એક પછી એક બહાર કાઢવી) એ એક મોટો પડકાર બની જાય છે. પુરુષો અને મહિલાઓ આ માછલીઓને જાળમાંથી કાઢીને બરફના બોક્સમાં સંગ્રહિત કરવા માટે કેવી રીતે સાથે મળીને કામ કરે છે એનું મેં દસ્તાવેજીકરણ કર્યું.
એક મહિલા તસવીરકાર તરીકે એ એક પડકાર છે અને સમુદાયમાંથી હોવા છતાં અમને 'તમે તેમની તસવીર શા માટે લો છો? મહિલાઓએ શા માટે તસવીરો લેવી જોઈએ?' જેવા સવાલો કરવામાં આવે છે.
હવે પોતાને તસવીરકાર તરીકે ઓળખાવતી આ માછીમાર મહિલાની પાછળનું મુખ્ય બળ છે પલની અન્ના.