મે મહિનાના અંતમાં જ્યારે નિખિરપ્પા ગડિયપ્પા રાતોરાત મુસાફરી કરીને હાવેરી તાલુકાથી રામનગરના રેશમ કોશેટા બજારમાં પહોંચ્યા, ત્યારે તેમને આશા હતી કે તેમના કોશેટાના સારા ભાવ મળશે. પરંતુ ટેમ્પો દ્વારા 11 કલાકની 370 કિલોમીટરની નોન-સ્ટોપ મુસાફરી દરમિયાન તેઓ ડરેલા પણ હતા. બીજી બાજુ લોકડાઉનને કારણે રસ્તામાં ખાણીપીણીની દુકાનો પણ બંધ હતી. વળી એ ચિંતા પણ કે જો તેમના કોશેટાનો ભાવ ઓછો મળ્યો તો?
હાવેરી જિલ્લામાં આવેલા તેમના ગામ હંડીગનુર પરત ફરતી વખતે, તેમની આશા મરી પરવારી હતી – અને તેમનો ડર સાચો પડ્યો હતો. તેમણે સારી ગુણવત્તાવાળા કોશેટાનો 250 કિલોનો આખો જથ્થો માત્ર 67,500 રૂપિયામાં એટલે કે પ્રતિ કિલો 270 રૂપિયાના ભાવે વેચી દીધો હતો.
માર્ચની શરૂઆતમાં, લગ્નની સીઝનની ઊંચી માંગને કારણે બાયવોલ્ટાઈન કોશેટાના કિલોના ભાવ લગભગ 550 રૂપિયા ઉપજતા હતા, અને ક્રોસ-બ્રીડ કોશેટા સરેરાશ રૂ. 480 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા. સામાન્ય માંગવાળી અન્ય સીઝનમાં, બાયવોલ્ટાઈન રેશમ કોશેટાનો સરેરાશ ભાવ 450-500 રૂપિયા પ્રતિ કિલો હોય છે, અને ક્રોસબ્રીડ રેશમ કોશેટાના 380-420 રૂપિયા મળે છે. (બાયવોલ્ટાઈન એ સફેદ રંગના ઉત્તમ ગુણવત્તાના કોશેટા છે; ક્રોસ-બ્રીડ જાતો પીળાશ પડતી હોય છે અને તે સખત પણ ઓછી ગુણવત્તાવાળા અને બાયવોલ્ટાઈન જાતોના સંયોજનથી વિકસાવવામાં આવે છે.)
42 વર્ષીય ગડિયપ્પા કહે છે, “મેં કોશેટાના ઉત્પાદન માટે મારી પૈતૃક જમીન પર [2014માં] શેતૂર ઉગાડવાનું શરૂ કર્યું હતું. હવે, અમે તેને પાણીના ભાવે વેચવા મજબૂર છીએ. મને ખબર નથી કે હું મારા બાકી રહેલા દેવાની ભરપાઈ કેવી રીતે કરીશ.”
2014 સુધી, ગડિયપ્પા કર્ણાટકના હાવેરી જિલ્લાના ખેતરોમાં 150-170 રૂપિયાની દૈનિક મજૂરીએ ખેતમજૂર તરીકે કામ કરતા હતા. પોતાની ત્રણ એકર જમીનમાં, તેમનો 10 સભ્યોનો પરિવાર મુખ્યત્વે જુવાર અને મગફળીની ખેતી કરતો હતો – જે ઘરના વપરાશ અને બજારમાં વેચવા માટે થતી હતી. 2016માં, ગડિયપ્પાએ જુવાર અને મગફળી માટે વધુ પાંચ એકર જમીન ભાડાપટ્ટા પર લીધી, જ્યારે બાકીના વિસ્તારમાં શેતૂરની ખેતી કરી – તેમને આશા હતી કે આ નિર્ણયથી તેઓ થોડી વધુ કમાણી કરી શકશે.
ગડિયપ્પા અને અન્ય ખેડૂતો દર 35-45 દિવસે – અથવા વર્ષમાં લગભગ 10 વખત કોશેટા વેચે છે. ચોકી (નાના રેશમના કીડા)ને કોશેટા બનાવતા લગભગ 23 દિવસ લાગે છે. આ વખતે, ગડિયપ્પાએ મે મહિનાના પહેલા અઠવાડિયામાં કીડા ઉછેરવાનું શરૂ કર્યું હતું. કોશેટાને ચેપ ન લાગે અને ભેજવાળા હવામાનની અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તેઓ દરરોજ લગભગ 10 કલાક તેની સંભાળ રાખતા હતા. પછી મેના અંતમાં રામનગર બજારની મુસાફરી આવી – અને તેમણે નુકસાન વેઠવું પડ્યું.







