મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સ્થિત સિંગલ-સ્ક્રીન સિનેમાઘર, આલ્ફ્રેડ ટોકીઝના પ્રવેશખંડમાં બેઠેલા 36 વર્ષના શ્યામ સિંહ કહે છે, "ફિલ્મ મેં હોના ચાહિયે લવસ્ટોરી, કુછ ઈમોશનલ સા." તેઓ હસીને ઉમેરે છે, "ફાઇટિંગ અને એક્શન દ્રશ્યો ઠીક છે, પણ મને પ્રેમ કથા ગમે છે."
ડિસેમ્બરની બપોર છે, બહાર તડકો છે અને શ્યામ બપોરના 3 વાગ્યાનો ખેલ શરુ થાય એની રાહ જોઈ રહ્યા છે. બ્લોકબસ્ટર ફિલ્મ, રામ તેરી ગંગા મૈલીનું હાથેથી ચીતરેલું બેનર આ ઈમારતના દરવાજે લટકે છે. લગભગ ચાર દાયકા પહેલા 1985 માં રિલીઝ થયેલી આ બોલિવૂડ હિટ ફિલ્મ હજી પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકોને આકર્ષે છે.
આલ્ફ્રેડ ટોકીઝના દરવાજે હિન્દી અને ઉર્દૂમાં એક સંકેત છે "રોઝાના 3 ખેલ", જેમાં રોજના ત્રણ શોના સ્ક્રીનિંગના સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે - પહેલો શો બપોરે (12 વાગ્યે), બીજો શો બપોરે 3 વાગ્યે અને છેલ્લો સાંજે 6 વાગ્યે.
ત્રણ વર્ષ પહેલાં સારા વેતનની શોધમાં નેપાળથી મુંબઈ સ્થળાંતરિત થયેલા શ્યામ કહે છે, “હમેં મૂવી દેખને કા શૌક હૈ [મને સિનેમા જોવાનો શોખ છે].”
તેઓ કહે છે, "અહીં આલ્ફ્રેડ ટોકીઝની ટિકિટ સસ્તી છે. તેથી અમને જ્યારે મન થાય ત્યારે આવી શકીએ છીએ." એક ટિકિટ 35 રુપિયામાં વેચાય છે. "મોંઘા થિયેટરોમાં જઈને ફિલ્મો જોઈ શકું એટલી મારી કમાણી નથી."
શ્યામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સાથે કરાર પર કામ કરતા શ્રમિક છે અને તેઓ કેટરિંગમાં (ખાણીપીણીની વ્યવસ્થાને લગતું) - કાર્યક્રમો માટે (ખાણીપીણીની) સામગ્રી તૈયાર કરવાનું, પીરસવાનું અને સફાઈ કરવાનું - કામ કરે છે. તેઓ ગ્રાન્ટ રોડ વિસ્તારની નજીક રહે છે અને મહિને લગભગ 9000 રુપિયા કમાય છે. તેમનો પરિવાર આજે પણ નેપાળના બુટવાલ શહેરમાં રહે છે.


















