કાલિદાસપુર ગામના રહેવાસી અમીના બીબીએ મેના અંતમાં મને કહ્યું હતું, "હવે તોફાન શમી ગયું છે એટલે અમને અહીંથી જતા રહેવાનું કહેવામાં આવ્યું છે. પણ અમે જઈએ ક્યાં?"
એ વાવાઝોડાના એક દિવસ પહેલા, ચક્રવાત અમ્ફાન, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અમીનાના ગામથી લગભગ 150 કિલોમીટર દૂર જમીન સાથે ટકરાયું હતું, સ્થાનિક અધિકારીઓએ ઘણા ગામો ખાલી કરાવીને પરિવારોને ત્યાંથી રાહત શિબિરોમાં ખસેડ્યા હતા. અમીના અને તેમના પરિવારને આ વર્ષે 19 મી મેના રોજ પડોશી ગામમાં ઊભા કરાયેલા કામચલાઉ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.
સુંદરવનના ગોસાબા બ્લોકમાં લગભગ 5800 લોકોની વસ્તી ધરાવતા અમીનાના ગામમાં તેમનું માટીનું મકાન ચક્રવાતને કારણે બરબાદ થઈ ગયું હતું. તેમનો બધો સામાન પણ તણાઈ ગયો હતો. 48 વર્ષના અમીના, તેમના પતિ 56 વર્ષના મોહમ્મદ રમઝાન મુલ્લા, અને 2 થી 16 વર્ષની ઉંમરના તેમના છ બાળકો સુરક્ષિત રહી શક્યા હતા.
મોહમ્મદ મુલ્લા ચક્રવાત ત્રાટક્યાના બે અઠવાડિયા પહેલા જ ગામમાં પાછા ફર્યા હતા. 56 વર્ષના મોહમ્મ્દ મહારાષ્ટ્રના પુણેમાં એક મોલમાં સફાઈ કામદાર તરીકે કામ કરીને મહિને 10000 રુપિયા કમાતા હતા. આ વખતે તેમણે અહીં જ રોકાઈને નજીકના મુલ્લા ખાલી બજારમાં ચાની નાનકડી દુકાન ખોલવાનું વિચાર્યું હતું.
અમીના ઘરનું કામ પરવારીને નજીકની ગોમોર નદીમાં કરચલા અને માછલીઓ પકડીને પરિવારની આવકમાં ઉમેરો કરતા હતા. તેઓ તેમણે પકડેલા થોડાઘણા કરચલા અને માછલીઓ બજારમાં વેચતા હતા. તેમણે મને કહ્યું હતું, “પણ એમાંથી હું દિવસના 100 રુપિયાય કમાતી નહોતી."
2018 માં તેમના સૌથી મોટા બાળક રકીબ અલીએ 14 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી. તેમણે કહ્યું, "અબ્બા ઘેર જે પૈસા મોકલે છે તેમાંથી અમારું પૂરું થતું નથી. તેથી જ મેં શાળા છોડી કામ કરવા સ્થળાંતર કર્યું હતું." રકીબ કોલકાતામાં દરજીકામની દુકાનમાં મદદનીશ તરીકે કામ કરી મહિને 5000 રુપિયા કમાતા હતા. કોવિડ -19 લોકડાઉન દરમિયાન અમ્ફાન ત્રાટક્યું ત્યારે તેઓ તેમને ઘેર જ હતા.
ઘાસ છાયેલી છતવાળું પરિવારનું માટીનું ઘર ગોમોર નદીના કિનારે ઊભું હતું. સિદ્ર (2007), આઇલા (2009) અને બુલબુલ (2019) - ત્રાટકેલા દરેક ચક્રવાત સાથે, નદી તેમના ઘરની નજીક ને નજીક આવતી ગઈ અને ધીમે ધીમે તેમની ત્રણ વીઘા (એક એકર) જમીન, જેની પર તેઓ થોડા શાકભાજીની સાથે સાથે વર્ષમાં એકવાર ડાંગરની ખેતી કરતા હતા એ આખીય જમીન નદીમાં ગરક થઈ ગઈ હતી. અમ્ફાન આવ્યું ત્યાં સુધીમાં તેમની પાસે કોઈ જમીન બચી જ નહોતી.














