રુઝલુક સુ યારસુ થઈ ગોવ બહનાય આંથે આંથે, એક દમ ઓ પશ થઈ ગોવ હમલાઈ આંથે આંથે…
તે આવ્યો અને બહાના બનાવીને ચાલ્યો ગયો, તેણે મને જોઈ અને ચાલ્યો ગયો
મિત્ર બહાના બનાવીને મને છોડી ગયો, તેણે મને જોઈ અને ચાલ્યો ગયો.



રુઝલુક સુ યારસુ થઈ ગોવ બહનાય આંથે આંથે, એક દમ ઓ પશ થઈ ગોવ હમલાઈ આંથે આંથે…
તે આવ્યો અને બહાના બનાવીને ચાલ્યો ગયો, તેણે મને જોઈ અને ચાલ્યો ગયો
મિત્ર બહાના બનાવીને મને છોડી ગયો, તેણે મને જોઈ અને ચાલ્યો ગયો.
ફરીદ અહમદ લોન કિશનગંગા નદી પર નજર સ્થિર કરીને જમ્મુ-કાશ્મીરના દર્દ-શિન સમુદાયના પ્રખ્યાત કવિ ગુલામ રસૂલ મુશ્તાકની કવિતાની એક કડીનું હળવેથી પઠન કરે છે.
કિનારા પર બેઠેલા અમે જોઈ શકીએ છીએ કે બરફની નાની નાની શીટ્સ વહી જાય છે ત્યારે પાતળી શીટ્સ એકઠી થવા લાગી છે. નદી હજુ થીજી ગઈ નથી, પણ તે બદલાઈ રહી છે. ઋતુ બદલાઈ રહી છે.
થોડા મીટર દૂર સ્થાનિક મહિલાઓ લાકડાના ભારા અને ઘાસની ગંજીઓ ઉપાડે છે, જેમાંથી કેટલાકનું વજન 25-30 કિલોથી વધુ છે. બીજી એક મહિલા તેમના શિયાળાના પરંપરાગત ચૂલા, દાન માટે બળતણ તરીકે સાચવવા ગાયના છાણથી ભરેલું ટબ લઈ જાય છે. અમારી આસપાસ ધીમે ધીમે પોતાના ઘર તરફ જઈ રહેલા ગુરેઝ ખીણની મુલાકાતે આવેલા પ્રવાસીઓ છે.
ફરીદ મોસમી પરિવર્તનના સંકેતો દર્શાવે છે, જે ફક્ત નદીમાં જ નહીં પરંતુ ગુરેઝ તેના શિયાળા માટે જે રીતે તૈયાર થાય છે તેમાં પણ જોઈ શકાય છે. દર્દ-શિન સમુદાયના સભ્ય ફરીદ કહે છે કે તેમના સમુદાયના મોટાભાગના લોકો ગુરેઝ ખીણમાં રહે છે, જે (2011 ની વસ્તીગણતરી પ્રમાણે) 37992 દર્દિક લોકોનું ઘર છે.

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat
ઓક્ટોબરની આસપાસ શિયાળો શરૂ થતાં જ આ ખીણ બરફથી ઢંકાઈ જાય છે. 68 વર્ષના ફરીદ કહે છે, "માત્ર વૃદ્ધો જ ગામમાં રહે છે." બરફના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું લગભગ અશક્ય બની જાય છે. "જે લોકો ગામમાં રહે છે તેઓ મોટાભાગે ઘરની અંદર જ રહે છે."
ક્યારેક ખીણના કેટલાક ભાગોમાં 15 ફૂટ સુધી બરફ પડે છે અને ખીણના એ ભાગો છ મહિના સુધી રાજ્યના બાકીના ભાગથી કપાયેલ રહે છે, જેના કારણે લગભગ 80 ટકા વસ્તીને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોર્ટિકલચર (બાગાયત વિભાગ) ના આ નિવૃત્ત વરિષ્ઠ ટેકનિશિયન કહે છે, "કેટલાક કાશ્મીરના બીજા ભાગોમાં સ્થળાંતર કરે છે. બીજા લોકો મજૂરી કામ માટે હિમાચલ પ્રદેશ અથવા પંજાબ જેવા રાજ્યોમાં જાય છે." જે લોકો કાશ્મીરમાં રહે છે તેઓ ઘણીવાર શ્રીનગરમાં નાની હોટલોમાં અથવા હેરિસ્સાની દુકાનોમાં રસોઇયાઓ સાથે કામ કરે છે. (વાંચો: શ્રીનગરમાં પીરસાતું ગરમાગરમ હેરિસ્સા)
હાડ થીજાવી દે તેવો શિયાળો અને ભારે હવામાન સતત પડકારરૂપ છે. 2017 માં 25 મી જાન્યુઆરીએ ગુરેઝ પર ચાર હિમપ્રપાત થયા હતા, જેમાં દાવરમાં ફરીદના ઘરથી લગભગ 26 કિલોમીટર દૂર માઝગુંડ નીરુમાં 20 સૈનિકો અને ચાર નાગરિકો માર્યા ગયા હતા.
તેમને એ સમય યાદ છે જ્યારે ગુરેઝમાં પ્રાથમિક તબીબી સહાય મેળવવી પણ મુશ્કેલ હતી. 1970 ના દાયકાની શરૂઆતમાં નજીકના મર્કૂટ ગામના એક મૌલવી સાહબ (ઇસ્લામિક ઉપદેશક) શિયાળામાં બીમાર પડી ગયા હતા. બરફ 12 થી 15 ફૂટ ઊંડો હતો. "લોગ ઉનકો ચારપાઈ પે લે ગયે [લોકો તેમને ખાટલા પર લઈ ગયા હતા]." લગભગ 86 કિમી દૂર બાંડીપૂરમાં હોસ્પિટલ પહોંચતા બે દિવસ લાગ્યા હતા.
બીજા એક કિસ્સામાં એક ઉસ્તાદ મોહતરમની [આદરણીય શિક્ષકની] દીકરીને મુશ્કેલ ગર્ભાવસ્થા હતી. તે સમયે કોઈ નાગરિક હેલિકોપ્ટર નહોતા, અને બાળજન્મ માટે તેને હોસ્પિટલ લઈ જવા માટે એક લાખ રુપિયાથી વધુ ખર્ચ થાય તેમ હતું. ભારતીય સેના મદદ માટે આગળ આવી. "આર્મી ને સદભાવના કે ઝરિયે મદદ દેના શુરુ કિયા [સેનાએ તેમના ઓપરેશન સદભાવનાના ભાગ રૂપે મદદ કરી]."
આજે પરિસ્થિતિ સુધરી હોવા છતાં જમ્મુ-કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ આ સમુદાય કટોકટી દરમિયાન સ્થળાંતર માટે હજી પણ સેનાપર આધાર રાખે છે. અને ગર્ભાવસ્થા અને બાળજન્મ એકસમસ્યારહેછે.

Muzamil Bhat

Muzamil Bhat
ભારત અને પાકિસ્તાન વચ્ચેની લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી - નિયંત્રણ રેખા) નજીક છે, અને તેથી તેમના સમુદાય માટે મોસમી સ્થળાંતર ઉપરાંત સીમા પારથી ગોળીબાર એ ગંભીર ચિંતાનો વિષય છે.
કેમ્પની આસપાસ ચાલતા ચાલતા ફરીદ અચાનક અટકી જાય છે. તેઓ કહે છે, "આ રસ્તાની છબી મારા મનમાં હજી તાજી છે." રસ્તાના બીજા છેડા તરફ ઈશારો કરીને તેઓ કહે છે, "2005 ની વાત છે, મારા ગામના એક બાપ-દીકરો તેમના ઘેટાં ચરાવી રહ્યા હતા. ગામમાં પ્રવેશવા માટે તેઓ આ પુલ પરથી પસાર થવાના હતા."
ફરીદ યાદ કરે છે, "બાપ પીછે પીછે બેટા આગે આગે [પિતા પાછળ હતા અને દીકરો આગળ]." ફરીદ તે સમયે નજીકની મસ્જિદમાં હતા અને તેમને દૂરથી જોઈ શકતા હતા. ફરીદે તેમના પર બોમ્બ પડતા જોયો. તેઓ કહે છે કે પરંતુ તે પરિવાર માટેની દુઃખદ ઘટના ત્યાં પૂરી થઈ ન હતી. તે જ દિવસે આર્મી કેમ્પની નજીક પરીક્ષા આપવા જવા માટે પોતાના ઘરની બહાર નીકળેલી તે પરિવારની એક છોકરી આડેધડ કરાયેલા ગોળીબારમાં મૃત્યુ પામી હતી.
પારી સાથે વાત કરતી વખતે તેમનો અવાજ ધ્રૂજે છે, “એક હી દિન મેં ઘર સે એક કા લડકા ગયા એક કી લડકી ગઈ [તે જ દિવસે પરિવારમાંથી એકે પોતાનો દીકરો ગુમાવ્યો અને બીજાએ પોતાની દીકરી ગુમાવી].” ગોળીબારમાં 20-25 માનવ જાનહાનિ થઈ હતી, અને ઘણા પશુધન પણ મૃત્યુ પામ્યા હતા.
બીજા એક કિસ્સામાં, તોપમારાથી તુલૈલ બજારની નજીક ઉભેલી એક બસમાં આગ લાગી જતાં આખું બજાર નાશ પામ્યું હતું. તેઓ કહે છે કે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. તે દિવસોમાં મોટાભાગની ઇમારતો લાકડાની બનેલી હતી.
ફરીદ પૂછે છે, "કોઈ અહીં મરવાનું કેમ પસંદ કરે? આવી જગ્યાએ કોણ રહે?" હવે તેઓ તેમની પત્ની, ચાર દીકરા અને ત્રણ દીકરીઓ સાથે દાવરમાં રહે છે, જે જાણીતી તુલૈલ ખીણમાં જતાં પહેલાંનું છેલ્લું બજાર છે.

Muzamil Bhat

Muzamil Bhat
પહેલાં પણ, ગુરેઝમાં કમાણીની ઝાઝી તકો નહોતી."લોકો ઢોર ચરાવીને અથવા સેના સાથે કુલી તરીકે કામ કરીને આજીવિકા રળતા." દરેક પાસે ઘોડા હતા, અને તેઓ કહે છે, "મુલાઝમાત બિલકુલ કમ થી [રોજગારીની તકો સાવ ઓછી હતી]." ઘણા લોકો આ સમુદાયની પરંપરાગત કલા પટ્ટુ વણાટમાં સામેલ હતા. વાંચો: પટ્ટુ વણાટની ઘસાતી જતી કોર
જ્યારે લોકો આ ખીણના બીજા ભાગોમાં ગયા ત્યારે તેમને સારી નોકરીઓ, સારું શિક્ષણ અને સારી આરોગ્યસંભાળ મળી. ફરીદ સમજાવે છે કે, તેથી જ લોકો બાંડીપૂર, કંગન, ગન્દરબલ અને ડાઉનટાઉન શ્રીનગરમાં સ્થાયી થવા લાગ્યા.
જેમ જેમ વધુ લોકો બહાર જતા રહ્યા છે તેમ તેમ તેમની માતૃભાષામાં બોલવું મુશ્કેલ બન્યું છે. જ્યારે દર્દ-શિન લોકો પુરવઠો ખરીદવા બાંડીપૂર જાય છે ત્યારે ઘણા લોકો બીજા કાશ્મીરીઓની સામે શિનામાં બોલતા નથી. "એક કોમ્લેક્સ હોતા હૈ. શાયદ હમ અલગ હૈં [અમને મનમાં એક પ્રકારની (લઘુતા) ગ્રંથિ બંધાય છે. કદાચ અમે અલગ છીએ]."
હંમેશા આવું નહોતું. ફરીદ કહે છે, “જ્યારે હું નાનો હતો ત્યારે હું બધાને શિનામાં વાતો કરતા જોતો. પરંતુ હવે જ્યારે પણ હું બજારમાં જાઉં છું ત્યારે હું અમારા સમુદાયના યુવાનોને ઉર્દૂ, હિન્દી, કાશ્મીરી અને ક્યારેક અંગ્રેજીમાં વાત કરતા જોઉં છું."
શિના ઇન્ડો-આર્યન (હિન્દ-આર્ય) ભાષા પરિવારની એક દર્દિક ભાષા છે. યુનેસ્કો દ્વારા તેને લુપ્તપ્રાય ભાષા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી નથી, તેમ છતાં તે બોલનારાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. હવે તેને સંવેદનશીલ ભાષા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
છેલ્લા 40 વર્ષથી ફરીદ હબ્બા ખાતૂન કલ્ચરલ ગ્રુપના સભ્ય તરીકે પોતાની માતૃભાષાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જૂથ તેમના સમુદાયની ભાષા અને સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવા માટે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે, આ જૂથને ગુરેઝના સ્થાનિકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને પ્રસંગોપાત તેમની રજૂઆત માટે ચૂકવણી કરવામાં આવે છે.

Muzamil Bhat

Muzamil Bhat
પસાર થતા દરેક દિવસ સાથે આ પ્રયાસને ટકાવી રાખવો મુશ્કેલ બની રહ્યો છે. અહીંના લગભગ બધા બાળકો ગુરેઝની બહાર અભ્યાસ કરે છે, તેથી શીખવા માટે કોઈ નથી. તેઓ કહે છે, "શાળાઓમાં સવારની પ્રાર્થના, પુસ્તકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજીમાં હોય છે. અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન જ્યારે હું શાળાઓમાં શિનામાં ગીતો ગાઉં છું ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને ગીતોનો અર્થ સમજવામાં મુશ્કેલી પડે છે."
પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે યોજાતા કાર્યક્રમો જેવા મુખ્ય કાર્યક્રમો કાશ્મીરી અને ઉર્દૂમાં યોજવામાં આવે છે. તેઓ ઉમેરે છે, "પરંતુ હવે અમારા જૂથે તે માનસિકતા બદલી છે અને આ કાર્યક્રમો અમારી માતૃભાષામાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં લોકગીતો, કવિતાઓનું પઠન શામેલ હોય છે."
*****
તારિક પરવેઝ લોન તેમના 10 મા ધોરણના વિદ્યાર્થીઓનેપૂછે છે, "તમને ખબર છે ચોક શું છે?" વિદ્યાર્થીઓ મૂંઝવણમાં તેમની સામે જોઈ રહે છે. ગવર્મેન્ટ હાઇસ્કૂલ વનપોરનો એક જિજ્ઞાસુ વિદ્યાર્થી પૂછે છે, "સાહેબ, તે શું છે? તે કેવું દેખાય છે?" મુખ્ય શિક્ષક બોર્ડ પર એક અજાણી વસ્તુ દોરવાનું શરૂ કરે છે અને તેમના વિદ્યાર્થીઓને કહે છે, "તે એક લૂમ છે. આપણા વડીલો તેનો ઉપયોગ ઊનના કપડાં બનાવવા માટે કરતા હતા."
તારિક આ કસરત ચાલુ રાખતા પાટિયા પર એક ભમરડો દોરે છે. તેઓ તેમના વિદ્યાર્થીઓને પૂછે છે, "આને આપણે શિનામાં શું કહીએ છીએ?" એક બાળક તેને 'લટ્ટુ' કહે છે, જે ભમરડા માટેનો કાશ્મીરી શબ્દ છે. તારિક જવાબ આપે ત્યાં સુધી વર્ગમાં મૌન છવાયેલું રહે છે, "તેને થુરકૈતી કહે છે."
તેમણે આ કસરત ચાલુ રાખી હતી અને 30 વિદ્યાર્થીઓના વર્ગમાં ફક્ત એક જ વિદ્યાર્થી વસ્તુઓને તેમની માતૃભાષા શિનામાં તેમના નામથી ઓળખી શક્યો હતો. તારિક કહે છે, "આવા તો ઘણા બધા શબ્દો છે જે આપણી રોજિંદા બોલીમાંથી ગાયબ થઈ ગયા છે કારણ કે આપણે બીજી ભાષાઓ સાથે અનુકૂલન સાધી લીધું છે."

Muzamil Bhat
ગુરેઝના બાળકો જ્યારે પોતાનું ઘર છોડે છે ત્યારે તેઓ શાળાઓમાં રોજબરોજની વાતચીત માટે ઉર્દૂ અને કાશ્મીરી જેવી બીજી ભાષાઓ પસંદ કરે છે. (આ બે ભાષાઓ) ઉપરાંત મોટાભાગના બાળકો હિન્દી અને અંગ્રેજી શીખે છે.
તારિક કહે છે, “જે બાળક વર્ષના 12 મહિના ગુરેઝમાં રહે છે તેને આ ભાષા બોલવામાં ક્યારેય કોઈ મુશ્કેલી પડતી નથી.” પરંતુ કામ, અભ્યાસ અથવા આરોગ્યની સમસ્યાઓ અને આબોહવાની સમસ્યાઓને કારણે સ્થળાંતર કરતા બીજા લોકોને ઘણીવાર તેમની માતૃભાષા સરળતાથી અને સ્પષ્ટ રીતે બોલવામાં મુશ્કેલી પડે છે.
તારિકની વાત સાંભળીને તેમના સાથી શિક્ષક તરત જ વાતચીતમાં જોડાઈને કહે છે, "મારી નાની દીકરી જાતે ઉર્દૂ શીખી ગઈ છે, ફોન દેખ દેખ કર [ફોન પર (વીડિયો) જોઈ-જોઈને]." આ શિક્ષિકાએ તેને તે ભાષા શીખવી નથી. પરંતુ જ્યારે તેમણે તેને શિના શીખવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે નાની દીકરીએ ખાસ રસ દાખવ્યો નહીં. છેલ્લા એક વર્ષમાં તે ધીમે ધીમે શિના ભાષા શીખવા લાગી છે. તેમની મોટી દીકરી શિના બોલે છે કારણ કે તે એવી શાળામાં જવા માંડી છે જ્યાં તેમને તેમની માતૃભાષામાં શીખવવામાં આવે છે.
તારિકને લાગે છે કે ભાષાને ઘરમાં અને બજારમાં બોલવી એ જ તેને જીવંત રાખવાનો એકમાત્ર રસ્તો છે. તેઓ કહે છે કે તેઓ કાશ્મીરી અને ઉર્દૂ શીખવાની વિરુદ્ધ નથી કારણ કે બાળકો ગુરેઝની બહાર જાય અને કાશ્મીરના બીજા ભાગોના બાળકો સાથે જોડાય ત્યારે તે મદદરૂપ થશે, તેઓ ઉમેરે છે, "પરંતુ આપણી ભાષા ભૂલી જવી એ આપણી ઓળખ ભૂલી જવા જેવું છે."
પરંતુ આ સમુદાયના ઘણા વિદ્યાર્થીઓ તેમની દર્દિક ઓળખ જાહેર કરવામાં અસુરક્ષિતતા અનુભવે છે કારણ કે તેમને ડર છે કે તેમને "દર્દે" (સમુદાય માટે ક્યારેક અપમાનજનક રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ) કહેવામાં આવશે.

Muzamil Bhat

Muzamil Bhat
*****
ગુરેઝ ખીણ એક સમયે કાશ્મીરના લોકો માટે સિલ્ક રોડ હતો, તેઓ વેપાર અને યાત્રા માટે બાંડીપૂરથી ગુરેઝ થઈને ગિલગિત જતા હતા. હજ યાત્રીઓ દ્વારા પણ આ માર્ગનો ઉપયોગ થતો હતો.
ગુરેઝ અને દ્રાસમાં દર્દ-શિન જનજાતિના અનોખા સાંસ્કૃતિક અને ભાષાકીય મૂળ છે જે છેક દર્દિસ્તાન સુધી પહોંચે છે, દર્દિસ્તાન એક સમયે કાશ્મીર ખીણથી ગિલગિત અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલો ઐતિહાસિક પ્રદેશ હતો. મસૂદ અલ હસન સામૂન કહે છે કે કાશ્મીરીઓ અને દર્દ સમુદાય વચ્ચેનો સંબંધ 1947 ના ભાગલા કરતાં પણ વધુ જૂનો છે. જમ્મુ-કાશ્મીર સરકારના 73 વર્ષના ભૂતપૂર્વ શિક્ષણ નિયામક કહે છે, "પાર્ટિશન તો કલ કી બાત હૈ [ભાગલા તો હજી ગઈ કાલની વાત છે]. દર્દ સમુદાય સદીઓથી જમ્મુ-કાશ્મીરમાં રહે છે."
12 મી સદીના કાશ્મીરી ઇતિહાસકાર કલ્હાના કાશ્મીરના રાજાઓની સંસ્કૃત કાવ્યાત્મક તવારીખ રાજતરંગિનીમાં ગુરેઝના દર્દ સમુદાયનો ઉલ્લેખ કરે છે. મસૂદ કહે છે કે ગુરેઝના રાજાઓ અને ખીણના શાસકો વચ્ચે ઘણીવાર યુદ્ધ થતા, અને દર્દ સમુદાય અને રાજા હર્ષ (ભારતના હર્ષવર્ધન સાથે ગેરસમજ ન કરવી) વચ્ચે દુદકાથ પર્વત પર એક નોંધપાત્ર યુદ્ધ થયું હતું.
પોતાની કોઈ અનોખી લિપિ ન હોવાથી આ ભાષા મૌખિક પરંપરાઓ, લોકકથાઓ અને લોકગીતો દ્વારા ટકી રહી છે. પરંતુ દાયકાઓથી ચાલી રહેલા મોસમી સ્થળાંતર, સરહદ પારથી ગોળીબાર અને આ પ્રદેશમાં ચાલતી રહેતી રાજકીય અને સાંસ્કૃતિક ઉથલપાથલ આ સમુદાયને તેમની માતૃભાષાથી વધુ દૂર ધકેલતા રહે છે.
"તમે શ્રીનગર જાઓ અને 50 ઘરોમાંથી ફક્ત એક જ ઘરમાં શિના બોલાતી હોય તો આ ભાષા ટકશે શી રીતે?" તેમના સમુદાયના બાળકો બીજા બાળકો સાથે કાશ્મીરી અથવા બીજી સામાન્ય ભાષાઓમાં વાત કરશે. તેઓ કહે છે કે કદાચ હજી એક પેઢી માતૃભાષા બોલશે પરંતુ બીજી પેઢી માટે તે મરી જશે.
મસૂદ હાલમાં એકીકૃત શિના લિપિ તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે અને તેઓ ઉત્તર કાશ્મીરના બાંડીપૂર વિસ્તારમાં રહે છે. "શિના માટે અત્યાર સુધી બે લિપિ તૈયાર કરવામાં આવી હતી, એક જ્યોર્જ અબ્રાહમ ગ્રિયરસનની હતી, જે રોમનમાં લખવામાં આવી હતી, અને બીજી હતી પાકિસ્તાનમાં ગિલગિતના જિલ્લા શિક્ષણ અધિકારી ડો. શુજા નામુસ દ્વારા ઉર્દૂમાં નાસ્તલિક લિપિનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ગિલગિત ઔર શિના ઝબાન."
બંને કિસ્સાઓમાં દસ્તાવેજીકરણ તેમના સંશોધન પૂરતું મર્યાદિત હતું. ગ્રિયરસન કે ડો. નામુસ બંને મૂળ શિના બોલનારા નહોતા. ધ્વનિશાસ્ત્ર સંબંધિત ઘણી વિગતો સચોટ રીતે મેળવી શકાઈ નહોતી.
મસૂદ કહે છે કે શિનામાં ચાર અનોખા વ્યંજન ધ્વનિ છે, “જો દાયેં-બાયેં કી કિસી લેંગ્વેજ મેં નહીં હૈ [જે પડોશી ભાષાઓમાં નથી], ઉર્દૂ કે ફારસીની વાત તો જવા દો, કાશ્મીરીમાં પણ તે નથી.” તેથી, અનોખા ડાયાક્રિટિક્સની જરૂર હતી, પરંતુ કોઈ સફળ થયું નહીં. તેઓ વધુમાં ઉમેરે છે કે પાછળથી કમ્યુટર્સની શરૂઆત જ થઈ હતી એવા સમયે પાકિસ્તાનની કારાકોરમ યુનિવર્સિટીનાપ્રોફેસર મોહમ્મદ અમીન ઝિયાએ વ્યાકરણ અને તેના નિયમો લખ્યા. પરંતુ તેમાં પણ લિપિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નહોતું.
તારિક મસૂદ સાથે સંમત થાય છે અને કહે છે, “જો કોઈ લિપિ જ ન હોય તો આપણે ભાષા કેવી રીતે લખીએ અને શીખવીએ?" તેઓ ઉમેરે છે, "શિના વ્યાકરણ પરનું પુસ્તક પ્રકાશિત થયા પછી સમુદાયના ઘણા સભ્યોએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું, પરંતુ તે ચાલ્યું નહીં."
ફરીદ એમ પણ કહે છે, “યોગ્ય લિપિ હશે તો તેનાથી મદદ મળશે કારણ કે મોટાભાગનું શિના સાહિત્ય હજી પણ ઉર્દૂમાં લખાય છે.” નવી લિપિ રજૂ કરવામાં આવશે તો તે બાળકોને તેમની માતૃભાષાની નજીક લાવશે. તેઓ કહે છે, “જ્યારે આપણા બાળકો કાશ્મીરથી રશિયા અને જર્મની જેવા અન્ય દેશોમાં જાય છે ત્યારે આપણે તેમને તે વિદેશી ભાષાઓ શીખવતા નથી, ખરું ને? તેઓ ત્યાં શીખી લે છે.”

Muzamil Bhat

Muzamil Bhat
મસૂદ ભારપૂર્વક જણાવે છે કે સાહિત્ય ભાષાઓને જીવંત રાખતું એક મૂળભૂત પરિબળ છે. તેઓ કાશ્મીરી સાહિત્યની લલ દેદ અને શેખ-ઉલ-આલમ (જેને નુંદ ઋષિ તરીકે પણ ઓળખવામાં આવે છે) ની કવિતાઓ અને મધ્યયુગ અને આધુનિક યુગના બીજા ઘણા કવિઓની કવિતા તરફ ધ્યાન દોરે છે. તેઓ કહે છે કે આજે પણ કાશ્મીરીમાં ઘણું ગદ્ય અને ઘણી કવિતાઓ રચાય છે, જે ભવિષ્યમાં ભાષાને જીવંત રાખવા માટેનું એક સાધન બની રહેશે, "પરંતુ શિના માટે આપણે એવું કહી શકીએ નહીં."
શિના માટે એક અનોખી લિપિ બનાવવાની મસૂદની સફર 1975 માં, જ્યારે તેમની પાસે કાશ્મીર યુનિવર્સિટીમાં પૂર્ણ-સમયની નોકરી હતી ત્યારે થઈ હતી, તેઓ ત્યાં ઉર્દૂ અને ફારસી શીખવતા હતા. તેઓ કહે છે, "હું લોકકથાઓ અને લોકગીતો એકત્રિત કરતો હતો," પરંતુ તેઓ ઘણીવાર પોતાની જાતને પૂછતા, "આ બધું લખવું શી રીતે!"
પછીથી જ્યારે તેઓ શિક્ષણ નિયામક બન્યા ત્યારે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ચોથા ધોરણ પછીનું શિક્ષણ માતૃભાષામાં આપવા માટેની નવી ભાષા નીતિ જાહેર કરવામાં આવી. તેઓ કહે છે, "લિપિ તૈયાર કરવા માટેનો તે શ્રેષ્ઠ સમય હતો," અને તેમણે તેને કમ્પ્યુટર સાથે સુસંગત પણ બનાવી.
તેમણે એક લિપિ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો અને એક બાળપોથી પણ લખી. પરંતુ પછીથી તેમણે નોકરી છોડી દીધી, "જિંદગીમાં બહુ ગડબડ થઈ ગઈ," અને તેઓ તે ક્યારેય પ્રકાશિત કરી શક્યા નહીં. તેઓ કહે છે કે નિવૃત્તિ પછી તેમણે ફરી એકવાર પોતાના પ્રયાસો શરૂ કર્યા છે.

Muzamil Bhat

Muzamil Bhat
લિપિને પ્રમાણિત કરવાના અનેક પ્રયાસો પછી ચોથા ધોરણના વિદ્યાર્થીઓ માટે તેમનું પાઠ્યપુસ્તક પુમિકી શિના કિતાબ છાપવામાં આવ્યું હતું. જોકે તે સમયે પણ શિના હજુ પણ એક વૈકલ્પિક વિષય હતો. તેઓ કહે છે, "હું ભાષા કાર્યકર્તા બન્યો અને ઓછામાં ઓછું મારા વિસ્તારમાં આ લિપિને પ્રમાણિત કરવામાં આવી છે." તાજેતરમાં આ માતૃભાષાને દસ્તાવેજીકૃત કરવાના બીજા પ્રયાસો પણ થયા છે. શ્રીનગર સ્થિત કાશ્મીર યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગે શિના વ્યાકરણ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું છે.
મસૂદ કહે છે કે જ્યાં સુધી લિપિ પ્રમાણિત ન થાય ત્યાં સુધી પ્રાથમિક સ્તરે, ઓછામાં ઓછું દસમા ધોરણ સુધી, શિનાને શિક્ષણનું માધ્યમ બનાવવાથી ભાષા લાંબા સમય સુધી ટકી રહેશે. તેઓ નિર્દેશ કરે છે કે ભલે આ તબક્કે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા ઉચ્ચ અથવા તકનીકી અભ્યાસ માટે શિક્ષણના માધ્યમ તરીકે તેનો ઉપયોગ શક્ય ન હોય તેમ છતાં આ શિક્ષણનું માધ્યમ બનાવવાની બાબત તાકીદની છે "નહીંતર આ ભાષા મરી જશે."
તેઓ ગુરેઝમાં નોકરી કરતા હતા તે દરમિયાનના સમયનો એક કિસ્સો કહે છે. જો તેમના સમુદાયમાંથી કોઈ તેમની સાથે ઓફિસમાં કાશ્મીરી કે ઉર્દૂમાં વાત કરે, તો "હું તેમને ઠપકો આપીને કહેતો કે હું શિનામાં વાત કરી રહ્યો છું, તમારે પણ શિનામાં વાત કરવી જોઈએ!"
તેઓ આગળ પૂછે છે, “હવે જો તમારે તમારા પરિવાર સાથે વાત કરવી હોય, તો તમે તે પણ અંગ્રેજીમાં કરશો? કોઈ ફ્રેન્ચ વ્યક્તિ પોતાને ઘેર અંગ્રેજી બોલતો નથી. ફક્ત આપણા ભારતીયોમાં જ આ અંગ્રેઝી કી ગુલામીની માનસિકતાની બીમારી જોવા મળે છે. [આપણા ભારતીયોમાં જ અંગ્રેજી ભાષાને ચડિયાતી ગણવાની આ બીમારી જોવા મળે છે.”
તેઓ કહે છે કે આજે બાળકો અંગ્રેજીમાં શીખે છે, અને તેમની બધી માનસિક શક્તિઓ વિદેશી ભાષાઓ બોલવામાં જ ખલાસ થઈ જાય છે. તેઓ કહે છે, "એવું નથી કે ફક્ત અંગ્રેજો જ બુદ્ધિશાળી હોય છે. શું આપણે હિન્દુસ્તાનીઓ મૂર્ખ છીએ? અલબત્ત, એવું નથી, પરંતુ આપણી [ભારતીય] ભાષાઓનો વિકાસ થતો નથી કારણ કે આપણે વિદેશી ભાષાઓ શીખવામાં આપણો સમય વિતાવીએ છીએ."

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat

Muzamil Bhat
નેશનક એજ્યુકેશન પોલિસી (એનઈપી - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) 2020 માં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે પાંચમા ધોરણ સુધી શિક્ષણનું માધ્યમ બાળકની માતૃભાષામાં હોવું જોઈએ. મસૂદ કહે છે, "ભારતના શિક્ષણ ક્ષેત્રમાં આ કદાચ સૌથી સમજદારીભર્યુંકામ છે, પરંતુ તે પડકારજનક બનવાનું છે."
શિક્ષણ બોર્ડે કાશ્મીરી અને ડોગરીમાં પહેલા ધોરણના પુસ્તકો માટે તેનો અમલ કર્યો છે. તેઓ કહે છે કે તેઓ શિનામાં તેમનું પાઠ્યપુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થાય તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેમણે લગભગ એક વર્ષ પહેલા તે મોકલ્યું હતું.
દરમિયાન મસૂદ તેમના સાથી કાર્યકરો સાથે મળીને શિના લિપિને પ્રમાણિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ઉમેરે છે, "પરંતુ તે કામ ટૂંક સમયમાં પૂરું થશે કે નહીં તેની હું તમને ખાતરી આપી ન શકું. તેના માટે ઘણું કામ કરવાની જરૂર છે, અને હું વૃદ્ધ થઈ રહ્યો છું એ વાતનું મને દુઃખ છે."
આ વાર્તામાં મદદ કરવા બદલ આ પત્રકાર મસૂદ અલ હસન સામૂન, બશીર અહમદ તેરૂ, ફરીદ અહમદ લોન અને અબરાર-ઉલ-આલમનો આભાર માને છે.
ગુલામ રસૂલ મુશ્તાકની શિના કવિતાનું અર્થઘટન ફરીદે કર્યું છે અને પ્રતિષ્ઠા પંડ્યાએ તેને સંપાદિત કર્યું છે. મસૂદ અલ હસન સામૂનની કવિતાનો અંગ્રેજી અનુવાદ મુઝામિલ અને પ્રતિષ્ઠા પંડ્યાએ કર્યો છે.
પારીનો એન્ડેજર્ડલેંગ્વેજીસપ્રોજેક્ટ (ઈએલપી) અઝીમપ્રેમજી યુનિવર્સિટીદ્વારા સમર્થિતપહેલનો એકભાગ છે. તેનો ઉદ્દેશ્યભારતની સંવેદનશીલભાષાઓનું એભાષા બોલતાલોકોના અવાજોઅને જીવંતઅનુભવો દ્વારાદસ્તાવેજીકરણકરવાનો છે.
આ લેખ પારીની ૨૦૨૫ની સિનિયર ફેલોશિપ હેઠળ પ્રકાશિત કરવામાં આવેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/in-gurez-home-is-not-where-the-word-is-guj