મિનોતિ માર્ડી મનોહર પ્રદેશમાં રહે છે - અજોય નદી તેના ઘર પાસે થઈને વહે છે અને દૂર સીટી વગાડતી ટ્રેનથી ફક્ત કમળના તળાવો જ તેને અલગ કરે છે.
પરંતુ કરોડરજ્જુ અને પગના ક્ષય રોગ સાથે જન્મેલી પાંચ વર્ષની આ છોકરી આ બધું ફક્ત દૂરથી જ જોઈ શકતી હતી - પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના તેના ગામ મોહુલામાં તે ન તો ચાલી શકતી કે ન તો હરીફરી શકતી.
તેના દાદી જોબા માર્ડી યાદ કરે છે, “તેની કરોડરજ્જુ ખૂબ જ વિકૃત હતી. તેને એટલી બધી તકલીફ હતી કે અમને લાગતું જ નહોતું કે તે જીવી જશે.”
આ રાજ્યની કુલ આદિવાસી વસ્તીની લગભગ અડધી વસ્તી સંથાલ (જેને સંતાલ પણ કહેવાય છે) આદિવાસીઓની છે, અને લગભગ તે બધા જ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, અને સ્થાનિક ચિકિત્સકો પર આધાર રાખે છે. આ રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ - પીએચસી) જેવી આરોગ્યસંભાળ સુવિધાઓમાં જોઈએ તેના કરતાં ખૂબ ઓછા કર્મચારીઓ છે (રુરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021-22 (ગ્રામીણ આરોગ્ય આંકડા 2021-22).
જ્યારે બાળકી મિનોતિને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થવા લાગી ત્યારે તેનો પરિવાર તેને સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયો. તેઓને ચોક્કસ ખબર નથી કે તે પ્રમાણિત તબીબી વ્યવસાયી હતો કે નહીં. બીરભૂમ જિલ્લાના આ દૂરના વિસ્તારમાં તેમના માટે તે જાણવું અશક્ય હતું. જોબા કહે છે કે જરૂરી યોગ્યતા ધરાવનાર તબીબી વ્યાવસાયિક ક્યાં શોધવો તેનો તેમને કોઈ ખ્યાલ નહોતો.


