ખ્વાજા મોઈનુદ્દીનને 1951-52 વચ્ચે યોજાયેલી ભારતની પહેલી સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસની તે પરોઢે તેમણે પહેરેલો તેજસ્વી સફેદ કુર્તો યાદ છે. તે સમયે તેઓ 20 વર્ષના હતા અને નવી આઝાદ થયેલી લોકશાહીની ખુશનુમા હવામાં શ્વાસ લેતા, તેમના નાના શહેરમાંથી મતદાન મથક સુધી જતાં ભાગ્યે જ તેમના ઉત્સાહને રોકી શકતા હતા.
હવે 72 વર્ષ પછી, મોઈન 92 વર્ષના છે. 13 મે, 2024ની સવારે, તેઓ ફરી એક વાર તેજસ્વી સફેદ કુર્તો પહેરીને બહાર નીકળ્યા. પરંતુ આ વખતે તેઓ લાકડીની મદદથી મતદાન મથક સુધી ચાલીને ગયા હતા. તેમના પગલાંની વસંત વીતી ગઈ હતી, અને આ જ હાલત મતદાનના દિવસના ખુશનુમા માહોલની પણ હતી.
મહારાષ્ટ્રના બીડ શહેરમાં પોતાના ઘરે પારી સાથે વાત કરતાં તેઓ કહે છે, “તબ દેશ બનાને કે લિએ વોટ કિયા થા, આજ દેશ બચાને કે લિએ વોટ કર રહે હૈ [મેં તે વખતે દેશને બનાવવા માટે વોટ આપ્યો હતો, હવે હું તેને બચાવવા માટે વોટ આપું છું]”
બીડ જિલ્લાના શિરુર કાસર તાલુકામાં 1932માં જન્મેલા મોઈન તાલુકા કચેરીમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા. પરંતુ 1948માં તત્કાલીન હૈદરાબાદ રજવાડાના ભારતીય સંઘમાં જોડાણ દરમિયાન થયેલી હિંસાથી બચવા માટે તેમને લગભગ 40 કિલોમીટર દૂર બીડ શહેરમાં જતા રહેવાની ફરજ પડી હતી.
1947માં થયેલા લોહિયાળ ભાગલાના એક વર્ષ પછી, ત્રણ રજવાડાં — હૈદરાબાદ, કાશ્મીર અને ત્રાવણકોર — એ ભારતીય સંઘમાં જોડાવાનો વિરોધ કર્યો હતો. હૈદરાબાદના નિઝામે એક સ્વતંત્ર રાજ્યની માંગ કરી હતી, કે જે ન તો ભારતનો ભાગ હશે કે ન પાકિસ્તાનનો. મરાઠાવાડાનો કૃષિ પ્રદેશ — જેમાં બીડ પડે છે — તે હૈદરાબાદ રજવાડાનો ભાગ હતો.
ભારતીય સશસ્ત્ર દળો સપ્ટેમ્બર 1948માં હૈદરાબાદ ગયાં અને નિઝામને ચાર દિવસથીય ઓછા સમયમાં આત્મસમર્પણ કરવાની ફરજ પડી. જો કે, સુંદરલાલ સમિતિના અહેવાલ અનુસાર, જે એક ગુપ્ત સરકારી અહેવાલ છે જેને દાયકાઓ પછી જાહેર કરવામાં આવ્યો હતો, આ આક્રમણ દરમિયાન અને તેના પછી ઓછામાં ઓછા 27,000 થી 40,000 મુસ્લિમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના કારણે મોઈન જેવા કિશોરોને પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટવું પડ્યું હતું.
તેઓ યાદ કરે છે, “મારા ગામનો કૂવો મૃતદેહોથી ભરેલો હતો. અમે બીડ શહેરમાં ભાગી ગયા હતા. ત્યારથી તે મારું ઘર રહ્યું છે.”









