પંગારાનું વૃક્ષ (ઇથાઇરીના વેરિએજેટા) સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. નાગાલેન્ડના મોન ગામમાં, તેના અગનજ્વાળા જેવાં લાલચટાક ફૂલો વસંતના આગમનનો એંધાણ આપે છે, અને સાથે જ લઈને આવે છે વાર્ષિક ઉત્સવ ‘ઔ લેંગ’
62 વર્ષના નીલેઈ કોન્યાક અહીં તેમના પૌત્ર સાથે આવ્યાં છે. કોન્યાક સ્ટુડન્ટ યુનિયનના મકાનની ઓસરીમાં બેસીને તેઓ સ્મિત સાથે કહે છે, “અહીં આવીને અને આ બધા કાર્યક્રમો જોઈને હું ખૂબ જ રોમાંચિત છું.” પણ જેની તેઓ સૌથી વધુ રાહ જોઈ રહ્યાં છે, તે છે અહીનું જમણ. ન્યેલેઈ કહે છે, “મને અહીં સૌથી સ્વાદિષ્ટ ભોજન મળશે - ચીકણા ચોખા, માંસ, ચટણી અને ફળો.”
આ ઉજવણીમાં ગીત-સંગીત, નૃત્ય અને પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે, જેમાં કોંગકાઈ હમ અચકમિક (વાંસની ઘોડી પર ચાલવાની સ્પર્ધા), ખમથુત (લાકડાના ઢોલ વગાડવા) અને વન ખનમિક (આગ પ્રગટાવવી) જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
કોન્યાક જનજાતિ દ્વારા ઉજવાતો ઔ લેંગ તહેવાર છ દિવસ સુધી ચાલે છે. માર્ચ-એપ્રિલના વસંતઋતુના મહિનાઓમાં, ‘ઝૂમ' ખેતી માટેનાં નવાં ખેતરોમાં બીજ વાવ્યા પછી, સમુદાય સારો પાક થાય તે માટે દેવતાઓના આશીર્વાદ મેળવવા અને પ્રાર્થના કરવા એકઠો થાય છે. આ વિસ્તારોમાં મુખ્ય પાક ડાંગર છે અને અહીં મોટાભાગે આજે પણ સ્થળાંતરિત ખેતી જ પ્રચલિત છે.
કોન્યાક લોકો આજે પણ તેમના વારસાગત ગ્રામ મુખિયા, જે ‘આંગ' તરીકે ઓળખાય છે, તેમાં ખૂબ શ્રદ્ધા રાખે છે. જોકે, તાજેતરના સમયમાં ચૂંટાયેલા સભ્યોની ગ્રામ પંચાયત પણ કાર્યરત છે. આંગના ઘરની બાજુના મેદાનમાં જ પરિવારો ઔ લેંગની વાર્ષિક ઉજવણી માટે ભેગા થયા છે, જેને સ્થાનિક લોકો ‘ઓયા' કહે છે.


