ઓગસ્ટ 2023 માં આફિયા ખાતુનનું ગાયન વાયરલ થયું હતું.
તે આકસ્મિક રીતે બન્યું હતું: X (અગાઉ ટ્વિટર) પર એક વપરાશકર્તાએ તેમનો એક વીડિયો શેર કર્યો હતો. તેમાં ખાતુનને આસામના બંગાળીભાષી મુસ્લિમોની મૂળ બોલીમાં ગાતા દર્શાવવામાં આવ્યા હતા. તેમના બે દીકરા દોતારા (બંગાળી લોક સંગીતમાં વપરાતું બે તારવાળું એક વાદ્ય) અને ઢોલ (ડ્રમ) વગાડી તેમની સંગત કરતા હતા.
તેમના ગીતના બોલ આ પ્રમાણે હતા:
જોનોતારે’ઈ શોબાઈ મિલે થાના’ઈ થાના’ઈ એઝાર દિલેય, હિમંતો સોરકાર બુલે દોયોશી રેહ.
જોનોતારે ઝાલાહિયા, હિમંતોર ઈ જોંત્રોના, જોનોતા’ઈ શોઈતે આર પારે ના.
આર કોતો ઝાલાઈ’બે બોલો ના,
આર કોતો ઝાલાઈ’બે બોલો ના
[લોકોએ એક પછી એક પોલીસ સ્ટેશનમાં સામૂહિક રીતે પોલીસ ફરિયાદો નોંધાવી છે; તેઓ કહે છે કે હિમંતા સરકાર દોષિત છે.
લોકો સતત પરેશાન થઈ રહ્યા છે, જુઓ હિમંતાનો ત્રાસ. લોકો હવે વધુ સહન નહીં કરી શકે.
મહેરબાની કરીને મને કહો કે તમે અમને હજી કેટલું વધારે હેરાન કરશો?
મહેરબાની કરીને મને કહો કે તમે અમને હજી કેટલું વધારે હેરાન કરશો?]
તેઓ અમને કહે છે કે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માના બાળ લગ્નને રોકવા માટેના રાજ્યવ્યાપી અભિયાન હેઠળ તેમના મુસ્લિમ સમુદાયના લોકોની સામૂહિક ધરપકડ કરવામાં આવી હતી, તેના પ્રતિભાવમાં આ ગીત હતું.
ખાતુન કહે છે, “આ ગીત મારા સમુદાયની ઊંડી વેદના અને અમારા સામૂહિક દુઃખમાંથી ઉદ્ભવ્યું છે. કોઈકે તો પોતાનો અવાજ ઉઠાવવો જ રહ્યો.” ફેબ્રુઆરી 2023 માં બાળ લગ્નો પરની પહેલી કાર્યવાહીમાં આસામમાં 3900 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી શરુ કરીને બીજા સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને તેમાં મોટી સંખ્યા બંગાળી મુસ્લિમોની છે.


![‘હું [ફરીથી] ક્યારેય આસામી ભાષામાં નહીં ગાઉં’](/_next/image?url=https%3A%2F%2Fproduction.ruralindiaonline.org%2Fuploads%2FHP_COVER_IMAGEAA_I_will_never_again_sing_in_Assamese_a3a400799e.jpg&w=1080&q=75)







