એક વાંદરાએ ચંપા વટ્ટીનું બાળક લગભગ છીનવી લીધું હતું. તેઓ તેમના ગામ રાજપુર પાસેના જંગલમાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. (ટૂંક સમયમાં ભરાનાર) સાપ્તાહિક હાટ (બજાર) માં વેચવા માટે જંગલની જમીન પરથી મહુઆ અને સાલના બીજ એકઠાં કરતી વખતે આ યુવાન માતાએ પોતાના બાળકને પોતાની પીઠ પર બાંધીને રાખ્યું હતું.
તેઓ યાદ કરે છે, "કામ કરતી વખતે મેં તેને ઘડીભર માટે જમીન પર મુક્યું હતું અને મેં જોયું કે એક વાંદરો મારા બાળકને અચાનક ઉઠાવી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો." પરિણામે તેઓ જ્યારે પણ જંગલમાં હોય ત્યારે પોતાના બાળકની સલામતી વિશે સતત ચિંતિત રહેતા.
પરંતુ હવે તેમને પોતાના બાળકને જંગલમાં પોતાની સાથે લઈ જવાની જરૂર નથી. ગ્રામીણ છત્તીસગઢમાં ચંપા જેવી શિશુઓ અને નાના બાળકોની માતાઓ તેમના બાળકોને નજીકના ઘોડિયાઘર અથવા લઇકા ઘર (બાળ સંભાળ ઘર) માં મૂકીને કામ પર જઈ શકે છે અને દિવસ દરમિયાન આજીવિકા રળી શકે છે. અહીં સાત મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીના બાળકોની સંભાળ રાખવામાં આવે છે.


















