પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં રહેતાં વૃદ્ધ સંતાલ આદિવાસી, દુલેશ્વરીની સારસંભાળમાં ઘણી પેઢીઓની સ્ત્રીઓ લાગેલી છે
દુલેશ્વરી સોરેનના રેશનકાર્ડ પર તેમની જન્મતારીખ 1 જાન્યુઆરી, 1963 લખેલી છે. પણ શરીરે સાવ નબળાં અને ઘરડાં થયેલાં આ સંતાલ આદિવાસી મહિલાની ઉંમર એના કરતાં દાયકાઓ વધારે છે. તેમનાં પ્રપૌત્રી પ્રમિલા કિસ્કુ કહે છે, “તેમની ઉંમર લગભગ 100 વર્ષની તો હશે જ,” પ્રમિલા પોતે લગભગ 16 વર્ષનાં છે.
અમે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનના એક વિસ્તાર, બાગાનપારામાં એ નેવું વર્ષ વટાવી ચૂકેલાં વૃદ્ધાના ઘરની બહાર બેઠાં છીએ. અહીંની વાંકીચૂંકી ગલીઓમાં રખડતાં કૂતરાં અને પાળેલાં મરઘાં-બતક જગ્યા માટે ધક્કામુક્કી કરતાં જોવા મળે છે – કૂતરાં આળસ ખાઈને પડેલાં છે, તો મરઘાં જમીન પર ચણ ખોતરવામાં વ્યસ્ત છે.
“શાંતિનિકેતન... શાંતિનિકેતન આમાર નાતનીર નામ [શાંતિનિકેતન...એ તો મારી પૌત્રીનું નામ છે],” બોલતાં બોલતાં દુલેશ્વરીનો અવાજ ધીમો પડી જાય છે. તેઓ પોતાના ટૂંકા કાપેલા સફેદ વાળમાં આંગળીઓ ફેરવતાં ફેરવતાં હસે છે.
તેઓ અમને કહે છે, “ઉંકુન હોયેછિલો [મને માથામાં જૂ પડી હતી].” દુલેશ્વરી હસતાં હસતાં પોતાની બાજુમાં બેઠેલાં પ્રમિલા તરફ ઇશારો કરે છે, “હવે કોની પાસે ટાઇમ છે કે બેસીને એક એક જૂ કાઢે? એટલે એણે મારા વાળ જ કાપી નાખ્યા.” દુલેશ્વરી લાડથી ઉમેરે છે, “તે [પ્રમિલા] રોજ મને એક કપ ચા બનાવી આપે છે અને મારા નખ પણ કાપી આપે છે.”








