એક હુંફાળી સોમવારની સવારે 7 વાગ્યે, વંદના કોળી અને ગાયત્રી પાટીલ મુંબઈના સસ્સૂન ડૉક પર જેટી પર ચિંતાતુર થઈને માછલી લઈ આવતી બોટ આવી છે કે કેમ તેની રાહ જોઈ રહ્યાં છે.
તે સવારે તેઓ માછલી લેવા માટે કોલાબાના કોળીવાડા વિસ્તારમાં આવેલા તેમના ઘરથી લગભગ બે કિલોમીટર ચાલીને ડૉક પર આવ્યાં છે. અઠવાડિયામાં પાંચ દિવસ તેમનો આ નિત્યક્રમ રહે છે – તાજી માછલી ખરીદવી અને નજીકના બજારમાં વેચવી. (તેઓ કહે છે કે મંગળવાર અને ગુરુવારે ઘણા લોકો માછલી ખાતા નથી, તેથી વેચાણ ઓછું હોય છે).
53 વર્ષીય વંદના કહે છે, “રવિવારે અમારો ધંધો સૌથી વધુ થાય છે, પણ ગઈકાલે મને નફો નસીબ નહોતો થયો. મારે તે નુકસાનની ભરપાઈ કરવી પડશે નહીંતર આ અઠવાડિયે અમારે રેશન મેળવવું અઘરું થઈ પડશે.” તેઓ અને 51 વર્ષીય ગાયત્રી બંને કોળી સમુદાયનાં છે (જે મહારાષ્ટ્રમાં પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ) અને 28 વર્ષથી ગાઢ સહેલીઓ છે.
જેટી પર, બોટ આવવા લાગે છે અને ત્યાં રાહ જોઈ રહેલી લગભગ 40-50 મહિલાઓ માછલીના હરાજી કરનારાઓ – વચેટિયાઓ જેઓ બોટ માલિકો અથવા માછીમારો માટે માછલી વેચે છે – ની આસપાસ ભેગી થવા લાગે છે. વંદના કહે છે, “ચલ, આતા દે 200 મધે [ચાલ હવે, 200માં આપી દે].” તેઓ ઝીંગાના નાના હિસ્સા માટે 240 રૂપિયામાં સોદો કરે છે. સવારે લગભગ 9 વાગ્યા સુધીમાં, વધુ ભાવતાલ કર્યા પછી, તેઓ અને ગાયત્રી ઝીંગા, નાના ઝીંગા અને બોમ્બિલ ખરીદે છે. દરરોજ જે ભાવ હોય તેના આધારે, તેઓ સામાન્ય રીતે દરેક વખતે કુલ 7 થી 10 કિલો માછલી ખરીદે છે.
વંદના ગાયત્રીને ઇશારો કરે છે: “ઘેતલા, નિઘુયા (લઈ લીધું, ચાલો નીકળીએ).”










