મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાનાં 42 વર્ષીય સંજીવની બેડગે કહે છે, “સરકારી યોજનાઓ વિષે અમને કેવી રીતે ખબર પડે? અમારા માટેની યોજનાઓ વિષે અમને કોઈ જાણકારી આપતું નથી.” તેઓ તુળજાપુર તાલુકાના જળકોટ ગામનાં એક ખેડૂત છે અને પોતાની નજીવી આવકમાં બે પૈસા ઉમેરવા માટે બીજાંના ખેતરોમાં મજૂરી પણ કરે છે. 2020થી તેઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે – પણ તેમના દરેક પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. સંજીવની કહે છે, “મારા પતિ શંકરે 24 જાન્યુઆરી, 2020ના રોજ — લૉકડાઉન શરૂ થયું એના થોડા દિવસો પહેલાં જ — આત્મહત્યા કરી લીધી હતી. માણસ મરી જાય છે પણ દેવું નથી મરતું. દેવાના બોજને કારણે મારા પતિએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. હવે એ જ બોજ હું દરરોજ મારા માથે લઈને ફરી રહી છું.”
તેમના દિવંગત પતિના પિતા જળકોટમાં પાંચ એકર જમીનના માલિક છે, જેના પર શંકર અને તેમના ત્રણ ભાઈઓ ભેગા મળીને ખેતી કરતા હતા. સંજીવની કહે છે, “અમારું ખેતર વરસાદ પર નિર્ભર છે અને પાણી પુરવઠાની કોઈ વ્યવસ્થા નથી, છતાં પણ અમે વધુ પાણીની જરૂરિયાતવાળા પાક ઉગાડીએ છીએ કારણ કે તેના સારા ભાવ મળે છે. ચોમાસામાં અમે સોયાબીન અને તુવેર અને દિવાળી પછી જુવાર, ઘઉં અને કાળા ચણા વાવીએ છીએ.”
જળકોટમાં એક મુલાકાત દરમિયાન સંજીવનીએ મને જણાવ્યું કે, 2011થી લઈને 2014 સુધી, જુવાર, ઘઉં અને કાળા ચણા જેવા પાકનો ભાવ ક્વિન્ટલદીઠ લગભગ 2,200 રૂપિયા જેટલો મળતો, જ્યારે સોયાબીન અને તુવેરનો ભાવ ક્વિન્ટલદીઠ 5,000 રૂપિયા આસપાસ રહેતો. પરિવારના આખા વર્ષના વપરાશ માટે અનાજ કાઢી લીધા પછી, શિયાળુ પાકમાંથી દરેક અનાજ લગભગ 4 ક્વિન્ટલ જેટલું વેચાણ માટે બચતું, જેમાંથી આશરે 26,400 રૂપિયાની કમાણી થતી. આ ઉપરાંત, સોયાબીન અને તુવેરનાં 5-5 ક્વિન્ટલ વેચવાથી બીજા 50,000 રૂપિયા ઉપજતા. આમ, તેમની કુલ વાર્ષિક આવક લગભગ 76,400 રૂપિયા જેટલી થતી હતી. આ રકમ ચારેય ભાઈઓના પરિવારમાં સરખા ભાગે વહેંચી લેવામાં આવતી હતી.
તેઓ સમજાવે છે, “અમે જે કાચા ઘરમાં [ઘાસના છાપરાવાળું માટીનું મકાન] રહેતાં હતાં તેમાં ઘણી સમસ્યાઓ હતી. ખાસ કરીને ચોમાસામાં – છાપરું ટપકતું, અને અમારાં બાળકો વારંવાર બીમાર પડતાં હતાં. આરોગ્યની સંભાળ ખૂબ જ મોંઘી છે.”








