નામદેવ ભાંગરેએ 25 જાન્યુઆરીએ જ્યારે આ વિરોધ કૂચ શરૂ કરી ત્યારે તેમના મનમાં અનિશ્ચિતતા અને કડવાશ ભરેલી હતી. પણ ત્રણ દિવસ પછી, જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમના અને તેમની સાથે આવેલા હજારો અન્ય આદિવાસી ખેડૂતોના હૈયે એક નવી આશા હતી. આ ખેડૂતો મુખ્યત્વે નાશિક અને અહિલ્યાનગર (પૂર્વ અહમદનગર)થી આવ્યા હતા.
અહિલ્યાનગર જિલ્લાના ખડકી બુદ્રુક ગામના મહાદેવ કોળી આદિવાસી સમુદાયના નામદેવ ભાંગરેનો પરિવાર અકોલે તાલુકાની છ એકર વન જમીન પર પેઢીઓથી ખેતી કરતો આવ્યો છે. પરંતુ, મહારાષ્ટ્રના હજારો આદિવાસીઓની જેમ, જે જમીન પર તેઓ ખેતી કરતા હતા, તે જમીનની માલિકી તેમને ક્યારેય મળી નહોતી.
તેઓ કહે છે, “મારા દાદાના સમયથી અમે અહીં ડાંગર અને નાગલી (રાગી) ઉગાડીએ છીએ. પણ અમને ક્યારેય સલામતીનો અહેસાસ નથી થયો. ડર હંમેશાં રહે છે કે કોઈ પણ સમયે અમને અહીંથી કાઢી મૂકવામાં આવી શકે છે.”
2006માં, આ ગંભીર અસુરક્ષાને દૂર કરવા માટે ભારત સરકારે એક ઐતિહાસિક ‘વન અધિકાર અધિનિયમ’ (ફોરેસ્ટ રાઇટ્સ ઍક્ટ - FRA) પસાર કર્યો. આ અધિનિયમને કાયદામાં ફેરવાતાં વર્ષોનો સંઘર્ષ લાગ્યો છે. આ કાયદો અનુસૂચિત જનજાતિઓ અને પેઢીઓથી આવા વિસ્તારોમાં રહેતા અન્ય પરંપરાગત વનવાસીઓને જંગલની જમીન અને સંસાધનો પર અધિકાર આપે છે. ગ્રામસભાઓ દાવાઓની પ્રક્રિયા શરૂ કરે છે, જેની ચકાસણી પેટા-વિભાગીય અને જિલ્લા સમિતિઓ દ્વારા કરવામાં આવે છે. જ્યાં સુધી તેમના અધિકારોનું સમાધાન ન થાય ત્યાં સુધી વનવાસીઓને તેમની જમીન પરથી હટાવી શકાતા નથી.
જોકે, જમીની સ્તરે આ કાયદાના અમલીકરણ પર હંમેશાં શંકા રહી છે.






