તેઓ તે ‘વરસાદી ટોપીઓ’ માત્ર 60 રૂપિયા પ્રતિ નંગના દરે વેચતા હતા. તેમણે કહ્યું કે તે ટોપીઓ તેમણે પોતે બનાવી નથી. તેઓ માત્ર એક નાના વેપારી હતા, જેમણે આ ટોપીઓ અને કદાચ બીજી વસ્તુઓ તેમના વાસ્તવિક ઉત્પાદકો – પહાડોમાં રહેતા આદિવાસીઓ પાસેથી ખરીદી હતી. અમારી મુલાકાત જૂન 2009માં, ઓડિશાના ગંજામ અને કંધમાલ જિલ્લાઓની સીમાઓથી પસાર થતી વખતે થઈ, જ્યારે થોડી વાર પહેલાં જ વરસાદ શરૂ થયો હતો. દરેક ટોપી ઉત્કૃષ્ટ કળાનો નમૂનો હતી, જેને વાંસ અને પાંદડાં સાથે નાજુક રીતે વણવામાં આવી હતી. જો તેઓ તેમને 60 રૂપિયામાં વેચવા માટે તેની સાયકલ પર લાંબુ અંતર કાપતા હતા, તો તેમણે કદાચ આદિવાસીઓ પાસેથી તેને ઘણી ઓછી કિંમતે ખરીદી હશે.
તમને પૂર્વ ભારતમાં અને કેટલાક પૂર્વ એશિયાના દેશોમાં પણ આ ટોપીઓના જુદા જુદા પ્રકારો જોવા મળશે જેને ગંજામમાં ‘પલારી’ (અને કાલાહાંડીમાં ‘છાતુર’) કહેવાય છે. અમે ઓડિશામાં લોકોને શરૂઆતના વરસાદમાં ખેતરોમાં કામ કરતી વખતે તેને પહેરેલાં જોયા, પરંતુ આ ટોપીઓ બીજી ઋતુઓમાં પણ પહેરાય છે. મોટે ભાગે, ખેતરોમાં ખેડૂતો, મજૂરો, ગોવાળો અને ભરવાડો આને કામ કરતી વખતે પહેરે છે. મારા મિત્ર અને સહ-પ્રવાસી પુરુષોત્તમ ઠાકુરે કહ્યું કે આ “ગરીબોની છત્રીઓ” છે. તેમનો આકાર જૂના સમયની છત્રીઓ જેવો હતો. તેનો હેતુ અને ઋતુ ભલે ગમે તે હોય, તે ખૂબ જ સુંદર રીતે બનાવેલી હતી.
અનુવાદક: કનીઝફાતેમા


