નોંધ: પારીએ વૃદ્ધો અને અપંગતા પર અગાઉ પણ કેટલીય વાર્તાઓ પ્રકાશિત કરી છે. હવે અમે આ વિષયો પર વિશેષ ધ્યાન આપીશું. આ શ્રેણીમાં આ અમારો પહેલો લેખ છે.


Sangrur, Punjab
|WED, OCT 01, 2025
પંજાબમાં: હરિયાળી ક્રાંતિ, લોહિયાળ લણણી
પંજાબનાં ગામડાંઓમાં ખેતીના મશીનોથી થતા અકસ્માતોને કારણે થતી અપંગતા એક સામાન્ય વાત છે, અને તે પછી પણ જીવન રોજની જેમ ચાલતું જ રહે છે. 1લી ઑક્ટોબરે, સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ પર, વૃદ્ધાવસ્થા અને અપંગતા વિશેની આ વાર્તા
Author
Editor
Photo Editor
Translator
દાયકાઓ પહેલાં સુરજીત સિંહે પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો, પણ તેઓ આજેય એ વાત સ્વીકારવા તૈયાર નથી કે તેમનું એક અંગ ઓછું છે.
વૃદ્ધ ખેડૂત સુરજીત સિંહ કહે છે, “હું ઘાસચારો કાપવા સિવાય બધું જ કરી શકું છું – જેમાં બે હાથની જરૂર પડે છે, એકથી ઘાસ પકડવા અને બીજાથી દાતરડા વડે કાપવા.” અને પછી તેઓ સંગરૂર જિલ્લાના રંગિયાં ગામમાં પોતાના દસ એકરના ખેતરમાં રોજબરોજ કરતા અસંખ્ય કામો ગણાવવા લાગે છે.
પણ તેમનાં પત્ની કુલવંત કૌર વાતમાં જોડાય છે અને જરાય ખચકાટ વિના તેમના દાવાઓને ખોટા પાડે છે. તેઓ કહે છે, “એ પોતાના પાયજામાનું નાડું પણ બાંધી શકતા નથી. સવારે શૌચ ગયા પછી તેઓ બરાબર સાફ પણ નથી કરી શકતા. જ્યારે પીઠ પર ખંજવાળ આવે, ત્યારે ખંજવાળવા માટે એમની પાસે હાથ નથી. ઘણી વાર તેઓ દીવાલ કે ઝાડના થડ સાથે પોતાની પીઠ ઘસવા દોડી જાય છે.”
આમ છતાં, સુરજીત સિંહ એક અપંગ નાગરિકને મળતા લાભો માટે ‘પાત્ર’ ઠર્યા નહીં. તેઓ પટવારી (જમીનના રેકોર્ડ રાખનાર ગામના સરકારી અધિકારી) પાસે ગયા હતા. “પણ એમણે મને કહ્યું કે, ‘તમારી પાસે જમીન છે એટલે તમે પાત્ર નથી.’ એટલે હું ઘરે પાછો આવ્યો.” આ વાત હાસ્યાસ્પદ હતી કારણ કે કાયદા મુજબ જમીનમાલિક અને ભૂમિહીન બંને આ લાભ માટે હકદાર છે. સુરજીતને ન તો કોઈ વળતર મળ્યું, ન તો તેમને અપંગતાનું પેન્શન (પંજાબમાં મહિને 1,500 રૂપિયા) મળે છે. તેમને 60-69 વર્ષના લોકોને 1,500 રૂપિયા પેટે અને 70થી વધુ ઉંમરના લોકોને 2,000 રૂપિયા પેટે મળતું વૃદ્ધાવસ્થાનું પેન્શન પણ મળતું નથી.

Vishav Bharti

Vishav Bharti
72 વર્ષની ઉંમરે, તેઓ એક શાંત સ્વભાવના માણસ છે જેમને પોતાના એક હાથે અથાક પરિશ્રમ કરવાની અદ્ભૂત ક્ષમતા સિવાય બીજી કોઈ વાતનું ગૌરવ નથી. તો પછી તેમણે પોતાનો બીજો હાથ કેવી રીતે ગુમાવ્યો? સુરજીત કહે છે, એ 1990ના દાયકાના મધ્યભાગની વાત છે. “મારો ભાઈ મને ઘણી વાર ઘાસ કાપવાના કામથી રોકતો કારણ કે મારું ધ્યાન સહેલાઈથી ભટકી જતું હતું. તે દિવસે અમે ટોકા (ઘાસ કાપવાનું મશીન) મશીનોનું સમારકામ કર્યું હતું અને શેરડીના સાંઠાને ઘાસચારા માટે કાપી રહ્યા હતા. પહેલાં મારી આંગળીઓ રોલરમાં ફસાઈ અને તેણે મારો હાથ ખેંચ્યો, અને પછી મારો આખો હાથ અંદર ખેંચાઈ ગયો,” તેઓ કહે છે અને તેમની લાલ આંખો શૂન્યમનસ્ક થઈ જાય છે.
તેઓ જ્યાં અટકે છે ત્યાંથી તેમનાં 65 વર્ષીય પત્ની કુલવંત કૌર વાત આગળ વધારતાં કહે છે, “ઘાસચારાની જેમ તેમના હાથના પણ ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને ચારેબાજુ લોહી જ લોહી હતું. એ જોઈને હું તો બેભાન જ થઈ ગઈ હતી.” સુરજીત લગભગ 20 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. પણ તેમની પાસે જે બન્યું તેના પર અટકીને અફસોસ કરવાનો સમય નહોતો. આખરે, પેટનો ખાડો તો પૂરવાનો જ હતો. લગભગ દોઢ મહિના પછી તેઓ પાછા ખેતરમાં કામે લાગી ગયા હતા. “અમને તો ત્યારે ખબર પડી જ્યારે અમારા એક પાડોશીએ આવીને કહ્યું કે તેમણે રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં, સુરજીત એક હાથે બોરવેલમાં તેને ઠીક કરવા માટે ઉતર્યા હતા. મેં તો ક્યારેય એમને પોતાનો હાથ ગુમાવવાનો અફસોસ કરતાં પણ નથી જોયા,” કુલવંત કહે છે.
તેઓ કહે છે, “જો એમના બંને હાથ સલામત હોત, તો એમણે આ દીવાલો સોનાથી મઢી દીધી હોત. તેઓ હંમેશાથી એટલા જ મહેનતુ રહ્યા છે.”
સુરજીત સિંહ અને તેમના જેવા બીજા ઘણા લોકો 1970ના દાયકાની શરૂઆતમાં આવેલી હરિયાળી ક્રાંતિ અને તેની સાથે આવેલી ટેક્નોલોજી અને ઓટોમેશનની એક અલગ જ ‘ફસલ’ સમાન છે. પંજાબના ગામડાઓમાં તેમના જેવી અનેક કહાણીઓ છે, પણ તે બધી મૌનની ગર્તામાં દબાયેલી રહે છે.

Vishav Bharti
માત્ર 1975 અને 1978ની વચ્ચે આ એક જ રાજ્યમાં ખેતીનાં મશીનોથી 841 અકસ્માતો થયા હતા.
પંજાબ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, માત્ર 2007-12ની વચ્ચે કુલ 6,196 ખેતીને લગતા અકસ્માતો થયા હતા. તેમાંથી 4,218, એટલે કે 68.08 ટકા, ઘાસ કાપવાનાં મશીનોથી થયા હતા. બીજા 1,395, એટલે કે 22.51 ટકા, કમ્બાઈન હાર્વેસ્ટર અને થ્રેશરથી થયા હતા. અને 583, એટલે કે 9.41 ટકા, ટ્રેક્ટર અને તેનાથી સંબંધિત સાધનોથી થયા હતા.
માર્કેટિંગ બોર્ડના અકસ્માતના ડેટાનું વિશ્લેષણ કરતા અન્ય એક અભ્યાસમાં — જેને ઓછા અંદાજ તરીકે જ ગણવા જોઈએ — દર્શાવવામાં આવ્યું કે ઘાસ કાપવાનાં મશીન અને થ્રેશર સંબંધિત દુર્ઘટનાઓમાં 67.5 ટકા કેસોમાં આંગળીઓ કાપવી પડી હતી. વધુ 18.2 ટકા કેસોમાં હાથ કાપવા પડ્યા હતા. અને 10.5 ટકા કેસોમાં આખો હાથ (ભુજા) કાપવો પડ્યો હતો. ખેતીના અકસ્માતોના પીડિતોને વળતર પરનો આ 2017નો અભ્યાસ લુધિયાણાની પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ફાર્મ મશીનરી અને પાવર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.
પરંતુ PAUના અભ્યાસમાં માર્કેટિંગ બોર્ડના ડેટા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને તારણ કાઢવામાં આવ્યું છે કે 2007-12ના સમયગાળામાં માત્ર ત્રણ વર્ષમાં ખેતીના અકસ્માતોની વાસ્તવિક સંખ્યા 9,188 હતી. અને 25 કરોડ રૂપિયાનું વળતર માત્ર 5,492 વ્યક્તિઓમાં વહેંચાયું હતું – એટલે કે દરેકને સરેરાશ 50,000 રૂપિયા કરતાં પણ ઓછા મળ્યા હતા. જેનો અર્થ એ થાય છે કે, કુલ 9,188 લોકોમાંથી ઓછામાં ઓછા 3,696 અકસ્માત-પીડિતોને અથવા 40 ટકાથી વધુને કોઈ વળતર મળ્યું જ નથી.
હરિયાળી ક્રાંતિ સાથે નવા પ્રકારનાં મશીનોની શરૂઆત પછી તરત જ આ અકસ્માતો શરૂ થયા હતા. પંજાબમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં તમને ખેતીના અકસ્માતોથી અપંગ બનેલી કોઈ વ્યક્તિ ન મળે. દુઃખની વાત એ છે કે, પીડિતો માટે અપંગતા પછીની પરિસ્થિતિ મોટાભાગે ગંભીર રહી છે. ચંદીગઢ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે, “મુખ્ય આર્થિક સમસ્યા તેમની વાર્ષિક આવકમાં મોટો ઘટાડો અને કાયમી શારીરિક અપંગતા છે. આ તેમને રોજિંદા કામ માટે બીજાઓ પર નિર્ભર બનાવે છે.”
પંજાબ ખેતીના અકસ્માતોના પીડિતો માટે વળતરની નીતિ ઘડનારા પ્રથમ રાજ્યોમાંનું એક હતું. ભારતીય સંસદે 1983માં ખતરનાક મશીનો (નિયમન) અધિનિયમ પસાર કર્યો હતો. અને તેના પછીના વર્ષે પંજાબે ખેતીના અકસ્માતોના પીડિતો માટે નાણાકીય સહાય યોજનાની સ્થાપના કરી હતી. પરંતુ 1984માં તેની રચના થઈ ત્યારથી આ નીતિનો અમલ ખૂબ જ નબળો રહ્યો છે. સુરજીત તેનું જીવંત ઉદાહરણ છે.
તેમના પોતાના ગામ રંગિયાંમાં, જેનો પટિયાલા રજવાડાના સામંતશાહી અત્યાચાર સામે લડવાનો ઇતિહાસ રહ્યો છે, ત્યાં ખેતીના મશીનોના કારણે થયેલા અકસ્માતોથી અપંગતાના અનેક કિસ્સાઓ હતા. તેમાંથી મોટાભાગના પીડિતો હવે મૃત્યુ પામ્યા છે, પરંતુ સુરજીત ઉપરાંત હજુ પણ બે લોકો જીવિત છે.
73 વર્ષીય ખેડૂત, પાલ સિંહ, જેમણે 1982માં થ્રેશરમાં પોતાનો જમણો હાથ અને હાથનો કેટલોક ભાગ ગુમાવ્યો હતો, તેઓ ચાર દાયકા પહેલાંનું એ દૃશ્ય યાદ આવતાં જ આજે પણ ધ્રૂજવા લાગે છે. “મેં કડું (શીખ કડું) પહેર્યું હતું. હું નવરો બેસી શકતો નથી, એટલે મેં ચાલુ થ્રેશરમાં તેલ નાખવાનું શરૂ કર્યું. મારું કડું ફીડરમાંના એક મોટા બોલ્ટમાં ફસાઈ ગયું અને તેણે મારો હાથ એટલા જોરથી ખેંચ્યો કે મારું હાડકું તૂટી ગયું. બીજી જ ક્ષણે મારો હાથ કાંડાના ભાગ સાથે જમીન પર પડ્યો હતો. જાડું ગોળ કડું લંબચોરસ થઈ ગયું હતું. એ એટલું પીડાદાયક હતું કે તમે કલ્પના પણ ન કરી શકો. કાશ મારો મારો હાથ ઘાસ કાપવાના મશીનમાં કપાયો હોત, તો તે કદાચ ઓછું દર્દનાક હોત,” તેઓ કહે છે.
પાલ 20-25 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. જોકે, સુરજીતની જેમ જ, તેમની પાસે પણ આ આફત પર દુઃખ વ્યક્ત કરવાનો સમય નહોતો. “મેં બે મહિનામાં જ ટ્રેક્ટર ચલાવવાનું શરૂ કરી દીધું હતું. હંમેશની જેમ, ખેડ અને વાવણી તો પ્રમાણમાં સહેલું હતું, પણ હું તો જમીન સમથળ કરવાનું કામ પણ કરતો હતો. હું સવારે 4 વાગ્યે જમીન સમથળ કરવાનું કામ શરૂ કરતો અને 16 કલાક સુધી તે કામ કરતો, જેમાં ઘણી વાર બંને હાથનો ઉપયોગ જરૂરી હતો.”
તેઓ કહે છે કે, જીવન તેમના માટે બહુ બદલાયું નથી. “ખાસ કંઈ નહીં. સિવાય કે મને હંમેશાં એવું લાગે છે કે મારી એક મુઠ્ઠી જોરથી બંધ છે અને પ્રયત્નો કરવા છતાં હું તેને ખોલી શકતો નથી. બાકી, મેં મારા ડાબા હાથને એવી રીતે કેળવ્યો છે કે હવે મને એ પણ યાદ નથી કે મેં ક્યારેય મારા જમણા હાથથી કોઈ કામ કર્યું હતું.”

Vishav Bharti

Vishav Bharti
પાલ સિંહથી વિપરીત, એ જ ગામનાં આશરે 70 વર્ષીય નસીબ કૌર તેમના ડાબા હાથની યાદોનો બોજ લઈને જીવી રહ્યાં છે. લગભગ દસેક વર્ષ પહેલાં ચારા કાપવાના મશીનમાં કામ કરતી વખતે તે હાથ કપાઈ ગયો હતો. “ચારો કાપવો એ તો રોજનું કામ હતું. તે કામ હું નાનપણથી કરતી આવી છું. સાંજનો સમય હતો, લગભગ સાત વાગ્યા હતા. પહેલાં તો મારો અંગૂઠો રોલરમાં ફસાઈ ગયો, પછી તો એમાં મારો આખો હાથ કપાઈ ગયો. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું પણ મારી વહુ ગભરાઈ ગઈ અને એન્જિન બંધ ન કરી શકી. મારી ચીસો સાંભળીને પાડોશીઓ અમારા ઘરે દોડી આવ્યા અને તેમણે એન્જિન બંધ કરીને મશીનમાંથી મારો હાથ બહાર કાઢ્યો.”
આ ત્રણેયમાં માત્ર તેઓ જ એવાં છે જેમને દર મહિને 1,500 રૂપિયાનું વૃદ્ધાવસ્થા પેન્શન મળે છે. પણ તેમને અકસ્માતનું કોઈ વળતર કે વિકલાંગતા પેન્શન નથી મળ્યું. આ ત્રણેયમાંથી ફક્ત પાલ સિંઘને જ 1,500 રૂપિયાનું માસિક વિકલાંગતા પેન્શન મળે છે. સુરજીત સિંહને કશું જ મળતું નથી. આમ પણ, વરિષ્ઠ નાગરિકો માટે સરકારી લાભો મેળવવા ક્યારેય સહેલું નથી હોતું. અને જેઓ વૃદ્ધ અને વિકલાંગ બંને હોય, તેમના માટે તો આ સરકારી કચેરીઓના ધક્કા ખાવા એક દુઃસ્વપ્ન સમાન છે. અધિકારીઓ ઘણી વાર ખોટાં કારણો આપીને અથવા કોઈ પણ કારણ આપ્યા વગર જ તેઓના દાવાઓને ફગાવી દે છે.
નસીબ કૌર એ દિવસોને યાદ કરે છે જ્યારે તેઓ પોતાના વાળ ઓળતાં કે લાંબી ચોટલી વાળતાં, રસોડાનું બધું કામ સંભાળી લેતાં, કે પછી ફટાફટ ગાય-ભેંસ દોહી લેતાં – અને અચાનક તેઓ ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે. થોડી ક્ષણો ચૂપ રહ્યા પછી, તેઓ ધીમેથી ઉમેરે છે, “હવે મારાથી એ નથી થતું.”

Vishav Bharti
શું તેઓ રોટલી વણી શકે છે? “હા, મારે વણવી જ પડે છે. ભલે તે આડા-અવળા આકારની બને, પણ હું બીજું શું કરી શકું? મેં એવું તો શું પાપ કર્યું હતું કે મારે આ બધું જોવું પડ્યું?” તેમની આંખો ભરાઈ આવે છે, ગાલ પર આંસુ સરી પડે છે, અને તેઓ પોતાના સફેદ દુપટ્ટાના છેડાથી તેને લૂછે છે. સુરજીતનાં પત્ની કુલવંત તેમને સાંત્વના આપતાં કહે છે, “મુશ્કેલ સમય સહેલાઈથી ભૂલાતો નથી.”
આ બધું જોઈને, સુરજીત સિંહ ચૂપચાપ ખાટલા પરથી ઊભા થાય છે અને તે ખીલા તરફ જાય છે જ્યાં તેમનો બળદ બાંધેલો છે અને પોતાના કપાયેલા જમણા હાથથી દોરડાની ગાંઠ ખોલવા લાગે છે. એવું લાગે છે કે તેમનો કપાયેલો જમણો હાથ હજી પણ હલનચલન કરે છે – અબોલ, અદૃશ્ય, પણ ક્યારેય સંપૂર્ણપણે ગેરહાજર નહીં.
આ લેખ પારીની ૨૦૨૫ની સિનિયર ફેલોશિપ હેઠળ પ્રકાશિત કરવામાં આવેલ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/in-punjab-green-revolution-red-harvest-guj

