ટક! ટક! ટક!
કોડાવટ્ટીપુડીમાં તાડપત્રીથી ઢંકાયેલી ઝૂંપડીમાંથી લયબદ્ધ અવાજો આવી રહ્યા છે. મુલમ્પાક ભદ્રરાજુ એક નાના પેડલ જેવી લાકડાની હથોડીનો ઉપયોગ કરીને ઘડાને ઠોકી રહ્યા છે, જેનાથી ઘડો સંપૂર્ણ ગોળાકાર બને છે.
70 વર્ષીય ભદ્રરાજુ સમજાવે છે, “જાડી ચક્કા સુત્તી ઘડાના તળિયાને બંધ કરવા માટે છે. આ નિયમિત તળિયાને વધુ સરળ બનાવવા માટે છે. સૌથી પાતળી ચક્કા સુત્તી આખા ઘડાને સુંવાળો બનાવવા માટે હોય છે.” તેઓ જરૂરતના આધારે અલગ અલગ હથોડીએ બદલતા રહે છે.
તેઓ કહે છે કે પાતળા, નિયમિત કદની હથોડીને તાડના વૃક્ષ (બોરાસસ ફ્લાબેલિફર) ની ડાળીઓમાંથી અને સૌથી જાડા હથોડાને અર્જુન વૃક્ષ (ટર્મિનલિયા અર્જુન) માંથી બનાવવામાં આવે છે. તેઓ સૌથી પાતળી ચક્કા સુત્તી તરફ આગળ વધે છે અને તાલ નોંધપાત્ર રીતે શાંત થઈ જાય છે.
તેમને 20 ઇંચ વ્યાસના મોટા ઘડાને આકાર આપવામાં લગભગ 15 મિનિટ લાગે છે. જો તેમનાથી એક બાજુ તૂટી કે ભાંગી જાય, તો તેઓ ઝડપથી માટી ઉમેરીને તેને ઠીક કરે છે અને ધીમેથી ટપલી કરવાની પ્રક્રિયાને પુનરાવર્તિત કરે છે.









