ભારતજોય રિયાંગ કહે છે, “તેમને અમારા ઘર તોડવા માટે હાથીઓ લાવવા પડ્યા હતા."
“તેમ છતાં પણ [હાથીઓ] તેને કચડી શક્યા નહોતા. આખરે તેઓ અમારા ટોંગ બાળી નાખતા.” 75 વર્ષના આ રિયાંગ આદિવાસી તે સમયને યાદ કરે છે જ્યારે વન અધિકારીઓએતેમને તેમની પત્ની અને બાળકો સાથે આસામના શ્રીભૂમિ જિલ્લાના (અગાઉ કરીમગંજ) તેમના ઘરમાંથી બળજબરીથી હાંકી કાઢ્યા હતા અને વિસ્થાપિત કર્યા હતા. 1980 ના દાયકાની શરૂઆતમાં આમ બન્યું હતું. તેઓ જે ઘરોનો ઉલ્લેખ કરી રહ્યા છે તેને સ્થાનિક લોકો ટોંગ ઘર અથવા ગાઈરિંગ નોક તરીકે ઓળખે છે - તે ત્રિપુરાના ઘણા આદિવાસી સમુદાયોમાં જોવા મળતા એક પારંપરિક રહેઠાણ છે, જેમાં ભારતજોયનું પોતાનું ઘર પણ સામેલ છે.
ઉત્તર ત્રિપુરા જિલ્લાના આ પાડા (વસાહત) માં પોતાના ઘર તરફ ઈશારો કરીને તેઓ કહે છે, "અમે પહાડી લોકો ક્યારેય માટી કે ઈંટના મકાનોમાં રહેતા નહોતા. અમે હંમેશા ટોંગમાં રહેવાનું પસંદ કરતા હતા." તેમનું ઘર એ વાંસડા પર બાંધેલું વાંસનું એક માળખું છે, જે જમીનથી એક ફૂટ ઊંચે છે. પરંપરાગત રીતે તેમના ઘર પરાળ છાયેલા છાપરાવાળા હતા પરંતુ ભરતજોયના ટોંગનું છાપરું પતરાનું બનેલું છે. તે બાગબાશાથી આવતા અને ઝૈથાંગ ગામના શાંત ટોંગચેરા પાડા તરફ જતા, પથ્થરથી બનાવેલા, લાંબા અને અસુરક્ષિત રસ્તાની બાજુમાં આવેલું છે જ્યાં અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ.
ભારતજોયનું ઘર એ આ વસાહતમાં દાખલ થતાં તમે જે ઘરો સુધી સૌથી પહેલા પહોંચો તેમાંનું એક છે, તે હરિયાળી અને શાંત જળસ્ત્રોતોથી ઢંકાયેલા ઊંચા પર્વતોની ગોદમાં આવેલું છે. ત્રિપુરા રાજ્યના ધર્મનગર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર રિયાંગ [જેને રાયંગ પણ કહેવાય છે] જાતિના 150 પરિવારોની આ અલાયદી વસાહત છે, આ જાતિ આ રાજ્યમાં એકમાત્ર પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી - વિશેષત: અસુરક્ષિત આદિવાસી જૂથ) તરીકે સૂચિબદ્ધ છે.


















