જ્યારે કેરળના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ એમનું મલયાલમ ભાષાનું પ્રશ્નપત્ર ખોલ્યું, ત્યારે તેમાં ‘તનિચ્ચિરિક્કુમ્બોલ’ (જ્યારે હું એકલી હોઉં) નામની એક કવિતા હતી. એ કવિતાની પંક્તિઓમાં મૌન, એકલતા અને એકાંતમાં મળતી સ્પષ્ટતાની વાત હતી. રાજ્યભરમાં પરીક્ષા આપી રહેલા લાખો વિદ્યાર્થીઓને એ વાતનો અંદાજો પણ નહોતો કે તેઓ એક યુવાન કવયિત્રી, પી.એ. સેબાની રચના વાંચી રહ્યા હતા.
એ જ વર્ષે, 2023માં, સેબાએ ‘વિરલ પળુતિલે આકાશંગલ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે ચિંતન, કવિતાઓ અને ચિત્રોનો સંગ્રહ છે. આ પુસ્તકની પંક્તિઓ પણ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) સાથેના તેમના જીવનના અનુભવોમાંથી જ લેવામાં આવી હતી. આ એક દુર્લભ આનુવંશિક બીમારી છે જે સ્નાયુઓને નબળા પાડે છે અને હાલમાં તેનો કોઈ ઈલાજ નથી. SMAના દર્દીઓ ધીમે ધીમે પોતાના શરીર પરનો કાબૂ ગુમાવી દે છે અને છેવટે શ્વાસ લેવા માટે પણ નળીનો સહારો લેવો પડે છે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કે દૂર-દૂર બેઠેલા વાચકોમાંથી કોઈને ખબર નહોતી કે આ લેખિકા વર્ષોથી પોતાના રૂમની બહાર નીકળ્યાં જ નથી. શ્વાસનળીમાં ટ્યુબ નાખેલી હાલતમાં પથારીવશ રહીને તેમણે આ પંક્તિઓ લખી હતી. છ વર્ષથી વધુ સમયથી, સેબા ટ્રેકિઓસ્ટોમી ટ્યુબ વડે શ્વાસ લઈ રહ્યાં છે. તેઓ ચાલી શકતાં નથી, જાતે બેસી શકતાં નથી, કે સહેલાઈથી કંઈ ગળી પણ શકતાં નથી.
27 વર્ષીય સેબાએ પોતાના મોબાઇલ ફોનથી એક આખી સર્જનાત્મક દુનિયા રચી છે. 2018માં, એમણે પોતાની રચનાઓ ઓનલાઇન પોસ્ટ કરવાનું શરૂ કર્યું, જે તેમણે ખૂબ જ મહેનતથી પોતાના પાંચ-ઇંચના મોબાઇલ સ્ક્રીન પર બનાવી છે.
પી. વેણુગોપાલે સોશિયલ મીડિયા પર એમની રચનાઓ જોઈ હતી. તિરુવનંતપુરમના આ પત્રકાર કહે છે, “એમના શબ્દોમાં સ્ટીલ જેવી ધાર છે. તેઓ એવું લખે છે જાણે કોઈ સો વર્ષ જીવેલી વ્યક્તિ લખી રહી હોય, પણ છતાંય એમાં કોમળતા અકબંધ છે.” આજે પણ જ્યારે સેબા ખૂબ થાકી જાય છે, ત્યારે તેઓ એમને ટાઇપિંગ અને એડિટિંગમાં મદદ કરે છે. “તેઓ મલયાલમ અને અંગ્રેજી બંને ભાષાઓમાં એટલી જ સુંદરતાથી લખે છે. જ્યારે એમની આંગળીઓ થાકી જાય છે, ત્યારે હું ફક્ત મારી આંગળીઓ ઉધાર આપું છું.”
2023ના નવા વર્ષના દિવસે ટેલિગ્રાફના પહેલા પાના પર ‘પાંજરામાં કેદ પણ શબ્દો મુક્ત’ શીર્ષક સાથે આશા બાકી રાખવા પર તેમની નોંધ પ્રગટ થઈ હતી. સંપાદક આર. રાજગોપાલે ફેસબુક પર એમનું લખાણ જોયું હતું અને તેને પ્રકાશિત કરવા માંગતા હતા. થોડા સમય પછી, એમનાં મલયાલમ ભાષાનાં લખાણોને ‘વિરલ પળુતિલે આકાશંગલ’ (આંગળીઓ વચ્ચેથી દેખાતું આકાશ) નામના પુસ્તકમાં સંકલિત કરવામાં આવ્યાં. કેરળના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે જાન્યુઆરી 2023માં એર્નાકુળમ પ્રેસ ક્લબમાં તેનું વિમોચન કર્યું. સેબાએ આ પ્રસંગને પોતાની માતાના ફોન પર પોતાના રૂમમાંથી જ જોયો હતો.
એમનાં માતા સાબીરાએ પારીને જણાવ્યું, “તેઓ સતત કહેતાં હતાં, ‘જો અમ્મા, મારું આકાશ બીજા લોકો સુધી પહોંચી રહ્યું છે.’”










