ગરીબ નગરની હવામાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે. અને સાથે જ ચારે તરફ દુઃખ અને નિરાશા છવાયેલાં છે.
19 થી 23 મે, 2026ની વચ્ચે ચલાવવામાં આવેલી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશમાં મુંબઈના બાંદ્રા (પૂર્વ) વિસ્તારનાં લગભગ 500 ઝૂંપડાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. આ ઝૂંપડાં દૈનિક મજૂરો અને ઘરકામ કરનારા લોકોનાં ઘર હતાં.
અહીં ચારેબાજુ ફક્ત કાટમાળના ઢગલા જ નજરે પડે છે.
એક તાડપત્રી નીચે આલિયા શેખ, રુખસાર ખાન અફસર, આસમા શેખ અને હીના ખાન એકસાથે બેઠાં છે. દાયકાઓથી જે જગ્યાએ તેમનાં ઘર હતાં, તેની બરાબર સામેની ફૂટપાથ પર તેઓ રાત વિતાવી રહ્યાં છે. આ વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ પરિવારો વસે છે.
17 મેની સાંજે, ગરીબ નગરના રહેવાસીઓને એક નોટિસ મળી, જેમાં જણાવાયું હતું કે બાંદ્રા જંક્શનની આસપાસની તમામ વસાહતોને બે દિવસમાં તોડી પાડવામાં આવશે.
ઈદનો તહેવાર, જે અહીંના મોટાભાગના લોકો ઉજવે છે, તેને હવે ગણતરીના દિવસો જ બાકી હતા. 52 વર્ષીય ગૃહિણી આલિયા આ પત્રકારને સવાલ કરે છે, “ઇન્સાન કી ઇન્સાનિયત કહાં હૈ [માણસની માણસાઈ ક્યાં છે]?” તેમણે પોતાની વહુ અને ત્રણ પૌત્રો માટે જે નવાં કપડાં ખરીદ્યાં હતાં, તે પણ બાકીના સામાન સાથે પોટલામાં બંધાયેલાં પડ્યાં છે.
















