મુન્નાલાલ કુરમી કહે છે, “અમે અહીંથી હટવા તૈયાર નથી. અમે જઈશું ક્યાં? અમે ઘરવિહોણા લોકોની જેમ ભટકતા થઈ જઈશું.” તેઓ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના સરસેલા રાયત ગામના એક ખેડૂત છે. તેમનું ગામ એ 93 ગામોમાંનું એક છે જે ભારતના 53મા ટાઈગર રિઝર્વ – વીરાંગના દુર્ગાવતી (VDTR)માં ભળી જવાની તૈયારીમાં છે. વળી તેમાં નવો ઉમેરો એ છે કે: અહીં ગમે ત્યારે ચિત્તાઓને પણ લાવવામાં આવે તેવી શક્યતા છે.
વાઘના વસવાટ માટે સમર્પિત 58 ઉદ્યાનોમાં VDTR સૌથી નવું છે; ચિત્તાઓને ત્રણ ઉદ્યાનોમાં રહેવાની સુવિધા છે. આ અભયારણ્યો સંપૂર્ણ સુરક્ષિત વિસ્તારો છે – પણ માત્ર જંગલી પ્રાણીઓ માટે જ.
આજે લગભગ 80,000 ચોરસ કિલોમીટર અથવા ભારતના જંગલ વિસ્તારના લગભગ 10 ટકા હિસ્સાને આવરી લેતાં આ અભયારણ્યો બનાવવા માટે કુલ 257 ગામોને તેમનાં ઘરોમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યાં છે. આ માહિતી કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી દુર્ગાદાસ ઈકેએ ડિસેમ્બર 2025માં લોકસભામાં આપી હતી. આ સિવાય, અભયારણ્યની અંદર આવેલાં અન્ય 730 ગામો પણ હવે ત્યાંથી બહાર કઢાવવાની કતારમાં છે.
દમોહનું ડબા ગામ પણ આ નવા અભયારણ્યમાં સમાઈ જવાનું છે. નૌરાદેહી અભયારણ્યના કિનારે આવેલા આ ગામનાં રાધારાણી ગોંડ પૂછે છે, “અમે ક્યાં રહીશું? શું ખાઈશું?”. શિયાળાના હુંફાળા તડકામાં પોતાના આંગણામાં બેસીને ઘઉંના ઢગલામાં હાથ ફેરવતાં આ 75 વર્ષીય વૃદ્ધા સ્પષ્ટપણે પરેશાન દેખાય છે.
આ અભયારણ્યોનો પાયો ‘ફોર્ટ્રેસ કન્ઝર્વેશન’ (કિલ્લેબંધી સંરક્ષણ)ની વિચારધારા પર આધારિત છે – જે વન્યજીવો માટે એવા સંરક્ષિત વિસ્તારો છે જ્યાં બીજા કોઈને પ્રવેશ નથી. પર્યાવરણવિદો નિર્દેશ કરે છે કે આ એક સરળતાથી માની લેવાયેલી પણ અધૂરી વાત પર આધારિત છે કે વાઘ અને માણસો એકસાથે રહી શકતા નથી. હકીકત એ છે કે ભારતના જંગલવાસી સમુદાયો હંમેશાં જંગલી પ્રાણીઓની નજીક રહેતા આવ્યા છે. જનકાબાઈ કહે છે, “જંગલ અને જાનવરોની સંભાળ અમે જ તો રાખીએ છીએ. તેઓ અમને બહાર કાઢી રહ્યા છે, અને અહીં પ્રવાસીઓ માટે ગેસ્ટ હાઉસ બનાવશે.” 2015માં વિસ્તરી રહેલા પન્ના વાઘ અભયારણ્યમાં તેમનું ઉમરાવન ગામ સમાઈ ગયું હતું.























