આ લેખ પાર્થ એમ.એન. દ્વારા લખાયેલી અને પુલિત્ઝર સેન્ટર દ્વારા સમર્થિત શ્રેણીનો એક હિસ્સો છે.
75 વર્ષીય અસમા ખાન, ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત પોતાની દીકરી માટે એક ચમત્કારિક ઈલાજની શોધમાં 100 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને આવ્યાં હતાં. આ વાતને 12 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ માતા અને દીકરી હજી ઘરે પારત ફરી શક્યાં નથી.
મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના સંભાજી નગર (જૂનું નામ ઔરંગાબાદ) જિલ્લાના એક ગામમાં મજૂર પરિવારમાં જન્મેલાં ફાતિમાની યુવાની સંઘર્ષમય રહી હતી. તેઓને ચક્કરના તીવ્ર હુમલા આવતા, જેના કારણે તેઓ વારંવાર બેભાન થઈ જતાં. સમય જતાં આ તકલીફ વધુ ગંભીર બનતી ગઈ અને હિંસક પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ.
અસમા કહે છે, “અમે વર્ષો સુધી તેને એક ડૉક્ટરથી બીજા ડૉક્ટરના ધક્કા ખવડાવતાં રહ્યાં. અમે તેના ઈલાજ માટે અમારાં ઢોરઢાંખર સુધ્ધાં વેચી દીધાં, પણ કોઈ ફેર પડ્યો નહીં. તેની હાલત બગડતી જ રહી અને અમને સમજાઈ રહ્યું હતું કે તે વાસ્તવિકતા પરથી પકડ ગુમાવી રહી હતી.”
એક દિવસ એવો આવ્યો કે ફાતિમાએ કોઈને ઓળખવાનું જ બંધ કરી દીધું અને તેઓ ગહન ઉદાસીમાં (ડિપ્રેશનમાં) સરી પડ્યાં. તેઓની ઉંમર ત્રીસ વર્ષને વટાવી ચૂકી હતી, અને તેઓનાં માતાપિતા પાસે હવે રસ્તાઓ ખૂટી રહ્યા હતા. તેઓની કથળતી જતી માનસિક સ્થિતિએ મા-બાપને મૂંઝવણમાં મૂકી દીધાં હતાં, જેમને પરિવારના બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવાની ચિંતા પણ સતાવતી હતી.
અસમા યાદ કરીને કહે છે, “તે પોતાનાં કપડાં ફાડી નાખતી, અને અમને સમજાતું નહોતું કે તેની સંભાળ કેવી રીતે રાખવી.” બસ આ જ સમયે, એક પાડોશીએ એક તદ્દન અનોખું સૂચન કર્યું.
તેમના પોતાના ગામથી 100 કિલોમીટરથી વધુ દૂર એક બીજું ગામ આવેલું છે, જ્યાં આશરે 117 વર્ષ જૂની એક દરગાહ છે. દંતકથા એવી છે કે, હઝરત હાજી અબ્દુર રહેમાન શાહ, જેઓ સૈલાની શાહ બાબા તરીકે પણ ઓળખાય છે, તેઓ 19મી સદીના અંતભાગમાં પિંપળગાંવ સરાઈ આવ્યા હતા. આ ગામ વિદર્ભ ક્ષેત્રના બુલઢાણા શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર છે. સૈલાની બાબાની એવી પ્રતિષ્ઠા હતી કે તેઓ ‘દુષ્ટ આત્માઓના વળગાડ'માંથી લોકોને મુક્ત કરાવતા હતા. અને અહીં તેઓની યાદમાં 1908માં — જે વર્ષે તેઓનું અવસાન થયું — આ દરગાહ બનાવવામાં આવી.
ત્યારથી, દર વર્ષે માર્ચ મહિનામાં અહીં વાર્ષિક ઉર્સ ઉજવાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.









