પાસે જ ઓલવાઈ રહેલા અંગારા તરફ એકીટશે તાકી રહેતા રિયાઝ અહમદ કહે છે, “અમે આ આખો જમણવાર ગેસ પર જ બનાવવાનું વિચાર્યું હતું. પણ ગેસની અછતને કારણે, મારે લાકડાંનો ઉપયોગ કરવો પડ્યો. આમાં અમારો ખર્ચ લગભગ બમણો થઈ રહ્યો છે.”
50 વર્ષીય રિયાઝ અહમદ અંચારી, એક ‘વાઝા’ એટલે કે પરંપરાગત કાશ્મીરી રસોઈયા છે. અત્યારે, તેઓ અહીં પોતાના મિત્રની બહેનના લગ્નમાં મુખ્ય વાઝા છે. અને તેઓ અત્યારે એક એવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેની તેઓએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
લગભગ 3,000 કિલોમીટર દૂર ઈરાનમાં ચાલી રહેલું યુદ્ધ કાશ્મીરમાં લગ્નોમાં વિઘ્ન નાખી રહ્યું છે.
થોડા સમય પહેલાં આખું ઘર જીવંત લાગતું હતું. કેટલાક લોકો પરંપરાગત ગીતો ગાઈ રહ્યા હતા, તો કેટલાક નાચી રહ્યા હતા. જ્યારે થોડા લોકો મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં આમતેમ ઉતાવળે દોડી રહ્યા હતા. આખા ઘર પર લટકાવેલી રોશનીની હારમાળાઓએ એ રાતને હૂંફાળા રંગોથી રંગી દીધી હતી.
મને હંમેશાં આ વાઝાઓ, તેમની વાતો અને તેમની પેઢીઓ જૂની વાનગીઓ ખૂબ જ રસપ્રદ લાગે છે. અને એટલે જ, રાત્રે લગભગ 11 વાગ્યે જ્યારે તેઓ લગ્નનું જમવાનું બનાવીને પરવાર્યા, ત્યારે હું તેમની પાસે જઈને બેસી ગયો.
દરેક વાઝા ખૂબ જ કુશળ હોય છે. કોઈ એકદમ ચોકસાઈથી માંસ કાપવામાં માહિર હોય છે, તો બીજાને ધીમા તાપે રંધાતી વાનગીઓના નાજુક સમયની પાક્કી સમજ હોય છે. વળી, કોઈકની પાસે મસાલાઓનું કુદરતી જ્ઞાન હોય છે, જેઓ ફક્ત એક નજરમાં પારખી લે કે વાનગીમાં કયા સ્વાદની કમી છે.











