ગંગુબાઈ ચૌહાણે પીવાના પાણીમાં હિસ્સો મેળવવા માટે પણ કરગરવું પડે છે. “સરકાર! ચોકીદાર સાહેબ! મહેરબાની કરીને અમને પીવા માટે પાણી આપો. હું અહીંની રહેવાસી છું, સાહેબ.”
પરંતુ માત્ર કરગરવાથી કામ નથી ચાલતું. તેમણે તેમને ખાતરી આપવી પડશે કે, “હું તમારા વાસણોને સ્પર્શ નહીં કરું.”
ગંગુબાઈ (નામ બદલેલ છે) પાણી મેળવવા માટે ખાનગી નળ, ચાની દુકાનો અને મેરેજ હોલના પાણી પર નિર્ભર છે. તેઓ નાંદેડ શહેરના ગોકુલનગર વિસ્તારમાં ફૂટપાથ પર તેમના ‘ઘરની’ સામે આવેલી હોટલ જેવી ઇમારતોના ચોકીદારોને વિનંતી કરે છે. અને તેમને જ્યારે પણ પાણી જોઈએ ત્યારે તેમણે આ રીતે કરગરવું પડે છે.
પાણી મેળવવા માટે મથામણ કરવી એ રોજનું કામ છે, અને એમાંય ફાંસે પારધી આદિજાતિના સભ્ય તરીકે દરરોજ તેઓ જે કલંકનો સામનો કરે છે તેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બને છે. આ સમુદાયને એક સમયે ‘ગુનાહિત જનજાતિઓ’ તરીકે સૂચિત કરવામાં આવતો હતો. આ નામકરણ વસાહતી યુગનું છે, અને તેને 1952માં ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, 70 વર્ષ પછી પણ, ગંગુબાઈ જેવા લોકો મૂળભૂત અધિકારો માટે હજુ પણ લડી રહ્યા છે; તેમણે અન્ય લોકોને સમજાવવું પડે છે કે તેઓ ચોર નથી અને ત્યારે જ તેમને પાણીથી ભરેલો ડ્રમ મળી શકે છે.
ગંગુબાઈ કહે છે, “જ્યારે અમે એમ કહીએ કે, ‘તમે અહીં જે વસ્તુઓ રાખી છે તેને અમે ક્યારેય સ્પર્શ નથી કર્યો’ ત્યારે જ અમને પાણી મળે છે.” એક વાર મંજૂરી મળ્યા પછી, તેઓ નાના કન્ટેનર, પ્લાસ્ટિકના ડ્રમ અને પાણીની બોટલમાં શક્ય તેટલું પાણી ભરે છે. જો એક હોટલ ના પાડે, તો તેઓ બીજી હોટલમાં પ્રયાસ કરે છે. તેમની સાથે માલિકો જે અણઘડ વ્યવહાર કરે છે તેને એક વાર બાજુ પર રાખીએ તો પણ, તેમણે ઘણીવાર ચાર-પાંચ જગ્યાએ કરગરવું પડે છે, અને ત્યારે તેમને પીવા, રાંધવા અને ઘર ચલાવવા માટે પાણી મળે છે.
















