અલાગિરી સામી બોખા મોઢે સ્મિત કરે છે, સાળના લયબદ્ધ ખખડાટ વચ્ચે બોલવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે, “લોકો કહે છે કે અમે 500 વર્ષ પહેલાં અહીં આવ્યા હતા અને નદીના કાંઠે અમારી કળાને સ્થાપિત કરી હતી. મને તો લાગે છે કે અમે અહીં ફક્ત માછલીઓ ખાવા માટે આવ્યા હતા.”
કુથમપલ્લી ગામના જે શેડમાં 85 વર્ષીય સામી કામ કરી રહ્યા છે, ત્યાં 12 સાળ ત્રણની હરોળમાં ગોઠવાયેલી છે. શેડની બાજુમાં મલપ્પુરમ અને કોઈમ્બતુરની સ્પિનિંગ મિલોમાંથી આવેલાં સુતરાઉ દોરાનાં બંડલો પડ્યાં છે, સૂકવવા માટે લટકાવેલા તાર અને કડક રાખવા માટે પ્રવાહી સ્ટાર્ચ (કાંજી)ના વાટકામાં ડુબાડેલા સોનેરી કસબ (ઝરી)ના રોલ જોવા મળે છે. સોનેરી કિનારી વાળી તૈયાર ઓફ-વ્હાઇટ વેષ્ટિઓ અને હાથી, મોર જેવી જટિલ ભાત ધરાવતી સાડીઓના થપ્પા ગ્રાહકો સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.
સામીનો પરિવાર શેડ અને તેની બાજુમાં આવેલી હેન્ડલૂમની દુકાનનો માલિક છે. તેઓ વણકરોના દેવાંગ ચેટ્ટિયાર સમુદાયના છે (જે દૈવંગ બ્રાહ્મણ, OBC તરીકે સૂચિબદ્ધ છે), અને 1962માં ભાગીરથી અમ્મા સાથે લગ્ન કર્યા ત્યારે તમિલનાડુથી કુથમપલ્લી આવ્યા હતા. કેટલાક અહેવાલો કહે છે કે આ સમુદાયના સભ્યો 500 વર્ષ પહેલાં કોચીના રાજાની વિનંતીથી શાહી પરિવાર માટે વસ્ત્રો વણવા કર્ણાટકથી કેરળ આવ્યા હતા. તેઓ ઉત્તરે ભારતપુઝા નદી અને પશ્ચિમે ગાયત્રીપુઝા નદી (જે પોન્નાની તરીકે પણ ઓળખાય છે) વચ્ચેની જમીન પર સ્થાયી થયા.












