જ્યારે 65 વર્ષીય મુનવ્વર ખાન પોલીસ સ્ટેશને પહોંચ્યા, ત્યારે તેમને અંદરથી તેમના દીકરાની ભયંકર ચીસો સંભળાઈ. લગભગ 15 મિનિટ પછી ચીસો શાંત થઇ ગઈ. ઇઝરાયેલ ખાનના પિતાએ થોડી રાહત અનુભવી એમ વિચારીને કે પોલીસે તેમના પુત્રને મારવાનું બંધ કરી દીધું હશે.
તે દિવસની, ઇઝરાયેલ એક ધાર્મિક સભામાં ભાગ લઈને ભોપાલથી નીકળી ગયા હતા. તેઓ ત્યાંથી લગભગ 200 કિલોમીટર દૂર ગુના ખાતેના તેમના ઘેર પરત ફરી રહ્યા હતા, જ્યાં તેઓ બાંધકામ સ્થળોએ દૈનિક વેતન મજૂર તરીકે કામ કરતા હતા.
તે સાંજે (21 નવેમ્બર, 2022) ના રોજ તેઓ ગુના પહોંચ્યા તો ખરા, પરંતુ તેમના ઘરે નહીં. ગોકુલ સિંહ કા ચોક, વસાહતમાં તેમના ઘરથી લગભગ 8 કિમી દૂર, ચાર પોલીસ અધિકારીઓએ ઇઝરાયેલ જે ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા તેને રોકી અને તેમને પકડીને લઈ ગયા.
તેમનાં મોટી બહેન, 32 વર્ષીય બાનુ કહે છે કે, જ્યારે ઇઝરાયેલની ધરપકડ કરવામાં આવી ત્યારે તે તેમનાં સાસુ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. “આ રીતે અમને ખબર પડી કે તે પોલીસ અટકાયતમાં છે.”
તેમને નજીકના કુશમુડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અહીં જ તેમના પિતા મુનવ્વરે તેમની પીડાથી ભરેલી ચીસો સાંભળી હતી, કારણ કે પોલીસ અધિકારીઓએ તેમને નિર્દયતાથી માર માર્યો હતો.
લગભગ 45 મિનિટ પછી, મુનવ્વરને ખબર પડે છે કે તેમના પુત્રનું ભયાવહ રડવાનો અવાજ એટલા માટે નહોતો શાંત પડ્યો કારણ કે પોલીસે તેમને માર મારવાનો બંધ કરી દીધો હતો, પરંતુ તેને મારી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેમનો પોસ્ટ મોર્ટમ અહેવાલ દર્શાવે છે કે તેઓ કાર્ડિઓરેસ્પિરેટરી ફેલ્યોર (હૃદય અને શ્વાસ બંધ થઈ જવાથી) અને માથામાં થયેલ ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા.
પાછળથી મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોમાં મધ્ય પ્રદેશ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે તે 30 વર્ષીય મુસ્લિમ મજૂરને એટલા માટે અટકાયતમાં લેવામાં આવ્યો હતો કારણ કે તે કેટલાક લોકો સાથે મળીને એક જુગારીને બચાવવાના પ્રયાસમાં હતો, અને પોલીસ સાથે તેમનો મુકાબલો થયો હતો.
પરંતુ તેમનો પરિવાર આ વાતને માનવા તૈયાર નથી. ઇઝરાયેલનાં માતા મુન્ની બાઈ કહે છે, “તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તે મુસ્લિમ હતો.”
ઇઝરાયેલ પોલીસ અટકાયતમાં મૃત્યુ પામ્યા હતા તે હકીકતમાં કોઈ બીજો મત નથી. પણ તેમનું મોત કેવી રીતે નીપજ્યું તેમાં વિવાદ છે.






