‘ચંદ્રવદની, ખોલો દ્વાર/તમારા મનમોહન હોળી રમવા કાજે ઊભા છે’
માર્ચ મહિનાની એક ઠંડી બપોરે, પંચચૂલી પર્વતમાળાની તળેટીમાં મહિલાઓનો કંઠ ગુંજી રહ્યો છે. સવારમાં વરસાદ પડ્યો હતો, અને આકાશ હજુ પણ વાદળોથી ઘેરાયેલું હતું. હું પિથૌરાગઢ જિલ્લાના મુનસ્યારી બ્લોકના સરમોલી ગામની પંચાયત કચેરીની નજીક પહોંચી, તેમ ઢોલકનો તાલ વધુ ને વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. જેવી મેં પહાડનો એક વળાંક પાર કર્યો, કે તરત જ હિમાલયની છાયામાં, ખુલ્લા આકાશ નીચે ડઝનેક મહિલાઓને ગોળાકાર ફરીને હોળીનાંગીતો ગાતાંજોઈ.
ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં, હોળી, જે આ વર્ષે 8 માર્ચથી શરૂ થઈ, તે માત્ર રંગોનો તહેવાર નથી – તે ગીતો અને સંગીતનો, તાલ અને સૂરનો ઉત્સવ છે. આ પ્રદેશમાં હોળીનાં વિવિધ સ્વરૂપો ઉજવવામાં આવે છે, અને તે બધાં જ સંગીતમય હોય છે. આ એવો સમય છે જ્યારે સ્ત્રીઓ અને પુરુષો બન્ને સુમધુર ‘હોલિયાર’ બની જાય છે – એટલે કે હોળીનાં ગીતો ગાનારાં.
કુમાઉંના નગરો અને ગામડાઓમાં ‘બેઠકી હોળી’ તરીકે ઓળખાતી મહેફિલો (બેઠકો) ખૂબ જ પ્રચલિત છે. મહિલાઓ પોતાનાં ઘરોમાં આવી બેઠકો યોજે છે. તેઓ હાર્મોનિયમ, તબલાંઅને ઢોલકની સંગાથે હિન્દી, વ્રજભાષા, અવધી અને કુમાઉંની ભાષામાં ગીતો ગાય છે.
સરમોલીનાં સુંદરી લછપાલ કહે છે, “આ એ સમય છે જ્યારે અમે હસીએ છીએ, મજા કરીએ છીએ, મોટેથી ગાઈએ છીએ અને નાચીએ છીએ. બાકીના સમયે તો અમે અમારી ખેતી, બાળકો અને પશુઓમાં જ વ્યસ્ત રહીએ છીએ. આ ગીતો દ્વારા, અમે એકબીજાની મજાક-મશ્કરી પણ કરીએ છીએ અથવા ગામની ચટપટી વાતો પણ કરીએ છીએ. જ્યાં સુધી તમે આ મહિલાઓને નાચતા ન જુઓ, ત્યાં સુધી તમે વિશ્વાસ જ ન કરી શકો કે આ એ જ મહિલાઓ છે જે પહાડોમાં નીચું જોઈને આટલી સખત મહેનત કરે છે.”
કહેવાય છે કે બેઠકી હોળીનો ઇતિહાસ 19મી સદીના મધ્યભાગનો છે, જ્યારે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પ્રખ્યાત સંગીતકાર ઉસ્તાદ અમાનુલ્લાહ ખાને અલ્મોડામાં તેની શરૂઆત કરાવી હતી. અલ્મોડાના એક હોલિયાર નવીન બિષ્ટ કહે છે, “એવું કહેવાય છે કે લગભગ 1850ની સાલમાં, ખાન સાહેબ અલ્મોડા આવ્યા અને અહીં શાસ્ત્રીય સંગીતની શરૂઆત કરી. પરંતુ જેમને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું કોઈ જ્ઞાન નથી તેવા લોકો પણ હોળીના ગીતો શીખી અને ગાઈ શકે છે, અને આ જ કારણ છે કે હોલિયારની પરંપરા આજે પણ જીવંત છે.”
હિન્દુ પંચાંગ મુજબ, કુમાઉંમાં હોળીની શરૂઆત ડિસેમ્બરમાં, પોષ મહિનાના પ્રથમ દિવસથી જ થઈ જાય છે. પરંતુ ઉજવણીનો અસલી રંગ તો માર્ચમાં, ધુળેટીના એક અઠવાડિયા પહેલાં જ જામે છે. આ સમયની આસપાસ, બેઠકી હોળી ‘ખડી હોળી’માં પરિવર્તિત થાય છે – જેમાં વસંતના આગમનની ખુશીમાં ઊભા રહીને અને નાચીને ઉજવણી કરવામાં આવે છે. કેટલાંક ગામોમાં, મહિલાઓ ગામના દરેક ઘરે જાય છે અને હોળીનાંગીતો પર નૃત્ય કરે છે.
અને પછી આવે છે મહિલા હોળી, જે હોળીના દિવસના એક અઠવાડિયા પહેલાંફક્ત મહિલાઓ દ્વારા ઘરો અને મંદિરોમાં ઉજવવામાં આવે છે. તેઓ ભેગાં મળીને દેવી-દેવતાઓ, રાધા-કૃષ્ણ, ગણેશ અને શિવનાંગુણગાન ગાય છેઅને નૃત્ય કરે છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં, મેં પિથૌરાગઢ જિલ્લાના મુનસ્યારી બ્લોકના ગામડાઓમાં ત્રણ મહિલા હોળીની ઉજવણીમાં ભાગ લીધો. આ ફોટોનિબંધ ઠંડા મુનસ્યારી (‘હિમનું સ્થાન’) – જે સમુદ્ર સપાટીથી 2,270 મીટરની ઊંચાઈએ આવેલું છે – માં થતી ઉજવણીનું દસ્તાવેજીકરણ કરે છે અને કુમાઉંની મહિલાઓ દ્વારા ગવાયેલાં હોળીનાં ગીતોને રજૂ કરે છે.












