સ્ત્રીઓ અને પુરુષો માટેનાં ટેટૂ હંમેશાં અલગ રહ્યાં છે. સ્ત્રીઓ તેમના જીવનના વિવિધ તબક્કે − જેમ કે યુવાનીમાં પ્રવેશતી વખતે કે લગ્ન સમયે − ટેટૂ બનાવતી. તેમનાં કેટલાંક ટેટૂ પરિવારના પુરુષ સભ્યોની સિદ્ધિઓની યાદગીરી પણ હતાં.
અમો કોન્યક કહે છે, “કોન્યક સ્ત્રીનું જીવન અનેક પરિવર્તનોમાંથી પસાર થાય છે. પિતાના કુળમાં જન્મીને, તે લગ્ન કરીને બીજા કુળમાં જાય છે. છતાં, લગ્ન પહેલાં તેને મળેલું ટેટૂ એકમાત્ર એવી વસ્તુ છે જે જીવનભર અને મૃત્યુ પછી પણ તેની સાથે રહે છે. આ એક એવું નિશાન છે જે બદલાતું નથી, જે તેને કહે છે કે તે કોણ છે અને ક્યાંથી આવી છે.”
મોન નિવાસી 32 વર્ષીય સંશોધક અમો પ્રેમપૂર્વક ઉમેરે છે કે તેમણે તેમનાં દાદા-દાદી પર ટેટૂ જોયાં હતાં. “બાળપણમાં, હું ઘણી વાર ટેટૂ વિષેની વાતો સાંભળતી − તે કેવી રીતે થતું, તેમાં કેટલું દર્દ થતું અને તે પછી લોકો કેટલું ગૌરવ અનુભવતા વગેરે. આ વાતો લોકકથાઓની જેમ પેઢી દર પેઢી ઉતરી આવતી, અને હંમેશાં આદર અને અચરજ સાથે કહેવામાં આવતી. મારા માટે, આ છૂંદણાં સ્મૃતિઓના નકશા જેવાં હતાં, જે માત્ર તેમની ચામડી પર જ નહીં પણ તેમના અસ્તિત્વમાં પણ કોતરાયેલાં હતાં.”
કોન્યક લોકો પરંપરાગત રીતે ‘હેડહન્ટર્સ’ (માથાનો શિકાર કરનારા) હતા. સફળ યુદ્ધ પછી વિજયની નિશાની તરીકે પુરુષોની ચામડી પર ટેટૂ કોતરવામાં આવતાં. અમો કહે છે કે, આ જ કારણસર કોન્યક ટેટૂ વિસેનાં સંશોધનો અને વાર્તાઓમાં સ્ત્રીઓ ઘણી વાર બાકાત રહી ગઈ છે. અમો તેમનાં દાદી દ્વારા કહેવામાં આવેલી ટેટૂની વાતો યાદ કરે છે, “તેઓ મને ઘણી વાર કહેતાં કે આ પ્રક્રિયા કેટલી પીડાદાયક હતી, ચામડીમાંથી કેવી રીતે લોહી નીકળતું અને સોજો આવી જતો, છતાં ત્યાર પછી તેઓ કેટલું ગૌરવ અને સુંદરતા અનુભવતાં.”
આ જ ગામમાં થોડે દૂર ન્ગોન્ફે રહે છે, જેઓ હવે સિત્તેર વર્ષનાં છે. તેમણે પણ તેમનાં મોટાં બહેન અને પિતરાઈ બહેનો પાસેથી ટેટૂની કળા શીખી હતી, જેઓ તેમનાં માતા પાસેથી શીખ્યાં હતાં. જોકે, તેમને ક્યારેય આ કળા અજમાવવાની તક મળી નહીં કારણ કે તે માત્ર ‘રાણી’ − એટલે કે પ્રથમ પત્નીનો જ લહાવો ગણાતો. ન્ગોન્ફે રાણીને ટેટૂ બનાવવામાં મદદ કરતાં − જેમ કે કાંટા ભેગા કરવા, કલાકાર માટે રસોઈ કરવી અને જે વ્યક્તિ ટેટૂ બનાવડાવી રહી હોય તેને પકડી રાખવી, જેથી તે પીડામાં બહુ હલે નહીં. વાત કરતી વખતે ન્ગોન્ફે ચહેરા પર દર્દનો ભાવ લાવે છે અને પછી આ જૂની યાદ પર ખડખડાટ હસી પડે છે.
જ્યારે ‘પારી’એ તેમની મુલાકાત લીધી ત્યારે તેઓ અંગના આંગણામાં આવેલી અનેક ઝૂંપડીઓમાંની એક વાંસની ઝૂંપડીમાં બેઠાં હતાં. તેઓ ધીમા અવાજે બોલે છે અને તેમનો અવાજ ક્યારેક ઉત્સવના મેદાનમાંથી આવતા મોટા અવાજોમાં દબાઈ જાય છે. જ્યારે અમે તેમનો ફોટો લેવાનું કહ્યું, ત્યારે તેઓ રાજીખુશીથી ઊભાં થયાં અને વધુ સારો પરંપરાગત પોશાક અને ઘરેણાં પહેરવા ગયાં.