28 ફેબ્રુઆરી 2023ના રોજ સાંજના છ વાગ્યા છે. રમણીય ખોલદોડા ગામમાં સૂર્યાસ્ત થતાં જ 35 વર્ષીય રામચંદ્ર દોડકે, આખી રાત જાગવા માટે તૈયાર થઈ જાય છે. તેઓ તેમની લાંબા અંતર સુધી પ્રકાશ ફેંકતી, વધારે તાકાતવાળી ‘કમાન્ડર’ ટોર્ચ તપાસે છે અને તેમની પથારી તૈયાર કરે છે.
તેમના સાધારણ ઘરની અંદર, તેમનાં પત્ની જયશ્રી રાત્રિભોજન માટે દાળ અને મિક્સ સબ્જીની કઢી બનાવે છે. તેમની બાજુમાં, તેમના કાકા 70 વર્ષીય દાદાજી દોડકે પણ રાત્રિ જાગરણની તૈયારીમાં વ્યસ્ત છે. તેમનાં પત્ની, શકુબાઈ ચોખા રાંધે છે અને ચપાતી બનાવે છે. આ ચોખા તેમણે તેમના ખેતરમાં ઉગાડેલા છે અને તેમાંથી એક સુગંધિત સુવાસ આવે છે.
આ 35 વર્ષીય મને કહે છે, “અમે લગભગ તૈયાર છીએ. એકવાર અમારું ભોજન તૈયાર થઈ જાય, એટલે અમે નીકળી જઈશું.” જયશ્રી અને શકુબાઈ અમને ટિફિન પેક કરી આપશે.
રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ માના સમુદાય સાથે સંકળાયેલા દોડકે પરિવારની બે પેઢી — દાદાજી અને રામચંદ્ર આજે મારા યજમાન છે. દાદાજી કીર્તનકાર છે, બાબાસાહેબ આંબેડકરના નિષ્ઠાવાન અનુયાયી છે અને પોતે ખેડૂત પણ છે; રામચંદ્ર એ દાદાજીના મોટા ભાઈ બીકાજીનો દીકરો છે. બીકાજી હવે બીમાર રહેતા હોવાથી ખેતી કરી શકતા ન હોવાથી, તેમના પરિવારની પાંચ એકર જમીન રામચંદ્ર જ સંભાળે છે. બીકાજી એક સમયે ગામના ‘પોલીસ પાટીલ’ હતા, જે એક મુખ્ય હોદ્દો હતો જેમનું કામ ગ્રામ જનો અને પોલીસ વચ્ચે વાટાઘાટ કરાવવાનું હતું.
અમે નાગપુર જિલ્લાના ભીવાપુર તાલુકામાં ગામથી બે માઈલ દૂર આવેલા રામચંદ્રના ખેતરમાં જવાની તૈયારી કરી રહ્યા છીએ, જેને તેઓ જાગલી અથવા રાત્રિ જાગરણ કહે છે, જેમાં તેઓ જંગલી પ્રાણીઓથી તેમના ઊભા પાકની રક્ષા કરવા માટે આખી રાત જાગે છે. રામચંદ્રનો મોટો દીકરો નવ વર્ષીય આશુતોષ પણ અમારા સાત જણના સમૂહમાં શામેલ છે.


























