રણદીપ સિંહ એટલા નસીબદાર નહોતા કે તેમની ધરપકડ થઈ જાય અને તેમને હથકડી પહેરાવીને યુનાઇટેડ સ્ટેટ્સથી અમૃતસર જતી C-17 ફ્લાઇટની સીટ પર બાંધી દેવામાં આવે. અજાણ્યા દેશોમાં 264 દિવસ સંઘર્ષ કર્યા પછી, આ વર્ષે 21 ફેબ્રુઆરીએ યુ.એસ. ભણી જતા એક ડંકી રૂટ (ગેરકાયદેસર માર્ગ) પર કંબોડિયામાં તેમનું મૃત્યુ થયું.
તમે કહી શકો કે પરગટ સિંહ થોડા વધુ નસીબદાર હતા. વિદેશના સપનાથી આકર્ષાયેલા બીજા એક પંજાબી એવા પરગટ સિંહની યુ.એસ. જવાની સફર તેમના પરિવારની 3 એકર જમીનમાંથી અડધી અને તેમની માતાના મોટાભાગના દાગીના વેચીને શરૂ થઈ હતી – અને તેનો અંત ભારતમાં તેમના દેશનિકાલ સાથે થયો. તેઓ હથકડીમાં ઘરે પાછા ફર્યા, પણ ઓછામાં ઓછું તેઓ પોતાની વાત કહેવા માટે જીવતા તો રહ્યા.
હવે પંજાબના મોહાલી જિલ્લાના શેખપુરા કલાન ગામમાં રણદીપના ઘરે, ફક્ત સાથરો – પરિવારમાં મૃત્યુ પછી લાદી પર બેસવાની અંતિમવિધિ – તેમની હૃદયદ્રાવક વાર્તાની કરુણ સાક્ષી પૂરે છે. બે રૂમનું નાનકડું ઘર શોક કરનારાઓને સમાવવા માટે પૂરતું નથી, જેઓ તેમના અવશેષો આવવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે જલ્દીથી થાય તેવું લાગતું નથી. કંબોડિયામાં ભારતીય દૂતાવાસે મૃતદેહને ઘરે પાછો મોકલવાના તમામ ખર્ચને આવરી લેવા માટે USD 7,100 (આશરે 6,21,000 રૂપિયા) એડવાન્સ માંગ્યા છે.
આ છ-આંકડામાં રૂપિયા રણદીપના પિતા, 55 વર્ષીય બલવિંદર સિંહ માટે અકલ્પનીય છે. તેઓ દૈનિક મજૂર છે અને જે દિવસે નસીબજોગે કામ મળી રહે તે દિવસે તેઓ 500 રૂપિયા કમાય છે. તેઓ તેમને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, બલવિંદર દરેક મુલાકાતી તરફ એક નાજુક આશા સાથે જુએ છે અને ફક્ત એક જ વાક્ય ધીમેથી બોલે છે. “બોડી લઈ કે આઉન દા દેખો [કૃપા કરીને મૃતદેહ પાછો લાવવા માટે કંઈક કરો].”
ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી અને સંકટના માહોલમાં, 24 વર્ષીય રણદીપ પંજાબમાંથી ભાગી જવા ઈચ્છતો એકમાત્ર યુવક ન હતો. જમીનવિહોણા દલિત પરિવારમાં જન્મેલા રણદીપ, સંપૂર્ણ નિરાશના માહોલમાં ઉછર્યા હતા, જ્યારે ઉપરાઉપરી પાક નિષ્ફળતા, કામની અછત અને આત્મહત્યાના મોજાએ ગ્રામીણ પંજાબને ઘેરી લીધું હતું.










