ભાડાના ઘરના પગથિયા પર બેસીને થોડીક નવરાશની ક્ષણોનો આનંદ માણી રહેલ નૂર (નામ બદલ્યું છે) નિસાસો નાખતા કહે છે, “હું યુવાન હતી ત્યારે સુંદર હતી. પણ હવે મારી પાસે મારી જાતની કાળજી રાખવાનો સમય નથી."
22 વર્ષના હતા ત્યારથી કામ કરી રહેલા નૂરને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકેની તેમની હાલની નોકરી મળી તે પહેલા તેઓએ બાંધકામ સ્થળોએ કાળી મજૂરી કરી છે, ફેક્ટરીમાં કામ કર્યું છે, અને પછીથી ઘરેલુ કામકાજ કરતા શ્રમિક તરીકે કામ કર્યું છે. તેઓ પારીને કહે છે, “દિલ્હી આવી ત્યારથી હું કામ જ કરી રહી છું."
નૂર, રોહિણી સેક્ટર 15 ની હોસ્પિટલમાં નર્સિંગ અને સફાઈના કામોમાં મદદ કરે છે. તેઓ દર્દીઓના રૂમ સાફ કરે છે અને જરૂર પડ્યે ખાવાનું અને પાણી લઈ આવે છે. જો પરિચારિકાઓને પાટા બાંધવામાં અને દર્દીઓની દેખરેખમાં મદદની જરૂર હોય તો નૂર મદદ કરે છે. તેઓ કહે છે, "હું દિવસના લગભગ 12-13 કલાક કામ કરું છું. હું મહિને 11000 રુપિયા કમાઉ છું. દિલ્હી જેવા શહેરમાં ટકી રહેવા માટે આટલી કમાણી પૂરતી નથી. મારે ભાડું ચૂકવવું પડે છે, પાણી અને વીજળી માટે પણ ચૂકવણી કરવી પડે છે." નૂર કહે છે કે આ બધા ખર્ચાઓ મળીને મહિને લગભગ 9600 રુપિયાનો ખર્ચો થાય છે.
2004 માં નૂર પોતાના મૌસી (માસી) અને પતિ સાથે દિલ્હી આવ્યા હતા. માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ તેમના પહેલા બાળકથી ગર્ભવતી હતા. આ પરિવાર કામ અને સારી કમાણીની શોધમાં બિહારના સુલિંદાબાદથી દેશની રાજધાનીના શહેરમાં આવ્યો હતો. નૂર વધુ સારું જીવન ઇચ્છતી હતી.
1991 અને 2001 ની વચ્ચે, દિલ્હી-એનસીટીમાં સ્થળાંતર કરનારાઓની દ્રષ્ટિએ બિહાર બીજા ક્રમે છે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (2024) ના આંકડા દર્શાવે છે કે આમાં કોઈ ફેરફાર થયો નથી. સર્વેક્ષણમાં જણાવાયું છે કે 11 લાખથી વધુ લોકોએ બિહારથી દિલ્હી સ્થળાંતર કર્યું હતું, સ્થળાંતર માટેનું મુખ્ય કારણ રોજગાર હતું.
દિલ્હી પહોંચ્યા પછી નૂરનો પરિવાર કાશ્મીરી ગેટ ખાતેની ઝુગ્ગીઓ (કામચલાઉ રહેણાક) માં સ્થાયી થયો હતો. આ યુવાન, ગર્ભવતી કન્યા (નૂર) ની સૌથી પહેલી નોકરી બાંધકામના સ્થળે શ્રમિક તરીકેની હતી; પછીથી તેમણે સ્વરૂપ નગર ખાતે એક ફેક્ટરીમાં કામ કર્યું હતું.








