માછીવાલા ગામના લોકોએ આ પત્રકારને એક કપ ચા પીવડાવી, જે આપત્તિ દરમિયાન વહેંચાયેલી રાહત સામગ્રીમાંથી બનાવી હતી. રાવી નદીના કાંઠા તૂટવાથી આવેલા આ ભયાનક પૂરે તેમનાં ઘર તબાહ કરી નાખ્યાં, તેમનાં ખેતરોને કાદવ અને પાણીથી ભરી દીધાં. હવે તેમની ચારેબાજુ પાણી ભરાઈ ગયું હોવાથી તેઓ લાચાર છે અને કામચલાઉ તંબુઓમાં રહેવા મજબૂર બન્યા છે.
ઑગસ્ટ મહિનાના એ પૂરમાં તેઓનું સર્વસ્વ છીનવાઈ ગયું.
સરબજીત કૌર રામદાસ બ્લોકના માછીવાલા ગામની બહાર એક ઝૂંપડીમાં બેઠાં છે. અહીં પાસે જ ક્યારેક તેમનું ઘર હતું, જેને રાવી નદીનું પૂર તાણી ગયું. પોતાના જીવનમાં આવેલા આ ભયાનક વળાંક વિશે વાત કરતી વખતે તેઓ ચહેરા પર આછું સ્મિત લાવે છે.
18 વર્ષીય સરબજીત પારીને કહે છે, “અમે આખી રાત બંધને મજબૂત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. 27 ઑગસ્ટ [2025]ના રોજ સવારે 6 વાગ્યે ગુરુદ્વારામાંથી લાઉડસ્પીકર પર જાહેરાત થઈ કે ધુસ્સી [માટીનો પાળો] તૂટી ગયો છે. આ વાત વીજળીવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ. અમે બધાં જીવ બચાવવા ઊંચાણવાળી જગ્યાએ આશરો લેવા દોડ્યાં.”
માછીવાલા અમૃતસર જિલ્લાનું એક નાનકડું ગામ છે, જેની વસ્તી લગભગ 1,186 (વસ્તી ગણતરી 2011 મુજબ) છે. અહીં મુખ્યત્વે જટ્ટ શીખ અને રાય શીખ સમુદાયના લોકો રહે છે, જેમાંથી રાય શીખ સમુદાય પંજાબમાં અનુસૂચિત જાતિ તરીકે નોંધાયેલ છે. અહીંના દલિત પરિવારો મોટે ભાગે જમીનના નાના ટુકડા પર ખેતી કરીને અથવા બીજાંનાં ખેતરોમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
સરબજીતનો પરિવાર ભૂમિહીન રાય શીખ સમુદાયમાંથી આવે છે અને ખેતમજૂરી કરીને પેટ ભરે છે. તેઓના માતા, જેઓ પોતે પણ ખેતમજૂર હતાં, છ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યાં છે; તેમના પિતાને વાઈની બીમારી છે એટલે તેઓ કામ કરી શકતા નથી. બે ભાઈઓ અને એક બહેનનો આ પરિવાર મજૂરી કરીને ઘર ચલાવે છે.
પૂરને કારણે ગામ ત્રણ-ચાર દિવસ સુધી ડૂબેલું રહ્યું, અને પાણીની સપાટી આઠ ફૂટ સુધી પહોંચી ગઈ હતી. આ પૂરે ખેતમજૂરોનાં કાચાં-પાકાં મકાનો ધરાશાયી કરી દીધાં, લણણી માટે તૈયાર ખરીફ ડાંગરનો પાક સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યો અને ખેતરોમાં કાદવ ભરી દીધો. નીલગિરીનાં મોટાં મોટાં ઝાડ પણ મૂળમાંથી ઉખડી ગયાં હતાં.
















