“અહીં એક મોટું સખુગા ગાચ (વૃક્ષ) હતું. હિજલા ગામ અને તેની આસપાસના લોકો આ સ્થળે ભેગા થતા અને બેસી [બેઠક] યોજતા. જ્યારે અંગ્રેજોએ આ રોજિંદા મેળાવડા જોયા, ત્યારે તેઓએ વૃક્ષ કાપવાનું નક્કી કર્યું. તેનું લોહી [વૃક્ષ કાપવાથી નીકળતું પ્રવાહી] ટપક્યું. અને પછી વૃક્ષનું થડ પથ્થરમાં ફેરવાઈ ગયું.”
ઝારખંડના દુમકા જિલ્લામાં જ્યાં આ વૃક્ષ ઊભું હતું ત્યાં બેસીને રાજેન્દ્ર બાસ્કી આ સદીઓ જૂની વાર્તા વર્ણવી રહ્યા છે. 30 વર્ષીય રાજેન્દ્ર કહે છે, “તે વૃક્ષનું થડ હવે દેવતા મરાંગ બુરુની પૂજા માટેનું પવિત્ર સ્થળ બની ગયું છે. સંતાલ (જેને સંથાલ પણ કહેવાય છે) આદિવાસીઓ ઝારખંડ, બિહાર અને બંગાળથી પ્રાર્થના કરવા માટે આ સ્થળની મુલાકાત લે છે.” બાસ્કી, એક ખેડૂત છે અને મરાંગ બુરુના હાલના નાયકી (પૂજારી) છે.
હિજલા ગામ દુમકા શહેરની બહાર સંતાલ પરગણા વિભાગમાં આવેલું છે અને 2011ની વસ્તી ગણતરી અનુસાર તેની વસ્તી 640 લોકોની છે. સુપ્રસિદ્ધ સંતાલ હુલ − બ્રિટિશ વહીવટીતંત્ર સામે સંતાલોનો બળવો − 30 જૂન, 1855ના રોજ હિઝલાથી આશરે સો કિલોમીટર દૂર ભગનાડીહ ગામ (જેને ભોગનાડીહ તરીકે પણ ઓળખવામાં આવે છે) ના સિડો અને કાન્હુ મુર્મુના નેતૃત્વમાં શરૂ થયો હતો.










