કલ્લુ ભિલાલા 2024 માં ગુનાના પન્હેટી ગામમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણને યાદ કરે છે, “ભૂદાન [જમીન-ભેટ] યોજના હેઠળ અમને, ભિલાલા સમુદાયના લોકોને, ફાળવવામાં આવેલી 33 એકર ખેતીની જમીન પર અતિક્રમણ કરવા બદલ ગલસિંહે 29 મી ઓક્ટોબરના રોજ ગામના બંજારાઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેઓએ એ જમીન પર ઝૂંપડા બનાવીને તેના પર કબજો કરવાનું શરૂ કર્યું હતું. આ ફરિયાદથી બંજારાઓ ગુસ્સે થયા હતા અને બે દિવસ પછી તેઓએ ગલસિંહ પર ક્રૂર હુમલો કર્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ઇન્દોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા - જ્યાં એક મહિના પછી તેમનું મૃત્યુ થયું હતું. અમે વહીવટીતંત્રને એક કરતા વધુ વાર ફરિયાદ કરી હતી પરંતુ ગામના વર્ચસ્વ ધરાવતા શક્તિશાળી લોકોની વગ અને રાજકીય દબાણને કારણે કંઈ થયું નહીં.” આ હિંસક અથડામણ જમીનના એક ટુકડા ખાતર થઈ હતી, જમીનનો એ ટુકડો બેમાંથી કોઈપણ સમુદાયની માલિકીનો હોય તેમ જણાતું નહોતું. કલ્લુ પણ આ ઘટનામાં ઘાયલ થયેલાઓમાંના એક હતા.
ગલસિંહના મૃત્યુના સમાચાર પછી ભિલાલા આદિવાસીઓ અને બંજારા સમુદાય વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. પરિણામે 10 બંજારા ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. બંને સમુદાયના ઘણા પરિવારો બેઘર થઈ ગયા હતા. ડરને કારણે ઘણા લોકો ગામ છોડીને ભાગી ગયા હતા અને હાડ થીજવી દેતી ઠંડી રાત ખુલ્લા આકાશ નીચે વિતાવવા મજબૂર થયા.
46 વર્ષના ગલસિંહ ભિલાલાએ 2024 ની શરૂઆતમાં મળ્યા આ પત્રકાર તેમને મળ્યા ત્યારે કહ્યું હતું, "અમારા પૂર્વજોને ભૂદાન પટ્ટા આપવામાં આવ્યા હતા. તેઓ લગભગ 50-55 વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા. આજે આ પટ્ટાઓ ભૂ સ્વામિત્વ પટ્ટા [જમીન માલિકીના દસ્તાવેજો] તરીકે ઓળખાય છે. પરંતુ આટલા વર્ષો પછી પણ અમને જમીનની વાસ્તવિક માલિકી મળી નથી. આ વિસ્તારના બધા ભીલ, ભિલાલા [ભીલોનું એક પેટાજૂથ] અને સહરિયા આદિવાસીઓ માટે આ એક સળગતી સમસ્યા છે. આ બામોરી તહેસીલમાં ઘણા આદિવાસીઓ છે જેમના ખેતરો દબંગ [વર્ચસ્વ ધરાવતા સમુદાયના જમીનદારો] એ કબજે કરી લીધા છે."
તેમણે ત્યારે સમજાવ્યું હતું, "ઘણા ભૂદાન પટ્ટા ગામના ખસરા [જમીન પાર્સલ નંબર] હેઠળ આવે છે, અને બીજા લોકોએ તેમના પર અતિક્રમણ કર્યું છે. પટવારી, તહેસીલદાર, કોઈ પણ આજ સુધી અમારા માટે જમીનનું સીમાંકન કરી શક્યા નથી." મહેસૂલ અધિકારીઓએ પ્રક્રિયા પૂરી ન કરી હોવાને કારણે સમુદાયો વચ્ચે સતત અથડામણો થતી રહે છે. આવી જ એક ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો તેના મહિનાઓ પહેલાં ગલસિંહે આ વાત સમજાવી હતી.
આ બધી જ અથડામણોમાં મુખ્ય સમસ્યા છે વણઉકલ્યો, ખૂબ જ જટિલ જમીન વિવાદ અને બહુસ્તરીય ગડબડ. આ સમસ્યાએ જ આદિવાસીઓને આ વિસ્તારના બીજા આદિવાસીઓ સામે ઊભા કર્યા છે, અને તેમને અધર બેકવર્ડ કલાસીસ (બીજા પછાત વર્ગો), વર્ચસ્વ ધરાવતા સમુદાયના જમીનદારો, વન અધિકારીઓ અને રાજકારણીઓ સાથે સંઘર્ષમાં ઊતાર્યા છે.
આ પત્રકારે 2022 થી આદિવાસી જમીનને લગતા સંઘર્ષોનું દસ્તાવેજીકરણ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેમણે આવા ઘણા સંઘર્ષો જોયા છે. મધ્યપ્રદેશના ગુનાના ધનોરિયા ગામના રામપ્યારીને એ વર્ષે તેમના જ ખેતરમાં વર્ચસ્વ ધરાવતી જાતિના જમીનદારોએ જીવતા સળગાવી દીધા હતા. અને એ પણ તેમણે તેમની જમીન પરના હક માટેની 20 વર્ષ લાંબી કાનૂની લડાઈ જીતી લીધા પછી. જમીનના હકો અંગે આવી હિંસક અથડામણો તેમના મૃત્યુ પહેલા પણ થતી હતી છે અને આજે પણ ઉગ્રપણે ચાલુ છે.















