નાગાલેન્ડના ખોનોમા ગામના 39 વર્ષીય વણકર, પેલેસાલી ક્યોત્સો કહે છે, “દરેક અંગામી પુરુષને ખોફી વણતાં આવડવું જ જોઈએ.” ઝુસા (વાંસ) અને થુન્યેઈ (નેતર)માંથી બનતી ખોફી એ અંગામી સમુદાયની પરંપરાગત ટોપલીઓ છે, જેનો ઉપયોગ બળતણનાં લાકડાં, ચોખાના દાણા, લણેલો પાક અને પૂજાપાની સામગ્રી જેવી ચીજો ભરવા માટે થાય છે. તેઓ ઉમેરે છે, “અમારી પરંપરાઓમાં તેનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આ એક એવી ચીજ છે જેનું અમારે સદાય જતન કરવું જોઈએ.”
એક સમયે સમુદાયના જીવન અને આજીવિકાનો અભિન્ન અંગ ગણાતી ખોફી વણાટની આ કળા, આજે ખોનોમાના 15થી પણ ઓછાં ઘરોમાં માંડ-માંડ ટકી રહી છે. તેને જીવંત રાખનારાઓ મોટાભાગે વૃદ્ધ પુરુષો જ છે; પેલેસાલી તેમાંના એક અપવાદ છે.
પચાસેક વર્ષના કેપે થોટો જ્યારે વાંસની પાતળી પટ્ટીઓને કાપી રહ્યા હોય છે, ત્યારે તેમના સધાયેલા હાથ એકદમ ચોકસાઈથી ચાલે છે. તેઓ આછા અજવાળાવાળા તેરહુમાં બેઠા છે. આ તેરહુ એટલે વાંસના થાંભલા, લાકડા અને નેતરથી બનેલું અને સૂકાં પાંદડાંઓથી ગૂંથેલું એક અડધું છાપરા જેવું માળખું. તેરહુનો આ છાંયડો બપોરના બળબળતા તાપને ઓછો કરી દે છે.
વાંસની પટ્ટીઓ પર કામ કરતાં કેપે વાત કરે છે, “મારો ઉછેર એક વણકર પરિવારમાં થયો છે. મને અને મારા પિતરાઈ ભાઈઓને, બધાને જ ખોફી ટોપલી વણવાની કળા શીખવવામાં આવી હતી.”
અંગામી એ નાગાલેન્ડની 17 માન્યતા પ્રાપ્ત જનજાતિઓમાંથી એક છે. 1800ના દાયકામાં, ખોનોમા એ બ્રિટીશ શાસન સામે નાગા પ્રતિકારનું એક ઐતિહાસિક કેન્દ્ર હતું. આ અંગામી ગામ રાજ્યની રાજધાની કોહિમાથી લગભગ 20 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે અને તે પોતાની સામુદાયિક પર્યાવરણ સંરક્ષણ પ્રથાઓ માટે જાણીતું છે, જેમાં નજીકનાં જંગલોમાં શિકાર અને વૃક્ષછેદન પર પ્રતિબંધ તેમજ સજીવ ખેતીની પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
20 ચોરસ કિલોમીટરના પહાડી વિસ્તારમાં ફેલાયેલા આ ગામની ઓળખ તેના પથ્થર જડેલા રસ્તાઓ, પગથિયાં જેવાં ડાંગરનાં ખેતરો અને પરંપરાગત ઘરોની બહાર સુઘડતાથી ગોઠવાયેલાં બળતણનાં લાકડાંના ઢગલાઓથી થાય છે.
400થી સહેજ વધુ અંગામી પરિવારોનું આ ગામ — જેની વસ્તી 1,943 (વસ્તી ગણતરી 2011 મુજબ) છે — મુખ્યત્વે પથ્થરનાં પગથિયાંવાળાં ખેતરોમાં ચોખાની ખેતી, સ્થળાંતરિત ખેતી અને જંગલની પેદાશો પર નભે છે. આસપાસનાં જંગલોનું રક્ષણ અહીંનો સમુદાય પોતે જ કરે છે, ખાસ કરીને ખોનોમા નેચર કન્ઝર્વેશન અને ટ્રેગોપન અભયારણ્ય દ્વારા.


















