ઇ બેરા બેટી ઈયમ તાની મરચી બારી તે, બેરા બેટી ઈયમ તાની
ધાન્ય સે દદા જો દેનામ રે, બિહા ગોતે ની
મન મજૂર દેના લા રે, બિહા ગોતે ની,
મરચી બારી તે, બેરા બેટી ઈયમ તાની
ધાન્ય સે દદા જો દેનામ રે, બિહા ગોતે ની
[અમારી દીકરી લીલા મરચાના ખેતરોમાં રડે છે
તે કહે છે, બાપા, જાઓ મારું ગોઠવી દો ને, મારા લગન લેવડાવો
અમારાં મન મળી ગયાં છે, દાદા, તેને મારી સાથે પરણાવી દો.
અમારી દીકરી લીલા મરચાના ખેતરોમાં રડે છે.
તે કહે છે, બાપા, જાઓ મારું ગોઠવી દો ને, મારા લગન લેવડાવો.]
(આ ગીત) ગાય છે ત્યારે લખેશ્વરીબાઈ ખડિયા કોઈ બીજી જ દુનિયામાં પહોંચી જાય છે, નીચી ઢાળેલી આંખોથી તેઓ હાથમાં પકડેલા માઇક્રોફોન તરફ જોતા રહે છે. તેમને માટે આ એક અસામાન્ય ક્ષણ છે. અમે જે ભાષામાં લખેશ્વરીને બોલતા રેકોર્ડ કરી રહ્યા છીએ તે ભાષામાં તેમને ગાતા કે વાતો કરતા સાંભળવામાં તેમની આસપાસના બહુ ઓછા લોકોને રસ છે. પરંતુ એક-એક શબ્દ સાથે તેમનું મન એક મિલિસેકન્ડમાં 160 કિલોમીટર દૂર રાયગઢ સુધીની સફર કરી આવે છે, જ્યાં આ જ અવાજોએ તેમના બાળપણનાં વર્ષોને ભરી દીધા હતા.
પાટનદાદરના 55 વર્ષના આ આદિવાસી મહિલા દર્દભર્યા અવાજમાં કહે છે, “મારે હવે (ખડિયામાં)કોની સાથે વાત કરવી? મારા સાસરિયાં હવે રહ્યાં નથી. બાળકોને કહું છું, 'તમારી માતૃભાષામાં મારી સાથે વાત કરો અને મારી પાસેથી શીખો.' પણ આ બાળકો સાંભળે છે ક્યાં? છોકરાંના છોકરાંની વાત જવા દો, આ આખા ગામમાં હવે ખડિયા બોલતું કોઈ રહ્યું હોય તો એ હું એકલી જ છું."
મહાસમુંદ જિલ્લાના આ ગામમાં ‘જૂના’ નામથી જાણીતા લખેશ્વરી બાઈ, બુઢવા ખડિયા સાથે લગ્ન કર્યા પછી અહીં સ્થાયી થયા હતા, બુઢવા હવે જીવનના સાઠના દાયકામાં છે. રાજ્ય સરકાર તરફથી તેમને મળેલી બે એકર જમીન ગુજરાન ચલાવવા માટે પૂરતી નથી અને તેથી પતિ-પત્ની બંને ખેતમજૂર તરીકે પણ કામ કરે છે. લખેશ્વરી કહે છે, “રાયગઢથી અહીં આવી ત્યારે હું મારા સાસરિયાં સાથે ખડિયામાં વાત કરતી હતી. હવે તેઓ રહ્યાં નથી અને એ ભાષામાં વાત કરવા માટે હવે મારી પાસે કોઈ નથી." તેમનાપતિ બુઢવા સમજાવે છે, “હું શબ્દોના ઉચ્ચાર બરોબર કરી શકતો નથી અને તેથી હું તેનો ઉપયોગ કરવાનું ટાળું છું. અહીં છત્તીસગઢીનું રાજ ચાલે છે. આ ભાષા અહીં કોણ સમજશે?”




