બે અઠવાડિયાં સુધી બાલો માજી અને બીજા નવ બાંધકામ મજૂરો એક નવા જ કામમાં પરોવાઈ ગયા હતા: નજીકનાં જંગલોમાંથી બળતણ માટે લાકડાં ભેગાં કરવાનું
બિહારના નાલંદા જિલ્લાના અરપા પંચાયતમાં પોતાના ઘર પાસે ખાટલા પર બેઠેલા 55 વર્ષીય બાલો કહે છે, “દર ત્રીજા-ચોથા દિવસે, અમે વહેલી સવારે પાંચ વાગ્યે નીકળી પડતા. અને બપોર થતાં સુધીમાં તો દરેક જણ માથે 10-12 કિલો લાકડાંનો ભારો લઈને પરત ફરતો.”
બાલો કહે છે, “ભેગાં કરેલાં લાકડાંથી અમારું 10 લોકોનુંત્રણ-ચાર દિવસનું રાંધવાનું થઈ જતું. પણ અમે ફક્ત દાળ−ભાત કે શાક જ બનાવતા. કારણ કે ત્રણ વસ્તુઓ બનાવવાથી લાકડાં પણ વધારે બળતાં.”
તેઓ તમિલનાડુના ચેન્નાઈના મોટા ઉપનગર તાંબરમમાં બાંધકામ સાઇટ પર કામ કરતા હતા, તે દિવસોની વાત કરી રહ્યા છે.
પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ (LPG)ની કટોકટીનો સામનો કરવા માટે બાલો અને તેમના સાથી મજૂરો દ્વારા શોધાયેલો આ કામચલાઉ ઉપાય ફક્ત બે અઠવાડિયાં સુધી જ ચાલ્યો હતો. તેઓ કહે છે, “દર વખતે લાકડાં મળી જ જાય એવું જરૂરી નથી.”








