તુકારામ માસળ પ્લાસ્ટિકના બે મોટા ડબ્બા તેમની મોટરસાઇકલ પર બાંધે છે અને તેમના ટ્રેક્ટર માટે ડીઝલ ખરીદવા શહેરમાં જાય છે. તો પછી તેઓ એ વાહનો સીધા જ કેમ નથી લઈ જતા?
માસળ કહે છે, "એમાં બળતણ અને પૈસા બંનેનો બગાડ થશે." એક ટ્રેક્ટર એક લિટર ડીઝલ દીઠ વધુમાં વધુ પાંચ કિલોમીટરની એવરેજ આપી શકે છે, અને "હવે ડીઝલ લગભગ 100 રુપિયે લિટર છે." અને તેમણે અનેક ઇંધણ સ્ટેશનોના ચક્કર લગાવવા પડે છે.
ડીઝલનું રેશનિંગ શરૂ થઈ ગયું છે.
મહારાષ્ટ્રના દુષ્કાળની સંભાવનાવાળા ધારાશિવ જિલ્લાના ભૂમ નગરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા વાક્વડ ગામના 53 વર્ષના ખેડૂત માસળ કહે છે, "તેઓ અમને દરેક વખતે ફક્ત થોડા-થોડા લિટર જ આપે છે."
તેઓ ઉમેરે છે, “મને એક દિવસ ચાલે એટલું ઓછામાં ઓછું 20-25 લિટર ડીઝલ મળી રહે એ માટે ડીઝલ ખરીદવા હું પાંચ અલગ અલગ પેટ્રોલ પંપ પર જાઉં છું." ભૂમમાં અને તેની આસપાસ ખૂબ જ ઓછા ઇંધણ સ્ટેશનો છે.
કેટલાક દિવસોએ માસળ ડીઝલની શોધમાં અલગ-અલગ પેટ્રોલ પંપો વચ્ચે 70-80 કિલોમીટરની મુસાફરી કરે છે. તેઓ કહે છે, "અને દર બે-ત્રણ દિવસે થોડું ડીઝલ મળી રહે તો મારું નસીબ." અને કેટલીકવાર ઇંધણ સ્ટેશનો પ્લાસ્ટિકના કેનમાં ડીઝલ ભરીઆપવાની ના પાડે છે, તેઓ ટ્રેક્ટર પંપ પર લાવવાનો આગ્રહ રાખે છે.











