“તારું દિલ દઈને ભણજે. તું તારા સમુદાયનાં બીજાં બાળકો માટે એક પ્રેરણા બની શકે છે.”
હું લગભગ 9મા ધોરણમાં હોઈશ જ્યારે જીતેન્દ્ર શર્મા સરે આખા વર્ગની સામે મને આ શબ્દો કહ્યા હતા. હું એટલો ભાવવિભોર થઈ ગયો હતો કે ત્યારે મારા મોંમાંથી એક શબ્દ પણ નહોતો નીકળી શક્યો. એ પહેલી વાર હતું જ્યારે કોઈએ મારા જેવા એક મુસહર છોકરામાં આવો ગાઢ વિશ્વાસ બતાવ્યો હોય. ઘરે પરત ફરતી વખતે પણ તેમના શબ્દો મારા મનમાં સતત ગુંજતા રહ્યા. “તું એક પ્રેરણા બની શકે છે...” મેં ક્યારેય મારા વિશે આ રીતે વિચાર્યું જ નહોતું.
એ દિવસે મને પહેલી વાર સમજાયું કે મારું ભણતર કદાચ ફક્ત મારા પૂરતું સીમિત નથી. એ મારી આસપાસના બીજા લોકોને પણ ભણવા માટેની હિંમત આપી શકે છે. મેં વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું. જ્યારે પણ સંજોગો મારી વિરુદ્ધ થતા, ત્યારે હું મારો સંકલ્પ અડગ રાખવા માટે શર્મા સરના શબ્દોને પકડી રાખતો. એક શિક્ષકની વાતમાં કેટલી તાકાત હોય છે! એનાથી કેટલો મોટો ફરક પડી શકે છે! મને હવે સમજાય છે કે શર્મા સરને ફક્ત ગણિત ભણાવતાં જ નહોતું આવડતું, તેઓ પોતાના વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી ક્ષમતાને પણ પારખી શકતા હતા.
શિક્ષક તમને ફક્ત પુસ્તકો વાંચતાં નથી શીખવતા, એક સારો શિક્ષક તમને તમારાં સપનાં વાંચતા શીખવે છે.
મારું નામ આશિષ નંદ છે, મારી ઉંમર 25 વર્ષ છે, અને હું ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના મજવા ગામનો રહેવાસી છું. અમે મુસહર છીએ. લોકો અમારા સમુદાય વિશે ઘણી વાતો સાંભળે છે, પણ ભાગ્યે જ કોઈ અમને સાચા અર્થમાં સમજે છે. ‘મુસહર’ શબ્દ કાને પડતાં જ લોકોના મનમાં ગરીબી, કાળી મજૂરી અને વંચિતતાનાં ચિત્રો ઉપસી આવે છે. મને ખાતરી છે કે આમાં કંઈક અંશે સત્ય પણ છે. પેઢીઓથી અમે સમાજના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં અમને અનુસૂચિત જાતિ (એસ.સી.)ની યાદીમાં મૂકવામાં આવ્યા છે. અમારા પૂર્વજો પાસે પણ ન તો કોઈ જમીન હતી, કે ન કોઈ કાયમી રોજગાર કે આવકનું સાધન. અમે દલિત છીએ. શિક્ષણ અમારો વિશેષાધિકાર રહ્યો નથી. ગામના કેટલાક ગરીબ બ્રાહ્મણોથી વિપરીત, તે ક્યારેય અમારા જીવનનો હિસ્સો રહ્યું નથી.










