બપોરના સમયે, બાગલકોટ-બેલગામ રોડ પર એસ. બંદેપ્પા પોતાનાં ઘેટાંના ટોળા સાથે ચાલી રહ્યા હતા ત્યારે મારી મુલાકાત તેમની સાથે થઈ. તેઓ પોતાનાં પશુઓ સાથે થોડો સમય વિતાવવા માટે કોઈ ખેતરની શોધમાં હતા. તેમણે કહ્યું, “અમારું કામ એવા જમીનદારોને શોધવાનું છે જેઓ મારાં પશુઓ દ્વારા જમીન માટે ઉત્પન્ન થતા ખાતરના સારા પૈસા આપે.” એ શિયાળાનો સમય હતો, જ્યારે ખેતીકામ ઓછું હોય છે અને કુરુબા ભરવાડો ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી પોતાની લાંબી મુસાફરી શરૂ કરે છે.
ત્યારથી લઈને લગભગ માર્ચ-એપ્રિલ સુધી, કર્ણાટકના આ કુરુબા ભરવાડ સમુદાયના લોકો (જેમનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થાય છે) બે-ત્રણ પરિવારોના સમૂહમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે છે. તેઓ મોટે ભાગે એક જ માર્ગ પર મુસાફરી કરે છે અને તેમના અંદાજ મુજબ, આશરે 600થી 800 કિલોમીટરનું અંતર કાપે છે. તેમના ઘેટાં-બકરાં પડતર ખેતરોમાં ચરે છે, અને બદલામાં ભરવાડોને પશુઓના ખાતર માટે ખેડૂતો પાસેથી થોડીઘણી રકમ મળે છે. બંદેપ્પા કહે છે કે કોઈ ‘સારા જમીનદાર’ પાસેથી અમુક દિવસો રોકાવા માટે તેમને વધુમાં વધુ ₹1,000 મળે છે. પછી તેઓ આગલા પડાવ માટે નીકળી પડે છે, અને ત્યાંથી નજીકના ખેતરોમાં સારો સોદો કરવાની કોશિશ કરે છે. ભૂતકાળમાં, તેમને અનાજ, ગોળ અને કપડાં જેવી વસ્તુઓ પણ મળતી હતી, પરંતુ હવે ખેડૂતો સાથે આ બાબતે સોદાબાજી કરવી મુશ્કેલ બની રહી છે.
નીલપ્પા ચાચડી કહે છે, “હવે જમીનદારોની જમીન પર અમારાં પશુઓ અને બાળકો સાથે રહેવું સહેલું નથી.” હું તેમને બેલગામ (હવે બેલગાવી) જિલ્લાના બૈલહોંગલ તાલુકામાં બૈલહોંગલ-મુનવલ્લી રોડ પાસેના એક ખેતરમાં મળ્યો, જ્યાં તેઓ પોતાના ટોળાને કાબૂમાં રાખવા માટે દોરડા વડે વાડ બાંધી રહ્યા હતા.
પરંતુ કુરુબા ભરવાડો માત્ર આ એક જ પરિવર્તનનો સામનો નથી કરી રહ્યા. છેલ્લા બે દાયકાથી, તેમનાં ઘેટાંના ઊનની માંગ સતત ઘટી રહી છે. આ ઘેટાં દક્ષિણ-મધ્ય ભારતના દખ્ખણના ઉબડખાબડ પ્રદેશમાં ઉછરે છે. આ ખડતલ દખ્ખણી ઘેટાં આ પ્રદેશની અર્ધ-સૂકી આબોહવાને સહન કરી શકે છે. લાંબા સમય સુધી, કુરુબા ભરવાડોની આવકનો મોટો હિસ્સો સ્થાનિક રીતે કાંબલી (અને મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશમાં ગોંગડી કે ગોંગાલી) તરીકે ઓળખાતા ખરબચડા કાળા ઊનના ધાબળા માટે ઊન પૂરું પાડવામાંથી આવતો હતો. આ આવક, ખેડૂતો માટે તેમના પશુઓ દ્વારા ઉત્પાદિત ખાતરમાંથી મળતી આવકમાં ઉમેરો કરતી હતી. સ્થાનિક રીતે સરળતાથી ઉપલબ્ધ રેસા હોવાથી, આ ઊન પ્રમાણમાં સસ્તું અને માંગમાં હતું.
ખરીદનારાઓમાં બેલગાવી જિલ્લાના રામદુર્ગ તાલુકાના દાદીભાવી સાલાપુર ગામના વણકરોનો પણ સમાવેશ થતો હતો. આમાંના ઘણા વણકરો પણ કુરુબા જ છે, જે આ સમુદાયનો એક પેટા-જૂથ છે. (કુરુબા સમુદાયના પોતાના કાયમી ઘર અને ગામડાં પણ હોય છે, અને તેમના જુદા જુદા પેટા-જૂથો ભરવાડ, વણકર, ખેડૂત વગેરે જેવા કામો કરે છે). તેમના દ્વારા વણાયેલા ધાબળા એક સમયે દેશના સશસ્ત્ર દળોમાં ખૂબ જ લોકપ્રિય હતા, પરંતુ હવે તેની વધુ માંગ રહી નથી. દડીભાવી સાલાપુરમાં ખાડામાં ગોઠવેલી શાળ (પિટ લૂમ) ધરાવતા વણકર પી. ઈશ્વરપ્પા સમજાવે છે, “તેઓ હવે સ્લીપિંગ બેગનો ઉપયોગ કરે છે.”
દડીભાવી સાલાપુરથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલા હાવેરી જિલ્લાના રાનેબેન્નુર શહેરના એક દુકાનદાર દિનેશ સેઠ કહે છે, “દખ્ખણી ઊનની ઘટતી માંગનું કારણ બજારમાં ઉપલબ્ધ સસ્તા વિકલ્પો પણ છે, જેમાં મિશ્રિત સિન્થેટિક કાપડ અને અન્ય પ્રકારના ઊની વસ્ત્રોનો સમાવેશ થાય છે, જેણે બજારમાં ભરાવો કરી દીધો છે.”






















