પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા ‘બાપેર બાડી’ (પિયર)ની અર્જિના બીબીની સૌથી પ્રિય યાદો તેમનાં માતા અને દાદી સાથે જોડાયેલી છે. વારસામાં મળેલી આ સોયકામની કળા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “હું મારા કાંથા કામમાં મારી દાદીની શૈલીનું પ્રતિબિંબ જોઈ શકું છું – જે રીતે તેઓ ટાંકા ઉપર ટાંકા લેતાં અને ભરતકામમાં ફૂલો ગૂંથતાં.” અર્જિના ઉમેરે છે કે, “હું જે કંઈ પણ જાણું છું, તે મેં તેમને જોઈને જ શીખ્યું છે. હું આજે પણ એ જ રીતે ટાંકા લઉં છું જેમ તેઓ લેતાં હતાં.”
છેલ્લા ત્રણ દાયકાથી કાંથા કારીગર તરીકે કામ કરી રહેલાં અર્જિના કહે છે કે આ કૌશલ્યે તેમને તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર ફાળો આપવામાં મદદ કરી છે. હવે પચાસ વર્ષની વયે પહોંચવા આવેલાં અર્જિના છ મહિલા કાંથા કારીગરોની એક ટુકડીનું નેતૃત્વ કરે છે, જેમને સ્થાનિક વેપારીઓ દ્વારા કામ સોંપવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાત શહેરના સીમાડે, જુલાઈ મહિનાની ગરમાગરમ બપોરે અમે અર્જિનાને તેમના કામના સ્થળે મળ્યા હતા. તેમનાં પાડોશી અને સહકર્મી નૂરાનહર બીબીના દીવાનખંડમાં ઊભા કરવામાં આવેલા એક કામચલાઉ કારખાનામાં દોરા, કાતર અને ટ્રેસિંગ પેપર વગેરેનાં ખોખાં વેરવિખેર પડેલાં હતાં. અહીં મહિલાઓ કાપડ પર ભરતકામ કરી રહી છે અને કાંથા કળાની ખાસિયત ગણાતા પરંપરાગત ટાંકા લઈ રહી છે.
35 વર્ષીય નૂરાનહર કહે છે કે, “મારા પતિ કાંથાની ચીજવસ્તુઓના વિતરક તરીકે કામ કરે છે. હું થોડું ભરતકામ કરીને તેમને મદદ કરું છું.” તેમના પતિ મોહમ્મદ જલાલુદ્દીન (43 વર્ષીય) અને તેમનો પરિવાર ત્રણ પેઢીથી કાંથાના વેપાર સાથે જોડાયેલો છે. નૂરાનહર હળવા સ્મિત સાથે ઉમેરે છે, “તેઓ પોતે એક કુશળ કાંથા કારીગર છે અને ભરતકામમાં ઘણા હોશિયાર છે.”
નજીકમાં જ ઊભેલા અને અમારી વાત સાંભળી રહેલા જલાલુદ્દીનની મજાક ઉડાવતાં અર્જિના કહે છે, “મેયે’રા બેશી ભલો બનાયે, કેનો કી અમરા મોન દિએ શીખે છી, આર મોન દિએ કાંથા બનાઈ. ચેલે’રા તો ઈ શોબ કે કાજ મેને ચોલે [સ્ત્રીઓ વધુ સારા કાંથા બનાવે છે કારણ કે અમારી આ કળા સાથે ભાવનાત્મક કડી જોડાયેલી હોય છે. પુરુષો તો તેને માત્ર એક વ્યવસાય તરીકે જુએ છે].”
















