ડિસેમ્બર 2019માં, 50 વર્ષીય સુભાષ બિક્કડે પોતાની જિંદગીને એક નવા જ રસ્તે દોડાવી. તેઓ બે દાયકાથી છત્રપતિ સંભાજીનગરની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા હતા, પણ હવે તેઓએ પ્રગતિનો એક નવો રાજમાર્ગ કંડાર્યો હતો.
“મેં અને મારા બે મિત્રોએ ભેગા મળીને અમારી પોતાની ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી અને ત્રણ ટ્રક અને કન્ટેનર ખરીદ્યા. અમે બધા એક જ ગામના હતા અને આખા ભારતમાં ટ્રક ચલાવવાનો અનુભવ હતો. પૂણેમાં રહેતા એક મિત્રે અમારા જામીન બનીને અમને મદદ કરી.”
આ એક ડ્રાઇવરમાંથી માલિક બનવાની અદ્ભુત સફરની શરૂઆત હતી. આ સફર માત્ર બિક્કડ અને તેમના ભાગીદારોની જ નહોતી, પરંતુ તેમના ગામ સારની સાંગવીના 80 નવયુવાનોની પણ હતી. આનો અર્થ એ થયો કે 1,460 લોકોની વસ્તીવાળા આ ગામમાં લગભગ દરેક ચોથું ઘર ટ્રકના વ્યવસાય સાથે જોડાયેલું હતું. સારની સાંગવી એ બીડ જિલ્લાના દુકાળગ્રસ્ત કેઝ તાલુકાનું એક જોડકું ગામ છે.
2025 સુધીમાં સારની સાંગવી જાણે ટ્રક અને કન્ટેનરનું (જેને શિપિંગ અથવા કાર્ગો કન્ટેનર પણ કહેવાય છે) ગામ બની ગયું હતું. આ 80 યુવાનો ભેગા મળીને 400 ટ્રક અને માલસામાન ભરવાના કન્ટેનરના માલિક હતા. તેમનો ધંધો એટલો ધમધોકાર ચાલ્યો કે દેશની કેટલીક સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓ પણ તેમને કામ આઉટસોર્સ કરવા લાગી. ઘણા લોકોએ એકબીજાના જામીન બનીને સફળતાની સીડીઓ સર કરી. સરપંચ સુનિલ કેદારે પારીને કહ્યું, “અમે દિવાળીની ઉજવણી ખેતરોમાં બધી ટ્રકોની પૂજા કરીને કરી હતી.”
ટ્રક અને કન્ટેનર જાણે કે ગામના નવા દેવતા બની ગયા હતા.
પણ આજે, એમાંથી ઘણી ટ્રકો અને કન્ટેનર કાં તો પોતાના મુકામ પર અથવા રસ્તામાં ક્યાંક અટવાઈ પડ્યા છે. ગામમાં તો અમને ભાગ્યે જ કોઈ ટ્રક જોવા મળી. અમેરિકા-ઇઝરાયેલના ઈરાન પરના યુદ્ધે સારની સાંગવીની સમૃદ્ધિના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે. જોકે, પહેલાંથી જ વધી રહેલા રોડ ટેક્સ જેવા બીજા કારણોસર આ સમૃદ્ધિમાં થોડો ઘટાડો તો આવી જ રહ્યો હતો.







