લાકડાના કોતરકામના પોતાના બે દાયકાના અનુભવમાં, બલબીર વિશ્વકર્માએ સાત મંદિરો બનાવ્યાં છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં મંદિર-નિર્માણ વિશે એવું ભાગ્યે જ કંઈ હશે જે તેઓ જાણતા ન હોય.
દેવદારના હુંફાળા લાકડા પર પોતાની હથોડી અને છીણી મૂકીને, પારી સાથે વાત કરવા માટે થોભીને બલબીર કહે છે, “યે હમારા ખાનદાની કામ હૈ, બાપ દાદા કે ટાઈમ સે [આ અમારું ખાનદાની કામ છે, બાપ-દાદાના સમયથી ચાલ્યું આવે છે].”
અમે જૌનસર વિસ્તારમાં છીએ. સવારનો હુંફાળો તડકો પર્વતમાળાઓની ઉપર ચડીને મહાસુ દેવતાને સમર્પિત મંદિરનાં શિખરોને અજવાળી રહ્યો છે. જ્યારે પારીએ 2025ના અંતમાં મુલાકાત લીધી ત્યારે તે નિર્માણાધીન હતું.
આખા માળખા પર એક નજર ફેરવતાં બલબીર અમને સમજાવે છે, “મંદિર બનાને કી શુરુઆત હમેશા નીચે સે હોતી. પહેલે બેસ બનેગા ફિર ઉપર કા. સબસે જરૂરી હૈ પિલર જિસપે ઢાંચા ખડા હોગા [મંદિર બનાવવાની શરૂઆત હંમેશાં નીચેથી થાય છે. પહેલાં પાયો બનશે અને પછી ઉપરનો ભાગ. સૌથી મહત્ત્વના થાંભલા છે, જેના પર આ આખું માળખું ઊભું રહેશે].”
આ કુશળ કારીગર યાદ કરતાં કહે છે કે એક જ મંદિર બનાવવામાં સૌથી વધુ સમય થાઈણા ગામમાં લાગ્યો હતો. જેમાં લગભગ નવ વર્ષ થયાં હતાં. કારણ કે તેમાં ઘણી સજાવટો લગાવેલી હતી. નાનાં મંદિરો એક-બે વર્ષમાં જ પૂરાં થઈ જાય છે.























