સોમેશ્વર એકનાથ સલગર સ્નાન કરીને હવે નવેમ્બરના હળવા તડકામાં પોતાના ભીના વાળને ઓળીને પોતાના તંબુની બહાર બેઠા છે. તે ક્ષણભરની ફુરસદ છે — તેમનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થાય છે અને 12-13 કલાક પછી સમાપ્ત થાય છે.
સોમેશ્વર એક ફડકરી (શેરડી કાપનાર) છે અને અહીંની ઘણી ખાંડની ફેક્ટરીઓમાં કામ શોધવા માટે કોલ્હાપુર આવેલા સેંકડો મજૂરો અને તેમના પરિવારોમાંના એક છે. કોલ્હાપુર જિલ્લાના પારગાંવ ભાદોલેમાં વારણા ખાંડની ફેક્ટરીમાં આખા પરિવારોએ તંબુ લગાવ્યા છે જ્યાં તેઓ આગામી ચારથી પાંચ મહિના સુધી રોકાશે અને શેરડી કાપશે.
તેમાંના મોટાભાગના લોકો મરાઠવાડાના બીડ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી મુસાફરી કરીને અહીં આવ્યા છે. સોમેશ્વર ભાઉ પોતાના પરિવાર સાથે બીડ જિલ્લાના મુંગીથી આવ્યા છે. શેરડીના પાકની મહત્તમ સાંદ્રતા ધરાવતા કોલ્હાપુર જિલ્લામાં પહોંચવા માટે તેમણે 650 કિલોમીટરનું અંતર ત્રણ દિવસમાં કાપ્યું હતું.
તેઓ કહે છે, “મારી પત્ની પરિમલા અને અમારા ત્રણ પુત્રો — પ્રમોદ, વિનોદ અને દશરથ અમારી સાથે છે.” તેઓ તેમની સાથે એક ટ્રેક્ટર-ટ્રોલી અને તેમનો સામાન અને આવશ્યક ચીજો લાવ્યા છે. તંબુની અંદર અનાજના કોથળા અને ગેસ સિલિન્ડર છે.
























