30 નવેમ્બર, 2018ના રોજ, હું દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર હતો. હું કિસાન મુક્તિ મોરચામાં ભાગ લેવા માટે રાજધાનીમાં આવેલા ખેડૂતો સાથે વાત કરવા ગયો હતો. ત્યાં મેં દૂરથી પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના એક ટોળાને રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળતા જોયું. તેઓના માથા પર શણના કોથળા અને ખભા પર નાની-નાની થેલીઓ હતી.
મને લાગ્યું કે તેઓ પણ ખેડૂતો જ હતા જેઓ રેલીમાં ભાગ લેવા આવ્યા હતા. પણ પછી મને સમજાયું કે તેઓ તો છત્તીસગઢના મજૂરો હતા જેઓ અહીં કામની શોધમાં આવ્યા હતા. રાયગઢ જિલ્લાના ખરસિયા તાલુકાના છોટે મુડપાર ગામના 27 વર્ષના ઇતવારા જોલ્હેએ કહ્યું, “અમે હરિયાણામાં જિંદલ પાવર ભટ્ટા [પ્લાન્ટ] પર કામ કરવા જઈ રહ્યા છીએ.” તેમના પતિ શંકરે ઉમેર્યું કે તે જગ્યા દિલ્હીની સરહદ પાસે ક્યાંક છે, પણ તેઓ ચોક્કસ કહી શક્યા નહીં.
ઇતવારા, શંકર અને તેમની સાથેના બીજા બે પરિવારો કાં તો પાવર પ્લાન્ટમાં અથવા નજીકની ઇંટની ભઠ્ઠીઓમાં કામ શોધે છે. આ દંપતીએ કહ્યું કે તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરવા માટે દિલ્હી-હરિયાણા સ્થળાંતર કરી રહ્યા હતા. આ વખતે, તેઓ 20 નવેમ્બરે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યા પછી અહીં આવ્યા હતા.







