ચંદ્રમા, કથગોલાપ (ચંપો, કે જેને પ્લુમેરિઆ રુબરા પણ કહેવાય છે)ના મલાઈ જેવા સફેદ અને પીળા સુગંધિત ફૂલોની લાંબી માળા ગૂંથી રહ્યાં છે. તેઓએ નાકમાં પહેરેલી સોનાની ત્રણ મોટી વાળીઓ, આ એપ્રિલ મહિનાની બપોરના ચમકતા સૂર્યના તડકાને અને તેમના હાથમાં રહેલા સુંદર ચંપાના ફૂલોની વચ્ચોવચ્ચ રહેલા ઘેરા પીળા રંગને પણ ઝાંખો પાડી રહી છે. તેઓ અને તેમના ગદબા આદિવાસી સમુદાયની અન્ય વીસ મહિલાઓ, ઓડિશાના કોરાપુટ જિલ્લાના પૂતપોંડી ગામની બરાબર બહાર એક ખુલ્લી જગ્યામાં માળાઓ ગૂંથવામાં વ્યસ્ત છે. તે સૌએ બે કે ત્રણ નથણીઓ પહેરી છે.
70 વર્ષીય ચંદ્રમા ગદબા હસતાં હસતાં કહે છે, “જમણી બાજુની આ નથણીને અમે બેસરી કહીએ, વચ્ચેનીને દોંદી, અને ડાબી બાજુનીને નટ્ટો. હું તો કાયમથી આ પહેરતી આવી છું. કદાચ, હું આની સાથે જ જન્મી હોઈશ.” તેમની દોંદી સહેજ ઊંચી થાય છે, અને નાકના ટેરવાથી લટકતા સોનાના ઘૂઘરાથી સામાન્ય રીતે ઢંકાયેલો તેમનો નીચલો હોઠ દેખાય છે.
તેઓ કહે છે, “પહેલાં અમારા ગદબા આદિવાસી સમાજમાં, છોકરીઓ જ્યારે નાની હોય ત્યારે જ તેમને આ ત્રણેય ઘરેણાં પહેરાવી દેવાતાં. પણ હવે તેઓ નાક મોડું વિંધાવે છે — પાંચ કે દસ વર્ષની ઉંમર પછી. અને ક્યારેક તો યુવાન છોકરીઓને નાક વિંધાવવું બિલકુલ જ નથી ગમતું.” દરેક વાક્યની સાથે, તેમની કુશળ આંગળીઓ તાજા ચૂંટેલા ફૂલોનો ખોબો ભરીને તેને એક માળામાં ગૂંથી લે છે, જેનો ઉપયોગ સાંજે પુરુષો જ્યારે તેમના શિકાર અભિયાનમાંથી પાછા ફરશે ત્યારે તેમના સ્વાગત માટે કરવામાં આવશે. આ ચૈત પોરબ (જેને ચૈત્ર પર્વ પણ કહેવાય છે)નો તહેવાર છે.
ઓડિશા અને ઝારખંડના ઘણા આદિવાસી સમુદાયો દ્વારા ઉજવાતો 14-દિવસનો આ કૃષિ ઉત્સવ, ચૈત પોરબ, હિન્દુ પંચાંગના પ્રથમ મહિના, ચૈત્રની શરૂઆત દર્શાવે છે. તહેવારનો સમય, એટલે કે મધ્ય-એપ્રિલ, પરંપરાગત રીતે ખેતરોના કામમાંથી આરામનો સમય પણ છે, જ્યારે વાતાવરણ ઉનાળાનાં ગીતો અને આ ઋતુમાં આવતાં ફળો અને ફૂલોની મબલખ ઉપજથી ભરેલું હોય છે. ગદબા સમુદાયની યુવાન અને વૃદ્ધ સ્ત્રીઓ ગાય છે, નાચે છે, પીવે છે, ગામના દેવતાઓને કાચી કેરીઓ અર્પણ કરે છે, અને શિકારના સાહસોમાંથી પાછા ફરતા પુરુષોને આવકારવા માટે માળાઓ ગૂંથે છે.








