મીના મહેર આખો દિવસ ઘણાં વ્યસ્ત હોય છે. સવારે 4 વાગ્યે તેઓ હોડીના માલિકો માટે માછલીની હરાજી કરવા તેમના ગામ સતપતિના જથ્થાબંધ બજારમાં પહોંચે છે. સવારે 9 વાગ્યાની આસપાસ ઘરે પાછાં આવીને, તેઓ માછલીને મીઠા વડે સાફ કરે છે અને તેને સૂકવવા માટે થર્મોકોલના બોક્સમાં ભરીને તેના બેકયાર્ડ/ઘરના પાછળના ભાગમાં મૂકે છે, જેથી તે સૂકવેલી માછલીઓને એક કે બે અઠવાડિયા પછી વેચી શકાય. સાંજે, તેઓ સૂકી માછલીઓને વેચવા માટે, લગભગ 12 કિલોમીટર દૂર પાલઘરના છૂટક બજારમાં બસ અથવા રિક્ષામાં જાય છે. જો કોઈ માછલીઓ વેચાયા વિના રહી જાય છે, તો તેઓ સાંજે તેને સતપતિના છૂટક બજારમાં વેચવાનો પ્રયાસ કરે છે.
પરંતુ તેઓ જે હોડીઓ માટે માછલીઓની હરાજી કરે છે તે ઓછી થઈ રહી છે, અને સાથેસાથે તેઓ જે માછલીઓ સૂકવે છે તેની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. ઓ.બી.સી. તરીકે સૂચિબદ્ધ કોળી સમુદાયનાં 58 વર્ષીય મીના પૂછે છે “માછલીઓ જ નથી ને, તો હવે હું શું વેચીશ?” તેથી તેમણે પોતાની કામ કરવાની રીતમાં બદલાવ કર્યો છે. ચોમાસા પછી, તેઓ સતપતિના જથ્થાબંધ બજારમાંથી હોડીના માલિકો અથવા વેપારીઓ પાસેથી તાજી માછલીઓ ખરીદે છે, અને પૂરતી કમાણી કરવા માટે તેને વેચે છે. (જોકે તેઓ અમને તેમની આવક વિશે કોઈ વિગતો આપતાં નથી.)
પરિવારની આવકની તંગીની ભરપાઈ કરવા માટે, તેમના પતિ 63 વર્ષીય ઉલ્હાસ મહેર, પણ વધુ કામ કરે છે. તેઓ હજુ પણ ક્યારેક ક્યારેક ONGCની સર્વેક્ષણ હોડીઓ પર મજૂર અને સેમ્પલ કલેક્ટર તરીકે કામ કરે છે, પરંતુ તેની સાથે જ તેમણે મુંબઈમાં માછીમારીની મોટી હોડીઓ પર તેમનું કામ વર્ષના લગભગ બે મહિનાથી વધારીને 4-6 મહિના કરી દીધું છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા દરિયાકાંઠાના તેમના ગામ સતપતિને ‘ગોલ્ડન બેલ્ટ’ કહેવામાં આવે છે. તેનો દરિયાકિનારો માછલી ઉછેર અને પ્રખ્યાત બોમ્બિલ (બોમ્બે ડક) માછલી માટે જાણીતો છે. પરંતુ બોમ્બિલ માછલીઓનું ઉત્પાદન હવે ઘટી રહ્યું છે. 1979માં સતપતિ-દહાનુ પ્રદેશમાં 40,065 ટનનું વિક્રમી ઉત્પાદન હતું જે 2018માં ઘટીને માત્ર 16,576 ટન થયું હતું.










