વણક્કમ! મારું નામ સુગુના છે. હું 2008 થી આ કામ કરી રહી છું. હું ખૂબ નાની હતી ત્યારે મેં મારા માતા-પિતા બંને ગુમાવ્યા હતા.
મારા પિતાના અવસાન પછી મારી માતા નજીકના શો-પીસ બનાવતા કારખાનામાં કામ કરવા લાગી હતી. તે શો-પીસ ઘેર લાવતી, અને ત્યારે જ હું પહેલી વાર તેના પ્રત્યે આકર્ષાઈ હતી. હું ચાર વર્ષની હતી ત્યારથી મને શાળા કરતાં વધારે આ શો-પીસ ગમતા હતા. મને થતું: તેઓ આ કેવી રીતે બનાવતા હશે? તે શેના બનેલા હશે?
જ્યારે મારી માતાનું અવસાન થયું ત્યારે મારા દાદીએ કહ્યું, "તમે હવે શાળાએ નહીં જઈ શકો. મારાથી તમારી સંભાળ રાખી શકાતી નથી." તેમણે મને મારી બહેન સાથે એ જ ફેક્ટરીમાં કામ કરવા મોકલી. હું 10 વર્ષની હતી.
શરૂઆતમાં મને ફક્ત માટી ભેળવવાની અને ચાળવાની મંજૂરી હતી - હું શો-પીસને અડી શકતી નહોતી. બે વર્ષ પછી મેં માટીને બીબામાં રેડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હું કાસ્ટિંગ પણ શીખી ગઈ. પરંતુ થોડા સમય પછી મારે વધારે સારું કામ કરવું હતું. ત્યારે મેં કલા શીખવાનું નક્કી કર્યું.
એ શીખતા મને ચાર વર્ષ લાગ્યા. હું 14 વર્ષની હતી ત્યારથી મેં શરૂઆત કરી હતી, હું દિવસના 75 રુપિયા કમાતી હતી. કલાકારો 100 રુપિયા કમાતા હતા, અને મેં જ્યારે એટલું જ મહેનતાણું માગ્યું ત્યારે તેઓ કહેતા, "તું હજી નાની છે." તેથી મેં એ કામ છોડી દીધું.
પછીથી મેં કરાર પર કામ કરવાનું શરૂ કર્યું - લગભગ 10 કંપનીઓએ મને તેમના કલાકૃતિઓના ઓર્ડર આપ્યા. ત્યારે મને સમજાયું: અમે અમારી કુશળતા વધારતા રહીશું તો અમારું કામ જ અમને ઊંચા લાવશે.
ધીમે ધીમે લોકો મને માન આપવા લાગ્યા. તે દિવસોમાં ફક્ત કલાકારો જ ટેબલ પર બેસતા હતા; બીજા બધા ભોંય પર બેસતા હતા. પરંતુ જે લોકોએ મને એક સમયે કાઢી મુકી હતી એ લોકો જ મને પાછી બોલાવવા લાગ્યા. મારું ફિનિશિંગ - આંખો, હોઠ, નાની-નાની વિગતો - એ બધું મારા કામને અલગ પાડતું હતું.
પરંતુ કેટલીક જગ્યાઓ અસહ્ય હતી. તેઓ જે રીતે મહિલાઓ તરફ જોતા હતા, જે રીતે તેઓ અમારી મજાક ઉડાવતા હતા - મેં પાછા જવાની ના પાડી દીધી, પછી ભલે ગમે તેટલો પગાર હોય.
હું મારા પતિને આવા જ એક કારખાનામાં મળી હતી. તેઓ વિદેશ જવા માગતા હતા, પણ મેં તેમને કહ્યું, "જો આપણે લગ્ન કરીએ તો તમારે મારી સાથે રહીને આ કંપની ચલાવવી પડશે." એ મારી એકમાત્ર શરત હતી.
મને આ કામ આટલું બધું કેમ ગમે છે? કારણ કે કદાચ એ માટી છે - હું તેને આકાર આપું છું, તેનામાં પ્રાણ પૂરું છું અને લોકો તેની પ્રશંસા કરે છે. એ આનંદ મને આ કામ ચાલુ રાખવાની પ્રેરણા પૂરી પાડે છે.