સ્થાનિક પોસ્ટ ઑફિસની બારીઓ કિચૂડ-કિચૂડ અવાજ સાથે ખુલે છે, અને અમને આવતા જોઈને તે ટપાલી બારીમાંથી બહાર જુએ છે.
રેણુકા અમને સ્મિત સાથે એક ઓરડામાં સ્થિત પોસ્ટ ઑફિસમાં આવવા માટે કહે છે, જેનો એક દરવાજો ઘરની અંદરથી ખુલે છે. અમે તેમના નાના કાર્યાલયમાં પ્રવેશીએ છીએ ત્યારે કાગળ અને શાહીની ગંધ અમને આવકારે છે. તેઓ દીવસની છેલ્લી ટપાલને ગોઠવી રહ્યા છે. હસતાં હસતાં તેઓ મને બેસવા માટે ઈશારો કરે છે. “આવો, આવો! કૃપા કરીને અહીં આરામથી બેસો.”
બહારના હવામાનથી વિપરીત, ટપાલીની ઑફિસ અને ઘરનો અંદરનો ભાગ ઠંડો છે. પવનની લહેરો અંદર આવી શકે તે માટે એક બારી ખુલ્લી છે. સફેદ ચૂનાથી ધોળેલી દિવાલો પર ઘણા હાથથી બનાવેલા પોસ્ટરો, નકશા અને યાદીઓ લટકે છે. આ નાનકડો ઓરડો આટલી મહત્ત્વપૂર્ણ જગ્યા પાસેથી કોઈ વ્યક્તિ જેટલી સફાઈ અને વ્યવસ્થિત ગોઠવણ હોવાની અપેક્ષા રાખે છે, તેવી જ ચોખ્ખાઈ અને વ્યવસ્થિત ગોઠવણ અહીં છે. એક ડેસ્ક અને અમુક છાજલીઓએ તે ઓરડાની મોટાભાગની જગ્યા ઘેરી લીધી છે, પરંતુ તેમ છતાં ત્યાં જગ્યાની તંગી મહેસૂસ નથી થતી.
64 વર્ષીય રેણુકપ્પા તુમકુરુ જિલ્લાના દેવરાયપટના શહેરમાં ગ્રામીણ ડાક સેવક (ગ્રામીણ ટપાલ સેવા) છે; અને છ ગામો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
દેવરાયપટનામાં આ ગ્રામીણ પોસ્ટ ઑફિસનો સત્તાવાર સમય સવારે 8:30 થી બપોરે 1 વાગ્યાનો છે, પરંતુ તેના એકમાત્ર કર્મચારી રેણુકા પ્રસાદ ઘણીવાર સવારે 7 વાગ્યે કામ કરવાનું શરૂ કરે છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ ટપાલી કહે છે, “મારું કામ પૂરું કરવા માટે સાડા ચાર કલાક પૂરતા નથી.”








