“ઇસકો દેખીએ મર ગયા હૈ ઔર ચલ રહા હૈ [આમને તો જુઓ! મરી ગયા છે... અને પાછા ચાલી પણ રહ્યા છે].”
અમિત મરાંડી આજકાલ લોકો માટે હાસ્યનું પાત્ર બની ગયા છે, અને આજે પણ કંઈ અલગ નથી. તેઓ એક મચાન (વાંસમાંથી બનેલો બાંકડા જેવો માંચડો) તરફ જઈ રહ્યા છે, જ્યાં તેમના ગામના અડધો ડઝન સાથીઓ તેમની મજાક ઉડાવીને હસી રહ્યા છે.
32 વર્ષીય સંથાલ આદિવાસી અમિત પણ એ હાસ્યમાં જોડાય છે, પણ તરત જ તેમના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે. તેમના ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાઈ જાય છે અને તેઓ કહે છે, “દેખ લીજીયે હમ જિંદા હૈં લેકિન હમકો માર દિયા હૈ [જુઓ, હું જીવતો છું છતાં મને મારી નાખવામાં આવ્યો છે].”
બિહારના લોહસિંહના ગામના આ દૈનિક મજૂર, મૃત મતદારોની તાજેતરની યાદીમાં તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે તેની વાત કરી રહ્યા હતા. આ આઘાતજનક યાદી મતદારોના નામોની વિશેષ સઘન સુધારણા (SIR) દરમિયાન બનાવવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાર યાદીમાંથી બિનપાત્ર મતદારોને દૂર કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ અહીં લોઆ ટોલામાં ઘણા પાત્ર આદિવાસી મતદારોને ‘મૃત’ જાહેર કરી દેવાયા છે. ફોન પર, મેં સ્થાનિક સૂત્રોને જાણ કરી હતી કે અમિતનું નામ પણ આ યાદીમાં છે.
કાઢી નાખવામાં આવેલા મતદારોની યાદીમાં પોતાનું નામ છે એ જાણીને તેમને દુ:ખ થાય છે: “બુરા તો લગતા હૈ ના [ખરાબ તો લાગે જ ને].”
બપોરના લગભગ 12 વાગ્યા છે અને હું લોઆ ટોલામાં છું — એક આદિવાસી નેસમાં — જ્યાં મારી પાસે બૂથ નંબર 223ના કાઢી નાખવામાં આવેલા મતદારોની યાદી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર કાઢી નાખેલા મતદારોની યાદીઓ તપાસતી વખતે મને આ ગામ વિશે જાણ થઈ હતી. આ રીતે જ હું લોહીસિંહા ગામના બૂથ 223 સુધી પહોંચ્યો, જ્યાં ઘણા આદિવાસીઓનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં.
લોઆ ટોલા એ સંથાલ આદિવાસીઓની એક નેસ છે, જેનું નામ એક ઝાડ પરથી પડ્યું છે. ડુમર અથવા ગુલ્લર (અંજીર)ના ઝાડને સંથાલીમાં ‘લોઆ’ કહેવાય છે − જે ભારતમાં લગભગ 74 લાખ લોકો દ્વારા બોલાતી ઓસ્ટ્રોએશિયાટિક ભાષા છે.
સ્થાનિકો કહે છે કે તેમના ફળિયામાં એક સમયે અંજીરનું એક વિશાળ ઝાડ હતું, જે મોટે ભાગે માટી અને ઘાસના છાપરાવાળા ઘરોથી બનેલા આ સંથાલી ફળિયાની ઓળખ બની ગયું હતું. 2022-2023ના બિહાર જાતિ સર્વેક્ષણ મુજબ, મોટાભાગના સંથાલી લોકોની સરેરાશ માસિક આવક લગભગ રૂ. 6,000 કે તેથી ઓછી છે. લગભગ પાંચમાંથી એક સંથાલ આદિવાસી નાના અથવા ગણોતિયા ખેડૂત તરીકે કામ કરે છે. અમિત જેવા બાકીના લોકો મજૂરીકામ કરે છે − તેઓ પટનામાં ડ્રાઇવર તરીકે કામ કરે છે.





















